રથયાત્રા યોજાશે કે નહિ? ચંદનયાત્રામાં તો કોરોના ગ્રહણ નડી ગયું છે, 14મીએ શું થશે

PC: khabarchhe.com

અષાઢી બીજના રોજ નિકળતી રથયાત્રાના અગાઉના કાર્યક્રમો પર કોરોના સંક્રમણનું ગ્રહણ નડી રહ્યું છે. આ ગ્રહણ સતત બીજાવર્ષે આવી રહ્યું છે. કોરોના સંક્રમણના કેસો વધતાં રથયાત્રા યોજવા પર અત્યારે તો અનિશ્ચિતતા જોવા મળી રહી છે ત્યારે ગૃહ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે. રથયાત્રાને હજી વાર છે પરંતુ તે પહેલાના કાર્યક્રમો પર નિયંત્રણો આવી શકે છે. અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રા આ વર્ષે કોરોના સંક્રમણ નિયંત્રણમાં હશે તો યોજાશે પરંતુ મે મહિનામાં તેને આનુશાંગિક કાર્યક્રમો આવે છે તેમાં નિયંત્રણો મૂકવામાં આવી શકે છે. 14મી મે ના રોજ ચંદનયાત્રા યોજવામાં આવતી હોય છે પરંતુ તે ભક્તોની હાજરી વિના યોજવી પડે તેવી સ્થિતિ છે. અમદાવાદમાં આ વર્ષે 144મી રથયાત્રા યોજવાની છે.

14મી મે ના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા નિર્ધારિત કરવામાં આવે છે જેને રથયાત્રાની તૈયારી કહી શકાય છે. ગૃહ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ વખતે મે મહિનામાં કોરોના કેસોની સંખ્યા વધી છે અને અમદાવાદમાં સૌથી વધુ પોઝિટીવ કેસો નોંધાયા હોવાથી ચંદનયાત્રા યોજવા પર નિયંત્રણો મૂકવામાં આવી શકે છે. જો કે આ અંગે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મંદિરના સૂત્રોએ કહ્યું હતું કે ચંદનયાત્રામાં ભગવાનના રથોનું પૂજન કરવામાં આવે છે. રથની મરામત હાથ ધરવામાં આવે છે. ગયા વર્ષે પણ કોરોના સંક્રમણના કેસો વધુ હોવાથી ચંદનયાત્રા સાદાઇથી યોજવામાં આવી હતી. આ વખતે પણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સહિત ચાર થી પાંચ લોકોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવશે. આ વિધિમાં ભક્તો જોડાઇ શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોના સંક્રમણના કારણે રથયાત્રા ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં નિકળી શકી ન હતી. અત્યંત સાદાઇથી ઉજવાયેલી રથયાત્રામાં ભજન મંડળી, ટ્રક, અખાડા અને ઝાંખી જોવા મળી ન હતી. માત્ર ત્રણ ટ્રક જ યાત્રામાં જોડાઇ હતી. જળયાત્રામાં પણ માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp