હાલમાં જ શોધાયેલી ન્યૂમોનિયાથી બચાવતી વેક્સીન આરોગ્ય કેન્દ્ર પરથી મળશે

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ગાંધીનગરના સેક્ટર - 2 માં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બાળકને ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીનના ટીપાં પીવડાવી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીનેશનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા કહ્યું હતું કે, આ સરકાર રાજ્યના નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સતત ચિંતા અને ચિંતન કરતી સરકાર છે. આ રસીકરણ કાર્યક્રમમાં રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે ઉપસ્થિત રહી રાજ્ય સરકારના આ નિર્ણયને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટેનો મહત્ત્વનો ગણાવ્યો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકારના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ન્યૂમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીનનો (પી.સી.વી.) સમાવેશ કરવામાં આવ્યો છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો પર ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીન (પી.સી.વી.) વિનામૂલ્યે ઉપલબ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આરોગ્ય ક્ષેત્રે લેવામાં આવી રહેલા નવીન પગલાઓમાનું એક મહત્ત્વનું પગલું એટલે ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીનનો (પી.સી.વી.) સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ. ન્યૂમોનિયા તથા મગજનો તાવ એ ન્યૂમોકોકલ બેક્ટેરિયાથી થતી બીમારીઓ છે. ન્યૂમોનિયા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું એક મુખ્ય કારણ છે ત્યારે આવી બીમારીઓ સામે બાળકોને સુરક્ષા પૂરી પાડવામાં આ વેક્સીન (પી.સી.વી.) મદદરૂપ સાબિત થશે.

આ વેળાએ રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે કહ્યું કે, આ એક સુરક્ષિત વેક્સીન છે. આ વેક્સીન અન્ય નિર્ધારિત વેક્સીન સાથે આપવામાં આવશે. એક જ સમયે ઘણી બધી રસીઓ આપવી બાળકો માટે પૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. અન્ય વેક્સીનની જેમ આ વેક્સીન લીધા બાદ બાળકને હળવો તાવ અથવા રસી આપેલ જગ્યાએ લાલાશ થઈ શકે છે.

મંત્રી નિમિષાબેન સુથારે ઉમેર્યું કે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પદભાર સંભાળતાની સાથે જ અનેક જનહિત લક્ષી નિર્ણયો લેવાના શરૂ કર્યા છે ત્યારે આ ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીનેશનનો (પી.સી.વી.) નિર્ણય સ્વસ્થ અને સક્ષમ રાષ્ટ્રના નિર્માણ માટે મહત્ત્વનો પુરવાર થશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, બાળકને ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીનના (પી.સી.વી.) ત્રણ ડોઝ લેવાના રહેશે. જેમાં પ્રથમ ડોઝ જન્મના 6 અઠવાડિયા બાદ, બીજો ડોઝ 14 અઠવાડિયા બાદ અને બૂસ્ટર ડોઝ 9 મહિને લેવાનો રહેશે. ન્યૂમોનિયા તેમજ મગજના તાવથી મહત્તમ સુરક્ષા મળી રહે તે માટે વેક્સીનના ત્રણેય ડોઝ સમયસર લેવા આવશ્યક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp