બડીના પાવર પ્લાન્ટ અને લિગ્નાઇટ ખાણકામ સામે ઉગ્ર વિરોધ, કેન્દ્રને ફરિયાદ

PC: https://timesofindia.indiatimes.com

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ) દ્વારા ભાવનગર જિલ્લાના બાડી-પડવા એકમના પાવર પ્લાન્ટમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું સતત ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ વિસ્તારમાં સરકારી કંપની ઉપરાંત લિગ્નાઇટ માઇનિંગ કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમો તોડવામાં આવી રહ્યા હોવાનો આરોપ પહેલાં ગ્રામજનોએ અને હવે પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ કરી રહી છે.

ગુજરાતની પર્યાવરણ સુરક્ષા સમિતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી જણાવ્યું છે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની શરતો પ્રમાણે પ્રોટેક્શન વોલ ઉપરાંત સુએજ અને એફ્યુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન હજી સુધી બનાવવામાં આવ્યો નથી. સરકારી કંપની જ કાયદાનો ભંગ કરી રહી છે. આ વિસ્તારમાં 25 કિલોમીટર સુધીની જમીનમાં ભારે પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે અભ્યાસ કરીને તાત્કાલિક તપાસ કરવી જોઇએ.

ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ માઇનિંગના કારણે નદી, પશુપાલન અને જમીન બદબાદ થઇ રહી છે. પર્યાવરણની અસરો તપાસવા માટે કેન્દ્રએ નિષ્ણાંતોની ટીમના નેતૃત્વમાં ડ્રોન સર્વે કરવાની આવશ્યકતા છે. આ માઇન્સના કારણે પ્રદૂષિત કચરો ડમ્પ થઇ રહ્યો છે દૂર થવો જોઇએ અને જવાબદાર અધિકારીઓને સજા થવી જોઇએ.

આ સમિતિએ ગુજરાતના મુખ્યસચિવ પંકજકુમાર, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઇઓ, ઉદ્યોગ અને ખાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ પત્રની નકલ મોકલાવી છે. આ સ્થળે ગેરકાયદે ડમ્પીંગ સાઇટ બની હોવાથી પર્યાવરણના પ્રશ્નો ઉભા થયા છે. ડમ્પિંગ સાઇટ પર જરૂરી સોઇલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો નથી.

અંદાજે 150 મીટરની લંબાઇ ધરાવતી ખાણ કચરાની ટેકરી બની રહી છે. આ કચરો માલેશ્રી નદીને પ્રદૂષિત કરી રહ્યો છે જેના કારણે નદીના પાણીનો પીવામાં કે સિંચાઇમાં ઉપયોગ થઇ શકતો નથી. ભૂગર્ભ જળ પણ દૂષિત થઇ રહ્યાં છે.

જમીન પણ ઉજ્જડ બની રહી હોવાથી ગૌચરનું વાવેતર પણ થઇ શકતું નથી. થોડાં સમય પહેલાં બાડી ગામ પાસે જમીન ધડાકા સાથે આઠ મીટર સુધી બેસી જતાં 1200 લોકોની વસતી ભયમાં જીવી રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક વર્ષ પહેલાં જ્યારે પાણીના નમૂના લીધા હતા ત્યારે તેમાં ખતરનાક હદે પ્રદૂષણ હોવાનું બહાર આવ્યું છે છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.

બીજી તરફ પર્યાવરણ સુરક્ષા સમિતિએ 12 ગામ ખેડૂત સંઘર્ષ સમતિએ રાજ્ય સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખી તેમના પ્રદેશની જમીનમાં થતાં ફેરફારોની જાણ કરી પગલાં લેવાની વિનંતી કરી છે. અગાઉ ગ્રામજનો અને પર્યાવરણિય સંસ્થાઓએ સરકારમાં રજૂઆત કરી આ પ્રદૂષણને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સરકાર અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ નિષ્ફળ ગયા છે. આ સમિતિએ પ્રદૂષણને દૂર કરવાના પ્રયાસો શરૂ કરવા ઉપરાંત જવાબદારો સામે સખ્ત પગલાં લેવાની ભલામણ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp