ગુજરાતમાં બે દિવસમાં ચાર આગની ઘટના બની, ક્યાંક કાર તો ક્યાંક ટ્રક સળગ્યો

PC: news18.com

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો ચાર અલગ-અલગ જગ્યા ઉપર આગ લાગવાની ઘટના બની હતી. ચારમાંથી એક જગ્યા પર ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. એક ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગી હતી. બે વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ચાર ઘટનામાં વાહન માલિક અને દુકાન માલિકને 25 લાખથી પણ વધુ નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ચારેય ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી.

બનાસકાંઠામાં ગઈ કાલે પાલનપુરના આબુ રોડ હાઇ-વે પર ખાનગી હોટલમાં એક ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો. તે દરમિયાન કોઈ કારણોસર અચાનક આગ લાગવાની ઘટના બની હતી કે, ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો પરંતુ સદનશીબે આગ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

બીજી આગની ઘટના દિયોદર નજીક સર્વિસ સ્ટેશનમાં બની હતી. જેમાં સર્વિસ સ્ટેશન નજીક CNG કાર ઊભી હતી. તે દરમિયાન કારમાંથી ગેસ લીક થયો હતો અને ગેસ લીક થવાના કારણે એકાએક કારમાં આગ ભભૂકી ઊઠી હતી. કારમાં કોઈ વ્યક્તિ બેઠું ન હોવાના કારણે મોટી જાનહાની થવા પામી ન હતી પરંતુ આગ વિકરાળ હોવાના કારણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

ત્રીજી આગની ઘટના ધાનેરા નજીક બનવા પામી હતી. રાત્રીના સમયે કોઇ કારણોસર ધાનેરાના ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી અને ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતાં ડીસા અને થરાદ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં મામલતદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ભંગારના ગોડાઉનમાં છથી સાત લાખ રૂપિયાના માલનું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યુ હતું.

ચોથી આગની ઘટના ડીસા નજીક જુના શાકમાર્કેટમાં આવેલા ક્રિષ્ના નામની ઇલેક્ટ્રિકની દુકાનમાં આગની ઘટના બની હતી. ક્રિષ્ના રેડિયો નામની ઇલેક્ટ્રિકની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. જો કે, આ ઘટનામાં દુકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તેથી બે લાખથી વધુનું નુકશાન થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. બનાસકાંઠામાં બે દિવસમાં ચાર જગ્યા પર આગની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચાર ઘટનાઓમાં કુલ મળીને અંદાજિત 25 લાખનું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp