બીજા રાજ્યો જેવો વીજકાપ ગુજરાતમાં કેમ નહીં? શું છે રહસ્ય?

PC: https://www.newindianexpress.com

સમગ્ર દેશના કેટલાય રાજ્યો વીજ કટોકટીનો સામનો કરી રહ્યા છે અને તેના માટે પ્રવાસી ટ્રેનો રદ કરીને કોલસા ભરેલી સ્પેશ્યલ માલગાડીઓ દોડાવવી પડી રહી છે, તેનાથી વિપરીત ગુજરાતમાં આવી કોઈ સ્થિતિ નથી અને રાજ્યના મોટાભાગના શહેરોમાં અને ગામડામાં ભાગ્યે જ વીજ કાપ જોવા મળી રહ્યો છે તો તેનું શ્રેય પવન ઊર્જાના વધેલા ઉત્પાદનને જાય છે.

ગુજરાતમાં અત્યારે પીક અવર્સમાં સરેરાશ વીજ માંગ 20,200 મેગાવોટ જેટલી રહે છે. આટલી ઊંચી માંગ હોવા છતાં રાજ્યને હાલ પાવર એક્સ્જેન્ચમાંથી વીજ ખરીદવી પડતી નથી. તેની પાછળનું મુખ્ય કારણ પવન ઊર્જાનું વધેલું ઉત્પાદન છે. ગુજરાત પવન ઊર્જા મથકોની સ્થાપિત ક્ષમતા 6,600 મેગાવોટ છે. તેની સામે હાલમાં 2,200 મેગાવોટનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઉનાળાની વીજ માંગ 20,000 મેગાવોટની આસપાસ સ્થિર થઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં સૌર ઊર્જા ઉત્પાદન પણ આગામી સમયમાં વૃદ્ધિ પામતા ગુજરાત મહદ અંશે રીન્યુએબલ ઊર્જા પર જ આધારિત જ થઈ જાય તેમ માનવામાં આવે છે.

ચોમાસુ નજીક આવતા પવનનું જોર વધશે તેમ તેમ પવન ઊર્જાનું ઉત્પાદન પણ વધશે. ગયા વર્ષે ચોમાસામાં મહત્તમ પવન ઊર્જા સર્જન 4,700 મેગાવોટ હતું. રાજ્યમાં હાલમાં આશરે 2,914 મેગાવોટની સ્થાપિત ક્ષમતાવાળા ગેસ આધારિત વીજમથકો લગભગ નવ મહિનાથી બંધ હાલતમાં છે.

આ ઉપરાંત જીસેક હેઠળના 970 મેગાવોટના સરકારી એકમો, 1,520 મેગાવોટના સ્વતંત્ર વીજ એકમો તથા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં સ્થપાયેલા 424 મેગાવોટના એકમો સામેલ છે. ગેસનો ભાવ અત્યારે આકાશે હોઈ ઊંચા ભાવે વીજ ઉત્પાદન પ્રતિ યુનિટે 20 રૂપિયાની ઉપર પડે તેમ છે. આના લીધે વીજ એકમો ફરજિયાત બંધ રાખવા પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp