ગુજરાતની ઉદ્યોગ નીતિ 2020-25માં અનેક પ્રોત્સાહનો, જાણો ક્યારે જાહેરાત થશે?

PC: knnindia.co.in/

ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઘણાં લાંબા સમય પછી તૈયાર થઇ છે. આ પોલિસી તૈયાર કરવામાં રાજ્યના વિવિધ વિભાગોના 10થી વધુ ઓફિસરોની મહેતન છે. આ વખતે ચીફ સેક્રેટરી અનિલ મુકિમે પોલિસી તૈયાર કરવામાં વધુ રસ લીધો છે. આ પોલિસીમાં અન્ય રાજ્યો તેમજ વિદેશના ઉદ્યોગકારો માટે લાલ જાજમ બિછાવવામાં આવી છે. ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દેશના મૂડીરોકાણમાં અગ્રેસર રાજ્યોની પોલિસીને ધ્યાન્ રાખીને ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના ડ્રાફ્ટમાં સુધારા કરવામાં આવ્યા છે. નવી પોલિસીનો સમયગાળો 2020 થી 2025 સુધીનો રહેશે જેમાં ત્રણ વાયબ્રન્ટ સમિટ આવી શકે તેમ છે.વ આ પોલિસીમાં નવા મૂડીરોકાણને આકર્ષવા માટે અનેક પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે, એટલું જ નહીં સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે એક મહિનામાં કોઇપણ નવો પ્રોજેક્ટ શરૂ થાય તે માટે જોગવાઇ છે.

રાજ્યના ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ એમકે દાસે કહ્યું હતું કે ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટે હાલ કામ ચાલી રહ્યું છે. અમે ઓગષ્ટમાં જાહેર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આ પોલિસીમાં હયાત ઉદ્યોગો તેમજ નવા આવનારા ઉદ્યોગો માટે અનેક પ્રોત્સાહનો જાહેર કરવામાં આવશે. સૂત્રોએ કહ્યું હતું કે હાલ આ પોલિસી રાજ્યના નાણાં વિભાગમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી છે. ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં જાન્યુઆરી 2021માં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ થશે કે તેમ તે અંગે હજી અનિશ્ચિતતા છે પરંતુ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા ઇચ્છુક ઉદ્યોગજૂથોને પોલિસીના લાભ આપવાના શરૂ કરી દેવામાં આવશે.

નવી પોલિસી માટે અગાઉ બનાવેલા ડ્રાફ્ટમાં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે જ્યારે દેશના અન્ય રાજ્યોની ઔદ્યોગિક સ્થિતિ તેમજ વધતા જતાં મૂડીરોકાણને પણ ધ્યાને લેવામાં આવ્યું છે. પોલિસીમાં પહેલીવાર લેન્ડ બેન્કનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. એ સાથે ઉદ્યોગો માટે વધુ પ્રોત્સાહનો તેમજ ઝડપી મંજૂરીઓ માટેનું વ્યવસ્થા તંત્ર ઉભું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નવી ઉદ્યોગ નીતિ ગયા ડિસેમ્બરમાં જાહેર કરવાની હતી પરંતુ સરકારે તેમાં કેટલાક સુધારા સૂચવતાં નીતિની જાહેરાત થઇ શકી ન હતી. ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે રાજ્યની હાલની ઉદ્યોગ નીતિ 31મી ડિસેમ્બર 2019માં પૂર્ણ થઇ છે પરંતુ નવી નીતિ ન બને ત્યાં સુધી જૂની નીતિના લાભોને ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હવે સરકાર 7મી ઓગષ્ટે પોલિસી જાહેર કરે તેવી સંભાવના છે. આ દિવસે વિજય રૂપાણી સરકારને ચાર વર્ષ પૂર્ણ થાય છે. 

નવી નીતિમાં બીજા વધુ સેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આર્થિક ક્ષેત્ર ઉપરાંત કૃષિ સેક્ટરને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એ ઉપરાંત એરોસ્પેસ્, ડિફેન્સ, સ્ટાર્ટઅપ મિશન, ટેકનોલોજી અને સર્વિસિઝ તેમજ હોસ્પિટાલિટીને સામેલ કરવામાં આવશે. નવી નીતિમાં રોજગારીની તકોને પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પોલિસીમાં સરકારે વન અને પર્યાવરણ, ઉર્જા, ખોરાક અને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, પરિવહન અને નાણાકીય સંસ્થાઓ જેવા ક્ષેત્રોનો સમાવેશ કર્યો છે. ઉદ્યોગ નીતિમાં કુટીર ઉદ્યોગ અને કૌશલ્ય વિકાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને રાજ્યમાં જ્યાં જમીન ઉપલબ્ધ છે ત્યાં લેન્ડ બેન્ક બનાવવામાં આવી છે અને તે જમીન ઉદ્યોગોને આપવાનું નક્કી થયું છે.

ગુજરાતની નિકાસને ટારગેટ બનાવીને સરકારે ખાસ પ્રકારના નિકાસલક્ષી ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં ટેક્સટાઇ, હીરા, ફાર્મા, રસાયણ, એન્જીનિયરીંગ, ચાઇનીઝ માટીની ચીજવસ્તુઓ, તૈયાર કપડાં, ડીઝલ એન્જીન જેવા ક્ષેત્રોમાં પણ વધારે પ્રોત્સાહન આપવા માગે છે. એ ઉપરાંત આ વખતે સરકારે નવી નીતિમાં બાગાયતી ક્ષેત્રનો વધારે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે, કારણ કે આ ક્ષેત્ર વધારે રોજગાર આપી શકે છે અને નિકાસ પણ વધારી શકે છે. રાજ્ય સરકારે નવી નીતિમાં 19 જેટલા વિવિધ સેક્ટરોની પ્રોફાઇલ બનાવી છે જે રાજ્યના 33 જિલ્લાઓને અસર કરે છે. અગાઉની નીતિમાં સરકારે માત્ર 12 સેક્ટરો માટે કામ કર્યું છે જેમાં આ વખતે વધુ સાત સેક્ટરોનો ઉમેરો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp