સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક, સોનું રૂ.57000ને પાર, ચાંદીમાં રૂ.7500નો વધારો

PC: gulfnews.com

કોરોના વાયરસને કારણે અર્થતંત્રની ગાડીમાં એક મોટી બ્રેક લાગી ગઈ છે. જે વ્યાપાર-ધંધા શરૂ થયા છે એમાં પણ કોઈ વેગ કે ઉત્સાહ જોવા મળતો નથી. મોટી સંખ્યામાં રોકાણકારો જે તે આર્થિક પાસાઓ પર રોકાણ કરવું જોખમી માની રહ્યા છે. બીજી તરફ સોના-ચાંદીમાં થતા રોકાણને સૌથી સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે. સોનાની માર્કેટમાં સોનાના ભાવ એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. અમદાવાદમાં ગુરૂવારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1400 અને એક કિલો ચાંદીમાં રૂ.7500નો સીધો ભાવ વધારો થયો છે.

આ બંને અતિ કિંમતી ધાતુંએ નવી સપાટી સ્પર્શ કરતા એક રેકોર્ડ બની રહ્યો છે. માર્કેટ નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, અમેરિકન ડૉલર, કેન્દ્રીય બેન્ક તરફથી પ્રોત્સાહન ઉપાય તથા વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે સોનામાં થતા સૌથી સુરક્ષિત રોકાણમાં એકાએક વધારો થયો છે. કુદરતી આફત, મહામારી અને રાજકીય ખેંચતાણમાં સોનું સુરક્ષિત રોકાણ માટેનું પાસું સાબિત થઈ રહ્યું છે. મંગળવારે પાંચ વર્ષમાં અમેરિકી ટ્રેઝરી બોન્ડમાં ઘટાડો આવતા એક બેન્ચમાર્ક 10 વર્ષના ટ્રેઝરી યીલ્ડ પાંચ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. અમદાવાદની માર્કેટમાં સોનાનો ભાવ 57000 રૂ.ને પાર થઈ ચૂક્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં સીધો રૂ.7500નો વધારો થતા રૂપું ભાવ 71800 રૂ.ની એક નવી ઊંચાઈએ પહોંચ્યો છે. સોનામાં કુલ 1400 રૂ.નો સીધો વધારો થયો છે.

જ્યારે હોલમાર્ક દાગીનાના ભાવમાં 1375રૂ.નો વધારો થતા હોલમાર્કના દાગીનાની નવી કિંમત 55690 રૂ. સામે આવી છે. થોડા દિવસ પહેલા સોનાના ભાવ રૂ.50000ને પાર થતા સમગ્ર દેશમાં એની ચર્ચા રહી હતી. દિલ્હીના સરાફા માર્કેટમાં સોનું અત્યાર સુધીના ઉચ્ચત્તમ સ્તર 56181 રૂ. પ્રતિ 10 ગ્રામના સુધી જતા તેજીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે ચાંદીનો નવો ભાવ 66754 રૂ. સામે આવ્યો છે. વૈશ્વિક માર્કેટમાં સોનાના હાજર ભાવમાં 2020 ડૉલર પ્રતિ ઔંસને વટાવી જતા મહામારીના કાળમાં તેજીની સીઝન શરૂ થઈ હોય એવું લાગે છે. વિશ્વની બજારમાં સોનાની કિંમતમાં કુલ 33 ટકાથી મોટી તેજી સામે આવી છે. છેલ્લા 12 વર્ષમાં 6 ગણો સોનામાં ભાવ વધારો જોવા મળ્યો છે. માર્કેટ નિષ્ણાંત અનુજ ગુપ્તા કહે છે કે, સોના-ચાંદીની આ સ્થિતિ એક મજબૂતી દર્શાવે છે. અત્યારે સોનાની સાથે નાના સ્તર પર ચાંદીમાં થતું રોકાણ એકાએક વધી ગયું છે. ખાસ કરીને ઓર્નામેન્ટ માર્કેટમાં એની સીધી અસર જોવા મળી રહી છે. જેમ જેમ ઔદ્યોગિક પ્રવૃતિઓને વેગ મળશે એમ રોકાણમાં વધારો થશે એવું અત્યારે આ માહોલ પરથી માની શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp