15 વર્ષ પહેલા અંબાણી ભાઇઓએ સરખાભાગે વહેંચેલી સંપત્તિ, પણ અનિલ અંબાણી હવે કંગાળ

PC: assets.bwbx.io

2006 એવું વર્ષ હતું જ્યારે અનીલ અંબાણીની સંપત્તિ મોટા ભાઈ મુકેશ અંબાણી કરતા પણ વધારે હતી, પણ આજની સ્થિતિ એ છે કે મુકેશ અંબાણી જ્યાં દુનિયાના 5માં સૌથી મોટા અમીર ઉદ્યોગપતિ બની ગયા છે. તો અનીલ અંબાણી નાદારીના કગારે છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હાલમાં 77 અબજ ડૉલર થઇ ગઇ છે, જ્યારે અનીલ અંબાણી ગયા વર્ષે જ અબજોપતિની લિસ્ટમાંથી બહાર થયા છે અને હાલમાં તેમની સંપત્તિ એક અબજ ડૉલર કરતા પણ ઓછી થઇ ગઇ છે.

2002માં ધીરૂભાઈ અંબાણીના નિધન પછી મુકેશ અંબાણીએ કંપનીના ચેરમેન અને અનીલ અંબાણીએ એમડીનું પદ સંભાળેલું. 2004માં બંને ભાઈઓ વચ્ચે સંપત્તિને લઇ ઝઘડો થયો અને 2005માં બંને વચ્ચે ભાગલા પડી ગયા હતા. તે સમયે બંને ભાઈઓની કુલ સંપતિ 7 અબજ ડૉલર હતી. હવે ભાગલાના 15 વર્ષ પછી બંને ભાઈઓની નેટવર્થમાં ખૂબ મોટું અંતર આવી ગયું છે.

સંપત્તિના ભાગલા પછી અનીલ અંબાણીનું નેટવર્થ 9 ગણું વધી ગયું છે. ભાગલા પછી મુકેશ અંબાણીના હિસ્સામાં પેટ્રોકેમિકલ્સનો બિઝનેસ આવ્યો. તો નાના ભાઈ પાસે રિલાયન્સ કમ્યુનિકેશન અને રિલાયન્સ કેપિટલ, એનર્જીનો બિઝનેસ આવ્યો.

2008 સુધી બંને સંપત્તિના મામલે લગભગ બરાબરી પર જ હતા. પણ 2009માં આવેલી વૈશ્વિક મંદીની અસર બંને ભાઈના વેપાર પર પણ પડી. જોકે, મુકેશ અંબાણી તેમાંથી જલદી બહાર આવી ગયા પણ અનીલ અંબાણીની સંપત્તિમાં ઘટાડાનો સમય શરૂ થયો. જે હજુ સુધી ચાલી રહ્યો છે. અનીલ અંબાણી દેવામાં ફસાઇ ગયા છે અને હવે તે નાદારીના કગારે છે.

બંને ભાઈઓ વચ્ચે કરાર થયો હતો કે બંને એકબીજાના બિઝનેસમાં ઉતરશે નહીં. પણ 2010માં આ કરાર ખતમ થયા પછી મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કમ્યુનિકેશનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને રિલાયન્સ જિયોની સાથે ધમાકેદાર એન્ટ્રી કરી. જિયોના આવ્યા પછી સૌથી વધારે નુકસાન અનીલ અંબાણીની રિલાયન્સ કમ્યૂનિકેશનને થયું છે.

જ્યારે 2016માં જિયો લોન્ચ થયું તો તેના થોડા દિવસ પછી સપ્ટેમ્બરમાં જિયો યૂઝર્સની સંખ્યા 1.59 કરોડ હતી. તો રિલાયન્સ કમ્યૂનિકેશનના યૂઝરોની સંખ્યા 8.71 કરોડ હતી. ત્યારે નાના ભાઈની કંપનીનો માર્કેટ શેર 8 ટકા હતો, જ્યારે જિયો પાસે માત્ર 1.5 ટકા માર્કેટ શેર હતો. પણ 2020માં સ્થિતિ એ છે કે જિયોનો માર્કેટ શેર વધી 33 ટકાથી વધારે થયો છે, તો તેના યૂઝરોની સંખ્યા પણ 39 કરોડ પર પહોંચી ગઇ છે.

તેનાથી ઉલટ અનીલ અંબાણીની રિલાયન્સ કમ્યૂનિકેશનનો માર્કેટ શેર ગગડીને 0.002 ટકા પર રહી ગયો છે અને તેના યૂઝરની સંખ્યા માત્ર 18 હજાર જેટલી જ છે. આજની તારીખમાં અનીલ અંબાણી પર 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાનું દેવું છે. તો મુકેશ અંબાણી સંપૂર્ણ રીતે દેવામુક્ત થઇ ગયા છે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળા ગ્રુપની માર્કેટ વેલ્યૂ વધીને 12 લાખ કરોડથી વધારાની થઇ ગઇ છે. તો અનીલ અંબાણીના નેતૃત્વની કંપનીની માર્કેટ વેલ્યૂ ઘટીને 2 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછી થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp