કોરોનાથી ગુજરાતના શહેરોના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ્સની કોસ્ટ 8000 કરોડ વધી જશે

PC: livemint.com

ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં મેટ્રોરેલ દોડાવવાના સપનાં આ વર્ષે અધુરાં રહેશે, કારણ કે કોરોના સંકટના કારણે મેટ્રોરેલના પ્રોજેક્ટ્સ વિલંબમાં પડે તેવી દહેશત છે, જેની સાથે પ્રોજેક્ટ કોસ્ટમાં 20 ટકાનો વધારો થવાની પણ શક્યતા છે. 

ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ યોજના અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે અને નક્કી કરેલા સમયપત્રકથી છ મહિના મોડી પૂર્ણ થાય તેમ લાગી રહ્યું છે. ગુજરાત સરકારે ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં મેટ્રોરેલ યોજના માટેની દરખાસ્ત કેન્દ્રમાં મોકલીને સ્વિકૃતિ મેળવી લીધી છે પરંતુ આ ચાર મેટ્રો રેલનું કામ અત્યારે ચાલુ કરવામાં આવે તો સરકાર પાસે 40,000 કરોડ રૂપિયાની આવશ્યકતા રહે છે. જો આ પ્રોજેક્ટ્સમાં 2020ના વર્ષનો વિલંબ થશે તો પ્રોજેક્ટ કોસ્ટ 8000 કરોડ રૂપિયા વધી જશે. 

અમદાવાદ મેટ્રોરેલનો પ્રોજેક્ટ 2004માં મંજૂર થયો હતો પરંતુ તેની કામગીરી 2012 પછી શરૂ કરવામાં આવી હતી. એટલે કે છેલ્લા આઠ વર્ષમાં હજી આ મેટ્રોરેલ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના આદેશ પછી ગુજરાત સરકારે ઝડપ કરાવતાં મેટ્રોરેલ વિધાનસભાની ચૂંટણીના વર્ષ 2022માં શરૂ કરવાનું પ્લાનિંગ હતું પરંતુ હવે કોરોનાના કારણે આ ટારગેટ અશક્ય જણાય છે.

શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે અમદાવાદ મેટ્રોરેલ માટે જાપાન સરકારના નાણાં લેવામાં આવ્યા છે પરંતુ રાજ્યના અન્ય ત્રણ શહેરો—વડોદરા, સુરત અને રાજકોટમાં પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો સરકારે 40 હજાર કરોડ રૂપિયા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એટલે કે પીપીપી મોડથી મેળવવા પડે તેમ છે. અમદાવાદ સાથે લિંક થયેલો ગાંધીનગર મેટ્રોરેલનો પ્રોજેક્ટ પણ છેલ્લા ત્રણ મહિનાથી ઠપ્પ થયેલો છે. ગાંધીનગર માટે પણ સરકાર પાસે 6500 કરોડ રૂપિયા જોઇશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp