ગુજરાતના આ શહેરની નાઇટલાઇફ બદલાતા ટ્રાફિક સિગ્નલ 24 કલાક ચાલુ રાખવાનો નિર્ણય

PC: iamgujarat.com

અમદાવાદ શહેરની રાત હવે રંગીન બની રહી છે. મુંબઈ અને બેંગલોરની જેમ અમદાવાદ મેટ્રો સિટી બનવા તરફ જઈ રહ્યું હોવાથી રાતભર વાહનોનો ધસારો થઈ રહ્યો છે. કલબો, હોટેલો, કોલસેન્ટર, રાતના સમયે શરૂ રહેતી કચેરીઓ અને સ્પામાં કામ કરતી યુવતિઓના કામકાજ રાતના સમયે થઈ રહ્યાં હોવાથી ટ્રાફિક જામ થઈ રહ્યો છે. તેથી અમદાવાદના વધતાં ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના 21 સિગ્નલ પોઈન્ટને સતત 24 કલાક ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા સમયમાં તેનો અમલ કરાશે.

કારણ

રાતના સમયે હવે ટ્રાફિક વધી ગયો હોવાથી સિગ્નલની જરૂર પડે છે. અમદાવાદની વધી રહેલી જનસંખ્યા અને વાહનોની સંખ્યાના લીધે શહેરના મુખ્ય માર્ગ એવા આશ્રમ રોડ, એસજી હાઇવે તેમજ સીજી રોડ ઉપર આવેલા 21 જેટલા ટ્રાફિક સિગ્નલને સતત 24 કલાક કાર્યરત કરવાનું આયોજન કરાયું છે. જેના કારણે મોડી રાત્રે પણ આ 21 ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિકનું નિયમન થઈ શકશે.

આ ટ્રાફિક જંકશન 24 કલાક ચાલુ રહેશે

ઉસ્માનપુરા સર્કલ, ઇન્કમ ટેક્સ સર્કલ, માઉન્ટ કાર્મેલ સર્કલ, વલ્લભ સદન, નેહરુ બ્રિજ ચાર રસ્તા, ટાઉન હૉલ સર્કલ, પાલડી ચાર રસ્તા, મહાલક્ષ્મી ચાર રસ્તા, પરિમલ ગાર્ડન, પંચવટી, બોડીલાઇન ચાર રસ્તા, ગિરીશ કોલ્ડ્રિંકસ ચાર રસ્તા, સ્વતિક ચાર રસ્તા, સ્ટેડિયમ છ રસ્તા, વાયએમસીએ જંકશન, કર્ણાવતી ક્લબ જંકશન, પ્રહલાદનગર ત્રણ રસ્તા, પકવાન ચાર રસ્તા, હેબતપુર ચાર રસ્તા અને કારગિલ ચાર રસ્તા.

રેડ સિગ્નલ

લાલ લાઈટ તોડીને આગળ વધતાં વાહન ચાલકોનું પ્રમાણ દિવસમાં ઘટી ગયું છે. અગાઉ એક મહિનામાં 2.60 લાખ મેમો ફાટતાં હતા જે હવે 1.59 લાખ મેમો ફાટવા લાગ્યા છે. હવે માત્ર 50 હજાર લોકો રેડ લાઈટ ક્રોસ કરે છે. તેથી રાતના સમયે પણ સિગ્નલ રખાશે. જેથી અકસ્માતો ઓછા થશે અને વાહનની સ્પીડ ઘટશે.

સીસીટીવી કેમેરા

અમદાવાદમાં સીસીટીવી કેમેરા લાગેલા છે જે રાતના સમયે કામ કરે છે. તેથી જો કોઈ રેડ સિગ્નલ ક્રોસ કરશે તો તેને દંડ પણ કરાશે. ટીવી કંટ્રોલ રૂમ રાતના સમયે ચાલુ રહેશે.

22 લાખનું એક સિગ્નલ

અમપા 50 ટ્રાફિક સિગ્નલ ઊભા કરવા માટે રૂ.11 કરોડ ખર્ચે છે. એક સિગ્નલ પોઈન્ટ માટે રૂ.22 લાખનું ખર્ચ કરે છે. તેથી રાતના સમયે સિગ્નલ ચાલુ રહે તો તેનું પૂરું વળતર મળી શકે તેમ છે.

ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે

ચાર રસ્તાના મુખ્ય જંકશન ઉપર સામાન્યરીતે ૨૪૦ સેકન્ડનો ટ્રાફિકનો એક રાઉન્ડ હોય છે. ચારેય તરફના વાહનોને 60 સેકન્ડ જેટલો સમય મળે છે. પરંતુ કોઇપણ ચાર રસ્તા ઉપર જુદી જુદી બાજુથી આવતા વાહનોનો ધસારો સતત એકસરખો હોતો નથી. તેથી ઘણીવાર એવું પણ બને છે કે જે તરફ વાહનોનો ધસારો ન હોય તે તરફનું સિગ્નલ ખુલે ત્યાં વાહનો જ ન હોય. જેથી અન્ય તરફના વાહનચાલકો સિગ્નલભંગ કરીને પોતાનું વાહન હંકારી જાય છે. આવું રાતના સમયે વધું થવાનું છે તેથી તેનું મેનેજમેન્ટ અને ટાઈમીંગ અલગથી કરવું પડશે.

40થી વધુ જામ

ખાણી પીણી, પ્રવાસીઓ, બિજનેસ મિટીંગ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બીઆરટીએસ, મેટ્રો રેલ, ઓનલાઈન કેબ સેવાના કારણે 40 સ્થળો એવા છે કે જ્યાં રાતના સમયે ટ્રાફિક વધી રહ્યો છે. ટ્રાફિક જંકશનો ઉપર દિવસ રાત વાહનોની ભીડ રહેતી હોય છે. આ વાહનોની ભીડને નિયંત્રિત કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હાલના સંજોગોમાં સવારે સાત વાગ્યાથી રાત્રિના દસથી અગિયાર વાગ્યા સુધી સિગ્નલને ચાલુ રાખવામાં આવે છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp