નવી જંત્રીને લઇને મંત્રી રૂષીકેશ પટેલે આપ્યું મહત્ત્વનું અપડેટ

PC: facebook.com/rushikeshmla

ગુજરાત સરકારે જંત્રીના ભાવ એકાએક બમણાં કરી દેવાને કારણે અને સોમવારથી અમલની જાહેરાત કરવાને કારણે રાજ્યભરમાં હોબાળો મચેલો છે અને બિલ્ડર્સની સંસ્થા ક્રેડાઇના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે. પરંતુ રાજયના પ્રવક્તા મંત્રી રૂષીકેશ પટેલે એક પ્રેસ કોન્ફરસ કરીને સ્પષ્ટ કહ્યું છે કે, નવી જંત્રી જ અમલમાં રહેશે, જો કોઇ ફેરફાર કરવામાં આવશે તો સરકાર જાણ કરશે. મતલબ કે ક્રેડાઇની રજૂઆતની સરકાર પર કોઇ અસર થઇ નથી અને સોમવારથી લાગી થયેલી જંત્રીનો અમલ ચાલુ જ રહેશે એવું મંત્રી પટેલે કહ્યું છે.

ગુજરાતનાઆરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા રૂષીકેશ પટેલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે, સરકારે બિલ્ડરોની રજૂઆત સાંભળી છે, જો નિયમોમાં કોઇ ફેરફાર થશે તો સરકાર જાણ કરશે, બાકી હાલ નવી જંત્રી જ અમલમાં રહેશે.

પટેલે કહ્યુ કે બિલ્ડરો તરફથી રજૂઆત મળી છે કે જંત્રી જે 100 ટકા વધારવામાં આવી છે તે 50 ટકા કરવામાં આવે અને તેનો અમલ 1મેથી કરવામાં આવે. મતલબ કે સરકારે જંત્રી ડબલ કરી દીધી છે અને બિલ્ડર્સ તેને અડધી કરવાની માંગ કરી છે.

રૂષીકેશ પટેલે બીજી જે વાત કરી છે તે રાજ્યના બધા લોકો માટે જાણવી જરૂરી છે. મંત્રીએ કહ્યુ કે જે લોકોએ 4 ફેબ્રુઆરી સુધીમાં દસ્તાવેજ એક્ઝિક્યૂટ કરાવી દીધા હોય તો એવા લોકોને જૂની જંત્રી જ લાગશે. મતલબ કે તેમણે ડબલ જંત્રી ભરવાની થતી નથી. પરંતુ 4 ફેબ્રુઆરી પછીના સ્ટેમ્પ ખરીદનાર દરેક જણને નવી જંત્રી ભરવી પડશે.

ગુજરાત સરકારે વર્ષ 2011માં છેલ્લી વખત જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો, તે પછી લગભગ 12 વર્ષ સુધી જંત્રીના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નહોતા. હવે ગુજરાતમાં ફરી સત્તા પર આવેલી ભાજપ સરકારે અચાનક જંત્રીના ભાવ બમણા કરવાની જાહેરાત કરી દેતા રાજ્યભરમાં હોબાળો મચી ગયો છે. ડેવલપર્સનું કહેવું છે કે  ડબલ જંત્રીને કારણે માત્ર બિલ્ડરોનો જ નુકશાન થશે એવું નથી રાજ્યની પ્રજાને પણ મોટું નુકશાન થશે. આ જંત્રીના ભાવને કારણે  લોકોને નવી મિલ્કત ખરીદવા માટે 20થી 25 ટકા વધારે ચૂકવવા પડશે.

ક્રેડાઇનું કહેવું છે કે અમે જંત્રીનો વિરોધ નથી કરતા, પરંતુ અચાનક અમલ કરી દેવાને કારણે મોટી મુશ્કેલી ઉભી થશે. અમે માત્ર અમલ કરવા માટે 3 મહિનાનો સમય માંગીએ છીએ અને જંત્રી 100 ટકાને બદલે 50 ટકા કરવાની માંગ કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp