ગિફ્ટ સિટીમાં 220 કંપનીઓ કેટલા લોકોને રોજગારી આપે છે? બજેટમાં 100 કરોડની જોગવાઇ

PC: wsj.com

ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં મૂડીરોકાણ કરવા માટે રાજ્ય સરકારે 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. આ સિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ સિટીમાં અત્યારે 12000થી વધુ લોકો કામ કરી રહ્યાં છે.

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીએ ઇકો ફ્રેન્ડલી સિટી છે. આ સિટીમાં પાણી, ગટર અને લાઇટની સુવિધા ખુદ ગિફ્ટ સિટીએ ઉભી કરી છે. રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગિફ્ટ સિટીમાં રોજના એક લાખ કરોડ રૂપિયાથી વધુ રકમના આંતરાષ્ટ્રીય સ્તરે સોદાનું ટ્રેડીંગ થાય છે.

બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, ઇન્સ્યોરન્સ કંપનીઓ, ફાયનાન્સ કંપનીઓ સહિત કુલ 220થી વધુ કંપનીઓ કાર્યરત થઇ છે.

ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના પ્રથમ ક્ષેત્રિય કાર્યાલયની સ્થાપના પણ ગિફ્ટ સિટીમાં કરવામાં આવી છે. ભારતના પ્રથમ બુલિયન સ્પોટ એક્સચેન્જને કાર્યરત કરીને સોના અને ચાંદીના સંગ્રહ માટે બુલિયન સંગ્રહ સુવિધા વિકસિત કરવામાં આવેલી છે.

ગિફ્ટ સિટી આઇએફએસસીમાં કાર્યરત સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષ માટે આવક વેરામાંથી મુક્તિ આપવામાં આવી હોવાથી આંતરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આ સિટીમાં મોટાપ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ કરવામાં આવનાર છે. નાણામંત્રીએ કહ્યું હતું કે મૂડીરોકાણ અને મોટાપ્રમાણમાં રોજગારી ઉભી કરવા ગ્લોબલ ઓફશોર ફંડ્સને આકર્ષવા માટે નિયમોને હળવા કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા શેર બ્રોકરોને ગિફ્ટ સિટીમાં થતાં નાણાકીય વ્યવહારો પર સ્ટેમ્પડ્યુટીમાં મુક્તિ આપવામાં આવી હોવાથી બ્રોકર્સના રજીસ્ટ્રેશનની સંખ્યામાં નવા રોજગાર સાથે અવિરત વધારો થઇ રહ્યો છે. એરક્રાફ્ટ લિઝીંગનો ખૂબ મોટો વ્યવસાય આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ વ્યવસાયને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત થતાં એરક્રાફ્ટ લિઝીંગ બિઝનેસને સ્ટેમ્પડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે.

નીતિન પટેલે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં મોટાપાયે વિદેશી મૂડીરોકાણ અને રોજગારીની તકો ઉભી થવાની છે ત્યારે ગુજરાત સરકારની સંપૂર્ણ માલકીની ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp