આ વર્ષથી ગુજરાતીઓ કરશે દરરોજ 127 કરોડનું દેવું અને ભરશે દૈનિક આટલા કરોડનું વ્યાજ

PC: youtube.com
ગુજરાતની જનતાના વિકાસ કામો કરવા માટે સરકાર પાસે નાગરિકોનો ટેક્સ પુરતો નહીં હોવાથી સરકાર પ્રતિવર્ષ જાહેર દેવું કરે છે. આ દેવાની રકમ અને તેના વ્યાજના આંકડા ઘણાં ચોંકાવનારા સામે આવ્યા છે. આવતા વર્ષે એટલે કે 2020-21ના નાણાકીય વર્ષના આકડા જોઇને ચોંકી જવાશે. આગામી વર્ષે સરકાર પ્રત્યેક દિવસે 127 કરોડ રૂપિયાનું દેવું કરશે અને દૈનિક 65 કરોડ રૂપિયા વ્યાજ ભરશે.

સરકારના બજેટની છણાવટ કરતી પાથેય સંસ્થાએ બહાર પાડેલા આંકડા ચોંકાવનારા છે. રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિ નાજૂક બને તેવી સ્થિતિ સામે આવી છે. દેવું કરીને ઘી પીવા જેવો ઘાટ છે. રાજ્યના જાહેર દેવાની રકમ હવે તો રાજ્યના કુલ બજેટની સરખામણીએ ખૂબ વધી ચૂકી છે. એટલે કે નાગરિકોના ટેક્સની રકમમાંથી સરકારનું ભરણપોષણ થઇ રહ્યું નથી પરંતુ દેવું કરીને સરકાર ખુશ રહે છે.

રાજ્ય સરકારના વિવિધ ખર્ચ અને વિકાસના કામો કરવા માટે જ્યારે સરકારની કરવેરા અને બિન કરવેરાની આવકો ઓછી પડે છે ત્યારે સરકાર વિકાસના કામો માટે જાહેર દેવાથી નાણાં ઉભા કરતી હોય છે. સરકારના દેવામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. સાથે સાથે રાજ્યના પાછળા જાહેર દેવાના વ્યાજની ચૂકવણીની રકમમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઇએ તો સરકારે વિક્રમી દેવું કર્યું છે અને તેના પેટે વિક્રમી વ્યાજ ચૂકવ્યું છે.

2017-18ના વર્ષમાં સરકારે જાહેર દેવાના વ્યાજ પેટે 18954 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા જ્યારે 2018-19ના વર્ષમાં 20183 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. 2019-20ના નાણાકીય વર્ષના અંતે સરકાર 22563 કરોડ અને આગામી વર્ષે 23871 કરોડ ચૂકવશે. મહત્વની બાબત એવી છે કે નાગરિકોના વિકાસ અને કલ્યાણ માટે જાહેર દેવું કરવામાં આવે છે અને નાગરિકોએ ચૂકવેલા કરવેરામાંથી દેવાની મુદ્દલ અને વ્યાજની ચૂકવણી કરવાની હોય છેઆમ છતાં રાજ્ય સરકાર તેના નાગરિકોને જાહેર દેવાની માહિતી આપતી નથી તેથી દેવાની રકમમાં પારદર્શિતા આવી શકતી નથી.

 ગુજરાત સરકાર ચાલુ નાણાકીય વર્ષના હિસાબો કરશે ત્યારે માર્ચ 2020 સુધીમાં જાહેર દેવાની રકમ 44001 કરોડ રૂપિયા હશે અને તેના પેટે 22563 કરોડ રૂપિયા દેવું ચૂકવશે. આ દેવાની દૈનિક ધોરણે ગણતરી કરવામાં આવે તો સરકારે ચાલુ વર્ષે 121 કરોડ રૂપિયાનું દેવું કર્યું છે અને 62 કરોડ રૂપિયાનું વ્યાજ ભર્યું છે. આવી જ રીતે આગામી નાણાકીય વર્ષમાં સરકાર 46501 કરોડ રૂપિયાનું દેવું કરશે અને 23871 કરોડ રૂપિયાનું વ્યાજ ભરશે. આ રકમને દૈનિક ગણીએ તો સરકાર રોજનું 127 કરોડનું દેવું કરશે અને 65 કરોડ રૂપિયાનું વ્યાજ ભરશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp