ટ્વીન ટાવર ડિમોલિશનથી નજીકની ઈમારતોને કેટલું નુકશાન થયું, સમારકામ કોણ કરાવશે?

PC: indiatoday.in

નોઇડામાં લગભગ 300 કરોડના ખર્ચે બનેલા ટ્વીન ટાવર 28 ઓગસ્ટે આંખના પલકારામાં ધૂળમાં ખાખ થઈ ગયા હતા. બ્લાસ્ટ પહેલા નોઈડા ઓથોરિટી અને પોલીસે વિવિધ ખાસ વ્યવસ્થા કરી હતી. બિલ્ડિંગનું ડિમોલિશન પ્લાન મુજબ થયું હતું. જો કે આ દરમિયાન આસપાસની સોસાયટીઓમાં પણ થોડું નુકસાન થયું છે. 

નોઈડાના સેક્ટર-93Aમાં સ્થિત સુપરટેકના 32 માળના ટ્વીન ટાવર ઈતિહાસના પાનામાં અંકિત થઇ ગયા છે.બ્લાસ્ટ પહેલા નોઈડા ઓથોરિટી અને પોલીસે વિવિધ ખાસ વ્યવસ્થા કરી હતી. આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકોને સવારે જ બહાર મોકલી દેવાયા હતા અને આ સોસાયટીઓની ઇમારતોને મોટા પડદાઓથી ઢાંકી દેવામાં આવી હતી જેથી ધૂળને જતી અટકાવી શકાય. અધિકારીઓના શ્વાસ થંભી ગયા હતા કારણ કે, દેશમાં પહેલીવાર આટલી મોટી ઇમારતો તોડી પાડવામાં આવી રહી હતી અને  આજુબાજુમાં આવેલી સોસાયટીઓમાં બનેલા સેંકડોફ્લેટસની સલામતી એક મોટો પડકાર હતો.

નોઈડા ઓથોરિટીના CEO રિતુ મહેશ્વરીએ જણાવ્યું કે જે યોજના બનાવવામાં આવી હતી તે મુજબ ડિમોલિશનનું કામ પૂર્ણ થયું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં ATS વિલેજની લગભગ 10 મીટરની બાઉન્ડ્રી વોલને નુકસાન થયું છે. તેમજ ટ્વીન ટાવરની બાજુના કેટલાક ફ્લેટના કાચ પણ તૂટી ગયા છે. આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયામાં એમરાલ્ડ કોર્ટને કોઈ નુકસાન થયું નથી. એટીએસ વિલેજમાં તૂટેલી બાઉન્ડ્રી વોલ અને કાચને બ્લાસ્ટિંગ કંપની એડિફિસ એન્જિનિયરિંગ દ્વારા ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે. આ માટે સોસાયટીના રહીશોએ કોઈ ખર્ચ કરવો પડશે નહીં.

એક અહેવાલ અનુસાર, ટ્વિન ટાવર તોડી પાડનાર મુંબઈ સ્થિત કંપની એડિફિસ એન્જિનિયરિંગે સાવચેતી તરીકે 100 કરોડનો વીમો પહેલેથી જ ઉતાર્યો હતો. તેનો સમયગાળો ત્રણ મહિના માટે માન્ય રહેશે.

ટાવર તોડી પાડ્યા બાદ આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે ધૂળથી ઢંકાઈ ગયો હતો. જો કે, નોઇડા ઓથોરિટી અને વહીવટીતંત્રે તેની તૈયારીઓ કરી લીધી હતી. બિલ્ડિંગ ધરાશાયી થયાની 15 મિનિટ પછી, એડિફિસ એન્જિનિયરિંગે જાહેરાત કરી કે ડિમોલિશન સુરક્ષિત રીતે પૂર્ણ થઈ ગયું છે. જેના થોડા સમય બાદ નોઈડા ઓથોરિટી અને ફાયર બ્રિગેડની ટીમ ધૂળ હટાવવાના કામમાં લાગી ગઈ હતી.

નોઈડા ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 100 પાણીના ટેન્કર, 22 એન્ટી સ્મોગ ગન, 6 સ્વીપિંગ મશીન, 20 ટ્રેક્ટર-ટ્રોલી અને આરોગ્ય અને બાગાયત વિભાગના લગભગ 500 કર્મચારીઓ આસપાસના વિસ્તારો અને સોસાયટીઓમાં પહેલાથી જ તૈનાત હતા. સૌએ સાથે મળીને સોસાયટીની દિવાલોથી ઝાડ-છોડ અને રસ્તાઓ સુધીની ધૂળ દૂર કરવાનું કામ કર્યું હતું.

થોડી જ સેકન્ડોમાં 300 કરોડના ખર્ચે બનેલા આ ટાવર 28 ઓગસ્ટ, રવિવારે લગભગ 2.30 કલાકે એક પછી એક ધૂળમાં મળી ગયા હતા. આ દરમિયાન પહેલા સાયરન વાગી, પછી જોરદાર ધડાકા સાથે ધૂળના ગોટે ગોટા આકાશમાં દેખાયા હતા અને પળવારમાં આ ટ્વીન ટાવર ધરાશાયી થઇ ગયા. 3700 કિલોગ્રામ ગનપાઉડરના વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર દૂરથી સંભળાયો હતો.

ધૂળના કારણે થતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 6 સ્થળોએ મેન્યુઅલ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનની સ્થાપના કરી હતી. જેના દ્વારા હવાની ગુણવત્તા પર નજર રાખવામાં આવી રહી હતી. ડિમોલિશન બાદ ઓથોરિટીના CEOએ કહ્યું કે રવિવારે બપોરે 2 અને 3 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ પર PM-10 અને PM 2.5ના સમાન આંકડા મળ્યા હતા. જોકે, સાવચેતીના ભાગરૂપે આસપાસના લોકોને થોડો સમય માસ્ક પહેરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

આ ટ્વીન ટાવર દેશના જાણીતા બિલ્ડર સુપરટેકના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ હતા. આમાં 3, 4 અને 5 BHK ફ્લેટ બાંધવાના હતા. બંને ટાવરને 40 માળ બનાવવાની યોજના હતી, પરંતુ અધવચ્ચે મામલો હાઈકોર્ટમાં ગયો અને કામ અટકી ગયું. આ 32 માળના ટાવર્સમાં 950 ફ્લેટ હતા, જે હવે તોડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જ્યારે બિલ્ડરે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ત્યારે તેનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. 2006માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ નોઈડાનો પ્રથમ સૌથી લક્ઝુરિયસ પ્રોજેક્ટ હતો. જેમાં સ્વિમિંગ પૂલ, માર્કેટ, જિમ, ક્લબ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. જો નિષ્ણાતોનું માનીએ તો, જો આ ટ્વીન ટાવર તૈયાર થઈ ગયા હોત, તો હાલમાં તે નોઈડામાં જ નહીં, એનસીઆરની સૌથી આલીશાન રહેણાંક ઇમારત તરીકે ગણાતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp