કોલસાની તંગી વચ્ચે હવે ગેસના ભાવવધારાના કારણે રાજ્યના પાવર પ્લાન્ટની હાલત કફોડી

PC: srelectricalworks.com/project-4

ભારતના અન્ય રાજ્યો સાથે ગુજરાતમાં પણ કોલસાની તંગીના કારણે વીજળી ઉત્પાદન અને વિતરણમાં મુશ્કેલી ઉભી થઇ છે. એક તરફ કોલસો નથી અને બીજી બાજુ કુદરતી ગેસના વધી રહેલા ભાવથી વીજળી ખરીદવી મોંઘી પડે છે. રાજ્ય સરકારે ધુવારણના ગેસ બેઝ બે પાવર પ્લાન્ટ બંધ કરી દીધા છે કારણ કે તેની મોંઘી વીજળી પોસાય તેમ નથી. ધુવારણના આ બન્ને પ્લાન્ટ 220 મેગાવોટ વીજળી આપતા હતા.

ગુજરાત સરકારના ગેસ આધારિત 9 પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતા 2490 મેગાવોટની છે જેની સામે માત્ર 369 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આમ તેના પ્લાન્ટ માંડ 14 ટકા ક્ષમતાએ જ વીજળી પેદા કરી રહ્યા છે, પરિણામે વીજળીનો યુનિટદીઠ ઉત્પાદન ખર્ચ ઊંચો જઈ રહ્યો છે.

એક પાવર કંપનીના એક્ઝિક્યુટીવે કહ્યું હતું કે સરકારને ખરેખર ગેસ આધારિત પાવર પ્લાન્ટથી વીજળી પેદા કરવી મોંઘી પડતી હોય તો તેવા સંજોગોમાં સરકારે આ તમામ પ્લાન્ટને સ્ક્રેપ કરી દેવા જોઈએ. ધુવારણના બન્ને પ્લાન્ટની વીજળી મોંઘી પડે છે. સરકારે યુનિટીદીઠ 32 રૂપિયાનો ભાવ આપ્યો છે તેથી મહિને 72 કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે.

ગુજરાતમાં ગેસ આધારિત નવ વીજ ઉત્પાદન મથકોની કુલ ઉત્પાદન ક્ષમતા સામે માત્ર 14 ટકા ક્ષમતાએ જ વીજળી પેદા કરતાં હોવાથી તેનો ઉત્પાદન ખર્ચ ઊંચો આવે છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમટિડે આ કપનીઓ પાસેથી એપ્રિલ, મે અને જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં યુનિટીદીઠ 32નો ભાવ આપીને 50 લાખ યુનિટ વીજળી ખરીદી હતી. આ વીજળીની ખરીદી માટે સરકારે ફ્યુઅલ કોસ્ટના 3 કરોડ અને ફિક્સ્ડ કોસ્ટના 13 કરોડ ચૂકવ્યા હતા.

વીજ ઉત્પાદન મથકો તેની પૂરતી ક્ષમતાએ ન ચાલતા હોવા છતાંય તેના કર્મચારીઓના પગારના ખર્ચનો બોજ, પ્લાન્ટ બનાવવા માટે લીધેલી લોનના વ્યાજનો ખર્ચ, પ્લાન્ટની જાળવણી કરવાનો ખર્ચ અને વહીવટી ખર્ચ ફિક્સ કોસ્ટ ગણાય છે. આ ખર્ચનો બોજ આખરે ગ્રાહકોને માથે જ નાખવામાં આવે છે. પ્લાન્ટ લોડ ફેક્ટર ઓછો હોય તો વીજ ઉત્પાદન ખર્ચ વધારે આવે છે.

ગુજરાતમાં ધુવારણના ત્રણ, ઉતરાણ, જીઆઇપીસીએલના ત્રણ, જીએસઇજીના બે અને એક પ્લાન્ટ જીએસપીસીનો છે. જીઆઇપીસીએલના બન્ને પ્લાન્ટમાંથી વાસ્તવિક ઉત્પાદન શૂન્ય છે, જ્યારે તેની ઉત્પાદન ક્ષમતા 145 અને 165 મેગાવોટની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp