દૂધસાગર ડેરીમાં ભેળસેળવાળા ઘી મામલે ચેરમેન અને MD સહિત 5 સામે ફરિયાદ દાખલ થઈ

PC: indiatimes.com

મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીમાં બનાવવામાં આવતા ઘીમાં ભેળસેળ થતી હોવા મામલે હવે મહેસાણાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. આ સમગ્ર મામલે ડેરીના સત્તાધીશો અને ડેરીનું વહીવટી તંત્ર આમને સામને આવી ગયું છે.

રિપોર્ટ અનુસાર 24 જૂલાઇના રોજ શુક્રવારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મહેસાણા બી ડિવિઝન પોલીસને સાથે રાખીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કરને જપ્ત કરવામાં આવ્યા હતા અને બંને ટેન્કરોમાં રહેલા ઘીના નમૂના લઇને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. દૂધ સાગર ડેરીના ટેન્કરમાંથી ભેળસેળવાળું ઘી પકડાયુ હોવા બાબતે હવે ફેડરેશન દ્વારા સમગ્ર મામલે ડેરીના સત્તાધીશોને નોટિસ પાઠવવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દૂધસાગર ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ હેડ અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર સહિત 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વાઇસ ચેરમેન અને MDની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હાલ રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે જે લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે. તે લોકોના વડનગર કોવિડ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કર્યા બાદ તેમની અટકાયત કરવામાં આવશે. દૂધસાગર ડેરીમાં ભેળસેળવાળા ઘી મામલે તટસ્થ તાપસ થાય તે માટે DySPની અધ્યક્ષતામાં 5 સભ્યોની ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

ભેળસેળવાળા ઘીના સમગ્ર પ્રકરણમાં રાજ્ય સહકારી રજીસ્ટ્રારે ડેરીના નિયામક મંડળને પત્ર લખીને MDને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવા આદેશ કર્યા છે. 24 જુલાઇના રોજ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે દૂધ સાગર ડેરીના ઘીના બે ટેન્કરો પકડવામાં આવ્યા હતા હાલ તે બંને ટેન્કરને પોલીસ હેડ ક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા 118 બેચમાં 16% પામે ઓઇલ ભેળવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ હતું અને વધુ 522 મેટ્રિક ટન ઘી ડેરીના ગોડાઉનમાં છે તેના પણ નમૂના લઇને તપાસ કરવામાં આવી રહી છે. જો આ ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવી હશે તો ડેરીમાં ઘીને પાછું મોકલી દેવામાં આવશે અને નુકસાનીનો ચાર્જ વસૂલવામાં આવશે. સમગ્ર મામલે ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નિશિત બક્ષીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp