PM મોદીએ આંતરરાષ્ટ્રીય રસી સંધિ ‘ગાવી’ માટે દોઢ કરોડ ડૉલર આપવાનું વચન આપ્યું છે

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુકેના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનના યજમાન પદે યોજાયેલી વર્ચ્યુઅલ વૈશ્વિક રસી સમિટમાં સંબોધન કર્યું હતું જેમાં 50થી વધુ દેશો- વ્યવસાયિક અગ્રણીઓ, UN એજન્સીઓ, સિવિલ સોસાયટી, સરકારી મંત્રીઓ, દેશના વડા અને અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીના આ સમયમાં ભારત દુનિયા સાથે એકજૂથ થઇને ઉભું રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ દુનિયાને એક પરિવાર તરીકે જોવાનું શીખવે છે અને આ મહામારીના સમયમાં ભારતે પોતાની આ પરંપરાનું પૂર્ણરૂપે પાલન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતે પોતાના વિશાળ જન સમુદાયને આ બીમારીથી સુરક્ષિત રાખવાની સાથે સાથે દેશમાં પોતાની પાસે ઉપલબ્ધ દવાનો જથ્થો 120થી વધુ દેશોને પહોંચાડીને તેમજ નજીકના પડોશી દેશો માટે સામાન્ય પ્રતિભાવ વ્યૂહનીતિ ઘડીને તેમજ ખાસ કરીને જે દેશોએ સહકાર માંગ્યો છે તેમને જરૂરિયાત અનુસાર મદદ કરીને આ ભાવનાને સાર્થક કરી બતાવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીએ, અમુક રીતે, વૈશ્વિક સહકારની મર્યાદાઓ છતી કરી છે અને બતાવી દીધું છે કે, તાજેતરના ઇતિહાસમાં પહેલી વખત, સમગ્ર માનવજાત એક જ સામાન્ય દુશ્મનનો સામનો કરી રહી છે. ગાવીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક વૈશ્વિક સંધિ નથી પરંતુ વૈશ્વિક એકતાનું પ્રતીક છે અને યાદ રાખો કે આપણે બીજાને મદદ કરીને આપણી પોતાની જાતને જ મદદ કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં ખૂબ વિશાળ જનસમુદાય છે અને મર્યાદિત આરોગ્ય સુવિધાઓ ઉપબલ્ધ છે અને તે પ્રતિકારકતાના મહત્વને સારી રીતે સમજે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સૌપ્રથમ કાર્યક્રમોમાંથી એક મિશન ઇન્દ્રધનુષ છે જેનો મૂળ ઉદ્દેશ્ય આ વિશાળ દેશમાં છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકો સહિત તમામ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં સંપૂર્ણ રસીકરણ કામગીરી સુનિશ્ચિત કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, સુરક્ષાકવચ વિસ્તારવા માટે, ભારતે તેના રાષ્ટ્રીય પ્રતિકારકતા કાર્યક્રમમાં વધુ છ રસી ઉમેરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે તેના સંપૂર્ણ રસી પૂરવઠાનું ડિજિટાઇઝેશન કર્યું છે અને ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક તૈયાર કર્યું છે જેથી તેની કોલ્ડ ચેઇનની એકીકૃતતા પર દેખરેખ રાખી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, આ નાવીન્યતાઓના કારણે છેવાડાના લોકો સુધી યોગ્ય સમયે અને યોગ્ય જથ્થામાં સલામત અને શક્તિશાળી રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય છે.

પ્રધાનમંત્રી એમ પણ જણાવ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયામાં રસીના ઉત્પાદનમાં મોખરે છે અને ઘણી સદભાગ્યની વાત છે કે, સમગ્ર દુનિયામાં અંદાજે 60 ટકા બાળકોની પ્રતિકારકતામાં ભારતનું યોગદાન છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત ગાવીના કામની નોંધ લે છે અને તેની કદર કરે છે, આથી જ જ્યારે ગાવીને સહકાર આપવા માટે હજુ પણ પાત્રતા ધરાવે છે ત્યારે ગાવી માટે દાતા તરીકે આગળ આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગાવીને ભારતનો સહકાર માત્ર આર્થિક રીતે નથી પરંતુ ભારતની વિરાટ માંગના કારણે પણ દરેક વ્યક્તિ માટે દુનિયાભરમાં રસીની કિંમત ઓછી થઇ છે અને છેલ્લા પાંચ વર્ષમાં ગાવી માટે લગભગ 400 મિલિયન ડૉલરની બચત થઇ છે. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ગુણવત્તાપૂર્ણ દવાઓ અને રસીનું ઓછા ખર્ચે ઉત્પાદન કરવા માટે, ભારત પોતાની ઝડપથી વિસ્તરણ પામી રહેલી પ્રતિકારકતામાં પોતાના સ્થાનિક અનુભવ તેમજ નોંધનીય વૈજ્ઞાનિક સંશોધન કૌશલ્ય સાથે, પોતાની પરખાયેલી ક્ષમતાની મદદથી દુનિયાની પડખે એકજૂથ થઇને ઉભું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં માત્ર વૈશ્વિક આરોગ્યના પ્રયાસોમાં યોગદાન આપવાની ક્ષમતા છે એવું નથી પરંતુ, લોકોની સંભાળ લેવાની તેમજ સૌના સહિયારાની ભાવનાને સાર્થક કરવા માટેની ઇચ્છાશક્તિ પણ રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp