GIDCના ઉદ્યોગકારોને ગુજરાત સરકારના આર્થિક પેકેજમાં જુઓ શું મળ્યું

PC: khabarchhe.com

GIDCના ઉદ્યોગકારોના બાકી લેણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત, ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ 50% માફી અને દંડકીય વ્યાજની રકમ 100% માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજનાથી ઉદ્યોગકારોને રૂપિયા 133 કરોડની રાહત મળશે.

GIDCના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર 50 ટકા વ્યાજ માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજના અંતર્ગત 15315 ઉદ્યોગકારોને રૂ.95 કરોડની રાહત મળશે.

GIDC દ્વારા પ્રતિ વર્ષ 2 ટકા લેખે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવે છે. ચાલુ વર્ષ 2020-21 માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી. સદર નીતિથી અંદાજે રૂ.60 કરોડની રાહત આપવામાં આવશે. જેનો 3733 ઉદ્યોગકારોને લાભ મળશે.

GIDCમાં આવેલ યુનિટ કે જે બે વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલા હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ 20 ટકાના સ્થાને ફકત 5 ટકા વસુલ કરવામાં આવશે. વધુમાં આ પ્રકારના કિસ્સાઓમાં તબદીલી ફી ઓછી કરી 15 ટકાના સ્થાને 10 ટકા વસુલવામાં આવશે. જે અન્વયે 1991 ઉદ્યોગકારોને રૂ. 40.42 કરોડનો લાભ મળશે.

જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.31-03-2020 તથા તા.30-06-2020ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે. વધુમાં, માર્ચ થી જુનનો સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોઈ આ ત્રિ-માસિક સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ. આ નિર્ણયથી ઉદ્યોગોને રૂ. 26.80 કરોડની રાહત મળશે. GIDC દ્વારા બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત 7%ના રાહત દરે કરવામાં આવશે જેનાથી ઉદ્યોગોને રૂપિયા 14.30 કરોડની રાહત મળશે. જેનાથી 3100 ઉદ્યોગકારોને લાભ થશે.

લોકડાઉનની પરિસ્થિતિના કારણે GIDC દ્વારા કેટલાક ઉદ્યોગકારો ફાળવેલ પ્લોટના આંશિક /કુલ રકમ ભરપાઇ કરી શકયા નથી. આ ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા 30 જુન, 2020 સુધી વધારી આપવામાં આવશે. જેનાથી 518 ફાળવેલ પ્લોટના લાભાર્થીઓને રૂ.3.31 કરોડની રાહતનો લાભ મળશે.

વર્ષ 2020-21 માટેની GIDC દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે. આ નિર્ણયથી 727 નવા ઉદ્યોગ સાહસિકોને જમીન સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાશે જેનાથી અંદાજે રૂ. 38.98 કરોડની રાહત મળશે. વધુમાં, આ નિર્ણયથી GIDCની વસાહતોમાં હયાત ઉદ્યોગોને ફાળવણીદર આધારિત વિવિધ ફી તથા ચાર્જીસમાં અંદાજિત રૂ.21.45 કરોડની રાહત મળશે. જેના થકી 2700 ઉદ્યોગકારોને લાભ મળશે.

આ ઉપરાંત GIDC દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિતના કરવાના ઉદેશથી નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમાં સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગોને કરવામાં આવતા ધિરાણના સરેરાશ વ્યાજ દરને ધ્યાને લેતાં નિગમ દ્વારા હાલના વ્યાજ દરને 12% થી ઘટાડીને 10% કરવામાં આવશે. જેનાથી 727 ઉદ્યોગકારોને લાભ થશે. આ ઘટાડાથી રૂ.16.12 કરોડની વ્યાજની રાહત આપવામાં આવશે.

ઉદ્યોગોને માસિક પાણીના વપરાશના બીલના ચુકવણા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. કોવિડ-19ને કારણે GIDCએ પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. માર્ચ અને એપ્રિલ 2020ના પાણીના બીલો પરના વ્યાજ તથા દંડનીય વ્યાજની રકમ રૂ.1.32 કરોડ થાય છે. જે પૈકી નોટીફાઇડ વિસ્તારમાં સમાવિષ્ટ ઉદ્યોગોના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ રૂ. 0.52 કરોડ થાય છે, જેનો લાભ 19267 ઉદ્યોગોને મળવાપાત્ર થશે.

કોવિડ-19ને કારણે ઉદભવેલ પરિસ્થિતિમાં GIDC દ્રારા કામચલાઉ મોબાઈલ (સ્થળાંતર થઈ શકે તેવા) અથવા ભવિષ્યમાં દુર કરી શકાય તેવા બાંધકામને જે તે ઔદ્યોગિક પ્લોટ પર મજુરોને રહેણાંકની સુવિધા માટે લોકડાઉનની માર્ગદર્શિકાને સંતોષવા/ પુર્ણ કરવા લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધી અથવા માર્ચ- 2021 બે માંથી જે વહેલુ હોય ત્યાં સુધી મંજૂરી આપવામાં આવશે.

GIDC દ્ધારા ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે, જેમાં ઉદ્યોગકારને પ્લોટનો વપરાશ શરુ કરવા 3-4 વર્ષનો સમયગાળો આપવામાં આવે છે. જો આ મોરેટોરિયમ પીરીયડ દરમિયાન કોઇ કારણસર મિલકતનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય તો ઉદ્યોગકાર ધ્વારા મિલકતના વપરાશની સમયમર્યાદા વધારી આપવા GIDCને રજૂઆત કરવામાં આવે છે.

આ પ્રકારના કિસ્સાઓમાં GIDC મોરેટોરિયમ પીરીયડ 1-2 વર્ષ વણવપરાશી દંડની રકમ વસુલ લઇ વધારી આપે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં GIDCઆ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પીરીયડ 1 વર્ષ વધારી આપવામાં આવશે. જેના કારણે 352 ઉદ્યોગકારોને રુ. 7.89 કરોડની રાહત મળશે. હાલ GIDCના 1635 ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયો છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તા.31-03-2022 સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે છે. જો ઉદ્યોગકાર તેમ કરવામાં નિષ્ફળ જાય છે તો તેવા સંજોગોમાં તમામ વણ વપરાશી સમયગાળા માટે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો- MSME ને પ્રોત્સાહન મળે તે માટે GIDC દ્વારા 3000 ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર રજૂ કરાયેલ દસ્તાવેજી પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી આપવામાં આવશે. આનો લાભ 1428 લાભાર્થીઓને મળશે.

GIDCમાં આવેલી અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટ ફાળવણી માટે મળતી અરજીઓમાં વસાહતની પ્રવર્તમાન વિતરણ કિંમતના 20 ટકા પ્રીમિયમ એકીસાથે વસૂલ લઇ ફાળવણી કરવામાં આવે છે.

આ વસાહતોમાં કોઇપણ પ્રકારનું વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય હયાત ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગોના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી વસાહતના પ્રવર્તમાન વિતરણ દર મુજબ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp