બે વર્ષમાં 4.63 લાખ લોકોના રૂ.713 કરોડની છેતરપિંડી કરીને લેભાગુ કંપનીઓ ફરાર

PC: patrika.com

વિવિધ મંડળીઓ, સંસ્થાઓ અને બેંકોમાં બચત યોજાનાઓના નામે ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો આપીને ગુજરાતમાંથી કરોડો રૂપિયા એકઠા કરીને સનસાઈન ગૃપની ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હતી. 2017થી આ ટોળકી સક્રિય હોવા છતાં સરકારે પૂરતી તકેદારી ન રાખતા લોકોની સાથે છેતરપીંડી થઈ છે. રોકાણકારોને છેતરતી ટોળકીઓની મિલકતો જપ્ત કરવાનો કાયદો ગુજરાત સરકારે તૈયાર કર્યો ત્યાર બાદ આર્થિક છેતરપીંડી ઘટી નથી પણ વધી છે.સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા ગેરકાયદેસર બનાવટી લેભાગુ કંપનીઓ વિરુદ્ધ વર્ષ 2016 થી મે-2018 સુધી 28 ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરી હતી. 4.63 લાખ લોકોના રૂ.713 કરોડની છેતરપિંડી કરીને લેભાગુ કંપનીઓ ફરાર થઈ ગઈ હતી. કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને 114 જેટલી મિલકતો ટાંચમાં લેવા 11 દરખાસ્ત કરાઈ હતી.

રૂ.20 કરોડની છેતરપીંડી

વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા અશ્વમેઘ કોમ્પલેક્ષમાં સનસાઇન ઇન્ફ્રાબિલ્ડ કોર્પોરેશન નામથી બચત યોજના ચલાવતી કંપનીએ કરોડો રૂપિયા રોકાણકારોના ડુબાડી ઉઠમણું કરતા રોકાણકારોનાં કરોડો રૂપિયાઓ ફસાઇ ગયા છે. ફેબ્રુઆરી 2017માં આ ટોળી ફરાર થઈ ગઈ હતી. એક ફરિયાદ અમદાવાદના દરિયાપુર મોટી હવેલી પોળમાં રહેતા અને દરજીકામ કરતા નટવર ડબગરે નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. માસિક, ત્રિમાસિક અને વાર્ષિક બચત યોજના હેઠળ ગ્રાહકો પાસેથી નાણાં મેળવ્યા હતા અને ત્રણ,ચાર, પાંચ અને વર્ષે લાભ સાથે વળતર આપવાનો વાયદો કર્યો હતો. પહેલા પોલીસ ફરિયાદો લેતી ન હતી, હવે સીઆઈડી ક્રાઈમ પુરાવા શોધવા કોઈક ફરિયાદ કરે એવું તપાસ અધિકારી કહી રહ્યાં છે.

મધ્ય પ્રદેશની ડાકુ ટોળકી

મૂળ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાની ઠગ કંપની 2017થી ગુજરાતમાં આવીને છેતરપીંડી કરી રહી હોવા છતાં ગુજરાતની પોલીસ તે જોઈ રહી હતી. આવી કંપનીઓને પહેલેથી જ મોનીટરીંગ કરવાની સરકાર પાસે કોઈ યોજના ન હોવાથી છેતરપીંડી કરી રહી છે. આવું જ સનસાઈન કંપનીએ રૂ.20 કરોડનું કૌભાંડ ગુજરાતમાં કર્યું છે. સનસાઇન ઇન્ફાબિલ્ડ કોર્પોરેશન લિમિટેડ કંપનીના મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લાના ડાયરેક્ટરો બનવારીલાલ બંધેલ, બકિલસિંહ બંધેલ, સંજીવ બંધેલ, સુરેન્દ્રપાલ, ધરમ કુશવાહા અને રાજવીર બંધેલની ટોળકી કામ કરતી હતી.

સર્ટિફિકેટ અપાયા

રૂ.500 માસિક ભરનારને 5 વર્ષ પછી 42,400 આપવાની લાલચ આપી ડિબેન્ચર સર્ટિફિકેટ આપ્યાં હતાં. 2014થી કૌભાંડ ચલાવાતું હતું. મધ્ય ગુજરાતના 200થી વધારે રોકાણકારોના નાણાં સંડોવાયેલા છે. ગોધરા, દાહોદ અને સંતરામપુરમાં કંપનીની ઓફિસ શરૂ કરી હતી. અનેક નામે કંપની હતી. સનસાઇન ઇન્ફાબિલ્ડ કોર્પોરેશન લિમિટેડ કંપનીની વડોદરા ઓફિસ બંધ કરીને 2018માં સંચાલકો ફરાર થઈ ગયા હતા.ગુજરાત વડી અદાલતમાં કંપની સંચાલકો સામે રજૂઆત કરવામાં આવી હતી અને માંગણી કરી હતી કે સનસાઈન કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવે. પછી વડોદરા પોલીસમાં ફરિયાદ કરી હતી.

પોલીસે ફરિયાદ જ ન લીધી

સુરેન્દ્રનગરના વાંકાનેરમાં ખેડૂતો અને ખેત મજૂરો સાથે છેતરપીંડી કરી હતી. વાંકાનેરમાં સનસાઈન હાઇટેક મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એગ્રો એન્ડ ડેરી લિમિટેડની શાખા ખોલીને 26 એજન્ટો નીમી 550 ગરીબ શ્રમજીવીઓ, ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓ પાસેથી માસિક હપ્તા કરીને થાપણ કે ડિબેન્ચર આપવામાં આવતાં હતા. ડિસેમ્બર 2018માં ગરીબ જનતાની છેતરપીંડી કરનારા લોકો પોલીસમાં ફરિયાદ કરવા ગયા ત્યારે ફરિયાદ લીધી ન હતી. વાંકાનેર શાખાનો મેનેજર પૈસા હડપ કરી ગયો છે તેથી કંપની પૈસા નહીં આપે એવું રોકાણકારોને વડોદરા કચેરીએથી કહેવામાં આવ્યું હતું.

સરકારની પોલ

14 નવેમ્બર 2018માં જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા ઢોલ પીટીને કહેતાં હતા કે, નાગરિકોના નાણાં પચાવી પાડીને આર્થિક કૈાભાંડ કરનાર તત્વોને કડકમાં કડક સજા આપવા રાજય સરકાર કટિબધ્ધ છે. સરકારે કાયદો પસાર કરીને છેતરપીંડી કરનારા સામે નિયમ બનાવાયા છે. કંપનીઓની મિલકતો ટાંચમાં લઇ આ મિલકતોની હરાજી કરી રોકાણકારોને નાણાં પાછા અપાવવાનો રાજ્યસરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રોકાણકારોના નાણાં સત્વરે પરત મળી શકશે. જી.પી.આઇ.ડી. એક્ટમાં નાયબ કલેક્ટરના હોદ્દાથી નીચે ન હોય તેવા અધિકારોની સક્ષમ સત્તાધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે. કાયદામાં ડેઝીગ્નેટેડ કોર્ટની નિમણૂંક કરવાની જોગવાઇ છે. જે મુજબ સમગ્ર રાજ્ય માટે અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ ખાતે ડેઝીગ્નેટેડ કોર્ટોની રચના પણ કરી દેવાઇ છે. સીઆઇડી ક્રાઇમની નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરી તપાસનું અસરકારક સુપરવિઝન થઇ શકશે અને એકંદરે રોકાણકારોને ફાયદો થશે. નાગરિકોને સલામતી આપવા માટે કહેવામાં આવ્યું હતું. બરાબર તે દિવસોમાં જ આ કંપની મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાનની આંખ નીચે જ છેતરપીંડી કરી રહી હતી. આ માટે સીઆઇડી ક્રાઇમની નોડલ એજન્સી તરીકે પણ નિમણૂંક કરી દીધી છે, એમ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp