આઈસરે પોલીસકર્મી અને તેના પતિને અડફેટે લેતા સાત માસના ટ્વીન્સ બાળકો થયા અનાથ

PC: youtube.com

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જાય છે. હિંમતનગરના પીપલોદી નજીક આઈસર ચાલકે એક એક્ટિવાને અડફેટે લેતા પતિ અને પત્નીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ જીવલેણ અકસ્માતની ઘટનામાં માત્ર 7 મહિનાના ટ્વીન્સ બાળકોએ માતા-પિતા ગુમાવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર, હિંમતનગરના પ્રાંતિજમાં આવેલા વડવાસા ગામમાં રહેતા જીજ્ઞેશભાઇ પટેલ અમદાવાદ એરપોર્ટ પર પ્રાઈવેટ આઉટ સોર્સિંગ એજન્સીમાં નોકરી કરતા હતા અને તેમના પત્ની શીતલબેન પટેલ હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં MOB બ્રાંચમાં ફરજ બજાવતા હતા. બંને પતિ-પત્ની પૂનમના દિવસે કાંકણોલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.

દર્શન કર્યા પછી જીજ્ઞેશભાઇ પટેલ તેમની પત્નીને સોનાસણ ગામે તેના પિયર મુકવા માટે જતા હતા. ત્યારે સાંજના સાત વાગ્યાના સમયની આસપાસ હિંમતનગર GIDCથી સાબરડેરી જતા એક આઈસરે તેમની એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી અને ત્યારબાદ આઈસર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આઈસરની ટક્કરના કારણે જીગરભાઈને ગંભીર ઈજાઓ થવાન કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને શીતલબેનને પણ ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરિમયાન મોત નીપજ્યું હતું.

શીતલબેનનું મોત થતા તેમના સાત મહિનાના ટ્વીન્સ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. શીતલબેન અને જીજ્ઞેશભાઇના અંતિમસંસ્કાર પહેલા બી-ડીવીઝન PSI ગઢવી સહિત તેમના સ્ટાફે વડવાસા જઇ પ્રણાલીગત સલામી આપી હતી અને ત્યાબાદ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાત મહિના પહેલા શીતલબેને ટ્વીન્સને જન્મ આપ્યો હતો અને આ બંને બાળકો શીતલબેનના પિયર સોનાસણ ગામમાં રહેતા હતા.

અકસ્માતની ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરતા ઘટના સ્થળથી 200 મીટરના અંતરે એક આઈસર ટેમ્પો મળી આવ્યો હતો અને તેની હેડ લાઈટમાં એક કાપડના ટુકડાથી પોલીસને અકસ્માતના ગુનાનો ભેદ ઉકેવામાં સફળતા મળી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને આઈસરના ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp