વિદેશી બેંકોના ખાતેદારોનો ડેટા ચોરી ATMમાંથી આ રીતે પૈસા પડાવતી ગેંગ પકડાઇ

PC: khabarchhe.com
વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્જે લીધું છે. આ રેકેટનો સૂત્રધાર પારથીપન ફરાર હોવાથી તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વિશેષ શાખા તરફથી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચર્સ તરીકે ફરજ બજાવતા એએસઆઈ ઈશ્વરભાઈ મગનભાઈને માહિતી મળી હતી કે, અલગ અલગ એટીએમ સેન્ટર ખાતેથી ડમી એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડતા શખ્સો પીઆરએલ પાસે આવેલા એસબીઆઈના એટીએમ સેન્ટર પર આવવાના છે. જે માહિતીના આધારે પીએસઆઈ એ.બી.કાળે તથા સ્ટાફે ગત મંગળવારે વોચ ગોઠવી બે શખ્સોને શંકાના આધારે અટકાવી તેમની તલાશી લેતા તેમની પાસેના થેલામાંથી 22 ડમી એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. કમલનાથન રામાનાથન સિનૈયા (ઉ.32 રહે. બેંગ્લુરૂ) અને રાજકુમાર શ્રીપ્રેમારામા નાથી (ઉ.25 રહે. બેંગ્લુરૂ મૂળ રાજસ્થાન)ને અટકમાં લઈ તેમની પાસેના ત્રણ મોબાઈલ ફોન તેમજ રોકડ રૂપિયા 63,120 કબ્જે લીધા હતા.

બંને આરોપીઓ પાસેથી એક જ નંબરના 22 ડમી એટીએમ કાર્ડ મળતા તેમની પૂછપરછ કરતા બંને જણા પાંજરાપોળ ચાર રસ્તા પર આવેલી કિઓસ હોટલના રૂમ નંબર 404માં રોકાયા હોવાની જાણકારી મળી હતી. યુનિવર્સિટી પોલીસે આ માહિતીના આધારે આરોપીઓને હોટલ ખાતે લઈ જઈ રૂમમાંથી 359 ડમી એટીએમ કાર્ડ, લેપટોપ, રોકડ રૂપિયા 38,880 અને બે ઈનકોડર મશીન મળી આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં આ રેકેટનો સૂત્રધાર પારથીપન હોવાની વિગતો સામે આવી છે.

ચેટ એપ્લિકેશન પર આવતા ડેટાથી ડમી કાર્ડ બનાવતું હતું 

પોલીસે રંગે હાથ ઝડપી પાડેલા બંને આરોપીઓ પૈકી કમલનાથન સિનૈયાને સૂત્રધાર પારથીપન વિદેશી બેંકોના ખાતેદારોના એટીએમ કાર્ડનો ડેટા ચેટ એપ્લિકેશન પર મોકલતો હતો. મોબાઈલ ફોન પર ચેટ એપ્લિકેશનમાં આવેલો ડેટા કમલનાથન લેપટોપમાં સેવ કરી તેમાં રહેલા સોફ્ટવેરમાં અપલોડ કરી ઈનકોડર સ્વાઈપ મશીનમાં કાર્ડ એક્ટિવ કરી દેતો હતો. કાર્ડ એક્ટિવ થયા બાદ જુદાજુદા રાજ્યો અને શહેરોમાં એટીએમ સેન્ટર ખાતેથી ડમી એટીએમ કાર્ડથી રૂપિયા કાઢી લેતો હતો.

એટીએમમાંથી ઉપાડેલા રૂપિયામાંથી 80 ટકા સૂત્રધારને ટ્રાન્સફર કરાતા 

જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી લાખો રૂપિયા ઉપાડ્યા બાદ તે પૈકી 80 ટકા રકમ સૂત્રધાર પારથીપનને ટ્રાન્સફર કરી દેવાતી હતી. જ્યારે 20 ટકા રકમ પકડાયેલા બંને આરોપી રાખતા હતા. કમલનાથન એટીએમમાંથી કાઢેલા રૂપિયા પહેલા પોતાના એકાઉન્ટમાં જમા કરતો અને ત્યારબાદ પારથીપનના ઈન્ટરનેશનલ બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરતો હતો. પોલીસે કમલનાથન તેમજ પારથીપનના બેંક એકાઉન્ટની માહિતી મેળવી તેમાં થયેલી લેવડ-દેવડની માહિતી મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp