રત્નકલાકારે શેઠને કહ્યું- અમે નોટબંધીમાં તમને મદદ કરી હતી હવે તમે...સાંભળો ઓડિયો

(રાજા શેખ) સુરતમાં સની પટેલ નામના રત્નકલાકારે એક ઓડિયો અને એક વીડીયો વાઈરલ કર્યા છે. કતારગામ રોડના એક ડાયમંડ યુનિટના માલિક સાથે તેમને ત્યાં જ કામ કરતા રત્નકલાકાર સની પટેલે મોબાઈલ ફોન પર વાતચીતનો ઓડિયો જાહેર કર્યો છે. તેમાં તે કહી રહ્યો છે કે, લોકડાઉન દરમિયાનનો પગાર આપીને અમારી તકલીફ દૂર કરો. હવે સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યો છે તો કેમ નથી આપતા.? શનિ પટેલ કહે છે કે , ખુશાલભાઈને વાત કરી કે તકલીફ વધારે છે, પગાર આપો, બિમાર છીએ ઉપાડ આપો કઈક મદદ કરો. અમારે તમને મળવું છે પણ તેઓ તમારા સુધી પહોંચવા જ નથી દેતા.

બીજી કંપની હરેકૃષ્ણએ તો આપ્યો છે. આ બધી વાતો સાંભળતા સાંભળતા વચ્ચે માલિક સની પટેલને દિકરા તરીકે સંબોધી શાંતિથી જવાબ આપતા કહે છે કે, દિકરા નિયમ નહીં બતાવવાના. તમે પરિવારમાં છો તો આર્થિક તકલીફ હોય તો મદદ કરવામાં આવશે. ફેમીલી જોડાણ હોવાથી અમારો અભિગમ પહેલાથી જ એ છે. પણ બીજા ખાતાના ઉદાહરણ નહીં આપવાના. સુપ્રીમના કીધે કોઈએ પગાર આપ્યો નથી. હું પણ કોરોનામાં સપડાયો છું, બધુ બંધ જ છે. ઉપાડનું જોઈશું.

સની પટેલ આકરો સવાલ કરતા કહે છે કે, નોટબંદી વખતે તમે તમામ કારીગરોના ખાતાં 2થી 3 લાખ રૂપિયા નાંખ્યા હતા અને અમે તમારી મદદ કરી હતી પરંતુ હાલ અમે તકલીફમાં છીએ ત્યારે તમે કેમ મદદ કરતા નથી. તમારા ખરાબ સમયમાં અમારો ઉપયોગ કરવાનો, ત્યારે તમારી પાસે મૂડી હતી અને હવે અમારા ખરાબ સમયમાં તમારી પાસે મૂડી નથી. ઓડિયો બાદ સની પટેલે વીડીયો જારી કરી પણ મદદ કરવા અરજ કરી અને ફરી નોટબંદી વાળો જ સવાલ ઉઠાવ્યો છે.

લેબર વિભાગે 65 ડાયમંડ યુનિટને નોટિસ પાઠવી છે પણ કોઈ પગાર ચુકવતું નથી

ગુજરાત ડાયમંડ વર્કસ યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, અમે લેબર વિભાગને 149 ડાયમંડ કંપનીઓએ રત્નકલાકારોને લોકડાઉનમાં કોઈ મદદ ન કરી હોવાનું અને પગાર પણ ન આપ્યો હોવાની ફરિયાદ કરી છે. ત્યારબાદ 65 યુનિટના માલિકોને નોટિસ પાઠવી છે. લેબર વિભાગે જીજેઈપીસીને પણ બે વાર પત્ર લખી દરમિયાનગીરી કરી પગાર અપાવવા માટે લખ્યું છે પણ માલિકો લેબર વિભાગ અને સુપ્રીમ કોર્ટના હુકમને ગણકારતા નથી. જેથી, હતાશ થયેલા રત્નકલાકારો હવે આ રીતે ઓડિયો, વીડીયો દ્વારા પોતાના મેસેજ આપી રહ્યાં હોય તેવું બની શકે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp