તમારા માટે મીઠું પકવતા લોકોએ સોલ્ટ સત્યાગ્રહ કરવો પડે તેવી નોબત

PC: wpmucdn.com

ગાંધીજીએ ગુજરાતમાં ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહ કર્યો હતો અને અંગ્રેજોના શાસનને ડોલાવ્યું હતું પરંતુ હાલના શાસકો મીઠા ઉત્પાદકોને ડોલાવી રહ્યાં છે. ગુજરાતમાં મીઠાના ઉત્પાદન સામે અનેક મુશ્કેલીઓ છે. સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર તરફથી મીઠાની લીઝની ઝડપથી મંજૂરીઓ મળતી નથી તેથી ઉત્પાદનને માઠી અસર થઇ રહી છે.

 રાજ્યમાં ભાડાપટ્ટાનો દર એટલો બઘો ઉંચો છે કે સોલ્ટ ઉત્પાદકો કામગીરી કરી શકતા નથી. ગુજરાતમાં મીઠા ઉત્પાદકો પ્રતિ હેક્ટર 988 રૂપિયા સરકારને ચૂકવે છે જ્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આ દર માત્ર 22 રૂપિયા છે. ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં મીઠા ઉત્પાદકો સુરક્ષિત છે.

ગુજરાતનું મીઠું આખો દેશ ખાય છે. ભારતના કુલ ઉત્પાદનના 80 ટકા મીઠું માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થાય છે. ઉત્પાદકો કહે છે કે મીઠાના ઉત્પાદન માટે મહત્ત્વની લીઝ રિન્યુઅલ અંગે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે અને આ માટે ચેક લિસ્ટ રાખવામાં આવે જેથી રિન્યુઅલની કામગીરી ઝડપથી પૂર્ણ થાય. આ અંગે નો ઓબ્જેક્શન સર્ટિ મંગાવવામાં આવે છે તે નવી જમીનની ગ્રાન્ટ સમયે જ માંગવી જોઈએ. તેથી માત્ર રિન્યુઅલ સમયે ફરીથી તમામ પ્રક્રિયા કરવી ન પડે. એટલું જ નહીં સોલ્ટ કમિશનરનો અભિપ્રાય લેવાનો રહેતો નથી કારણ કે ભારત સરકાર દ્વારા સોલ્ટ ડિપાર્ટમેન્ટ જ બંધ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં મીઠાની લીઝ આપવામાં સરકારની બેદરકારી સામે આવી છે. 2013થી મોટી સંખ્યામાં લીઝ રિન્યુની અરજીઓ પડતર છે. ઉત્પાદકો કહે છે કે મીઠા ઉત્પાદન માટેની ભાડાપટ્ટાની જમીન પર લાગુ પાડવામાં આવતો પ્રતિ ચોરસ મીટરનો 10 પૈસાનો બિનખેતી કર ભાડાપટ્ટાની જમીન પર લાગુ પાડી શકાય નહીં પરંતુ સરકાર તે ચાલુ રાખે છે જે વ્યાજબી નથી.

દેશના અન્ય રાજ્યોમાં ભાડાપટ્ટામાં જે ભાડું લેવામાં આવે છે તે પૈકી ગુજરાતના દર ખૂબ ઉંચા છે. ગુજરાતમાં આ દર 988 પ્રતિ હેક્ટર છે. જ્યારે તામિલનાડુમાં 333 પ્રતિ હેક્ટરરાજસ્થાનમાં 247 પ્રતિ હેક્ટરઆંધ્રપ્રદેશમાં 151 પ્રતિ હેક્ટરમહારાષ્ટ્રમાં 22 પ્રતિ હેક્ટર અને ઓરિસ્સામાં પ્રતિ હેક્ટર 16નો દર છે.

ગુજરાતમાં આ દર ઘટાડવાની જગ્યાએ 2014માં 15 ટકાનો વધારો ઝિકીં દેવામાં આવ્યો છે. ગુજરાતમાં ઉત્પાદિત થતું મીઠું હવે બજારમાં ઓછું જોવા મળી રહ્યું છે કારણ કે રાજ્ય સરકારની જટીલ નીતિના કારણે મીઠા બજારમાં અન્ય રાજ્યો પ્રવેશી ચૂક્યાં છે. આ પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષમાં આકાર પામી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp