અમિત શાહે કહ્યું- કોંગ્રેસના રાજમાં પાકિસ્તાનથી રોજ આલિયા-માલિયા ઘૂસી આવતા

PC: twitter.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર ગુરુવારે થવાનું છે અને બીજા તબક્કાનું મતદાન આવતા અઠવાડિયે 5 ડિસેમ્બરે થવાનું છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરવાનો આવતી કાલે 29 નવેમ્બરે છેલ્લો દિવસ છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સભાઓમાં ગર્જના કરશે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આજે 4 જગ્યાઓએ સભાને સંબોધિત કરવાના છે તો ગૃહમંત્રી અમિત શાહ પણ આજે 4 જગ્યાઓએ - ખેરાલુ, સાવલી, ભિલોડા અને અમદાવાદના નારણપુરામાં સભાને સંબોધન કરશે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા પણ સૌરાષ્ટ્રમાં બે જગ્યાએ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં જાહેરસભાને સંબોધિત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે મહેસાણાના ખેરાલુમાં જનસભા સંબોધી હતી. દરમિયાન ભાજપના ઉમેદવાર સરદાર ચૌધરીએ અમિત શાહનું સ્વાગત પણ કર્યું હતું. જનસભાને સંબોધિત કરતા અમિત શાહે નર્મદા મુદ્દે વાત કરતા કહ્યું કે ભૂમિપૂજન 1963માં કરવામાં આવ્યું હતું એ પછી 2001 સુધી નર્મદાની યોજનાને ગૂંચવીને રાખી હતી. 2004માં મોદીના રાજમાં નર્મદાની ઊંચાઈ વધારવાની પરવાનગી મળી. કોંગ્રેસે નર્મદા યોજનાની ઊંચાઈ ન વધે માટે અનેક પ્રયાસ કર્યા, રાહુલ ગાંધી નર્મદા વિરોધી આંદોલન કરનાર મેધા પાટકરના ખભે હાથ મૂકીને ભારત જોડો યાત્રા કરે છે. જો ભાજપની સરકાર ન બની હોત તો ઉત્તર ગુજરાત આજે રણ હોત.

અમિત શાહે કહ્યું કે, રામ મંદિર માટે હજારો લોકોએ બલિદાન આપ્યું, પણ કોંગ્રેસીઓએ તેને અટકાવી રાખ્યું હતું. મોદી સરકારે રામ મંદિર બનાવવાનું કામ કર્યું. 1 જાન્યુઆરી 2024ના દિવસે ગગનચૂંબી રામમંદિર અયોધ્યામાં તૈયાર થઈ જશે. સાથે જ કાશી વિશ્વનાથ કોરિડોર પણ મોદી સરકારે બનાવ્યો.

2002ના રમખાણોને ઉલ્લેખ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં છાશવારે કોમી રમખાણ થતા અને કર્ફ્યું લાગતા, 2002માં જે રમખાણો થયા એ પછી નરેન્દ્રભાઈએ એવો પાઠ ભણાવ્યો કે અત્યાર સુધી કોઈએ માથું ઊંચું નથી કર્યું. તેમણે કહ્યું, તમારો એક મત ગુજરાત અને સમગ્ર દેશનો નિર્ણય કરશે. તમારો મત ધારાસભ્ય અને મુખ્યમંત્રી માટેનો જ નથી. તમારો એક મત ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે.

ગૃહમંત્રી શાહે કહ્યું, ગુજરાતની જનતાએ ભાજપ અને કોગ્રેસ બંન્નેનું રાજ જોયું છે. કોંગ્રેસના રાજમાં પાકિસ્તાનથી રોજ આલિયા-માલિયા ઘૂસી આવતા હતા, અને જવાનો શહીદ થતા હતા, પણ કેન્દ્રમાં રહેલી ભાજપ સરકારને કારણે પાકિસ્તાનને આંખે પાણી આવી ગયા હતા. તેમને તેમના ઘરમાં ઘૂસીને માર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp