ગામડામાં પરિસ્થિતિ વણસી, હોસ્પિટલ ફૂલ થતા દર્દી તંબુમાં સારવાર લેવા મજબૂર

PC: youtube.com

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાની બીજી લહેર લોકો માટે ખૂબ જ ઘાતક રૂપ સાબિત થઈ છે. રાજ્યમાં પોઝિટિવ કેસોની સાથે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જ્યારે શહેરોમાં કોરોનાનું સંકરણ વધ્યું હતું તે સમયે હોસ્પિટલની બહાર પણ લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે હવે આ જ પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં સામે આવી છે. હાલ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે અને દર્દીઓને સારવાર લેવા માટે આમ તેમ ભટકવુ પડી રહ્યું છે. તો કેટલાક ગામડાઓમાં તો હોસ્પિટલો ફુલ થતા દર્દીઓને છાપરા વગરના મકાનોમાં સારવાર આપવામાં આવી રહી છે. તો કેટલાક દર્દીઓને વૃક્ષ નીચે બેસાડીને બોટલો ચઢાવવામાં આવી રહી છે.

તો બીજી તરફ બનાસકાંઠામાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને બનાસકાંઠાની મોટાભાગની હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલમાં પણ દર્દીને સારવાર માટે વેઇટિંગમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં બનાસકાંઠાના કેટલાક ગામડાઓમાં લોકો તંબુ બાંધીને પણ સારવાર લઇ રહ્યા છે. ક્યાંક લોકો ઝાડ નીચે છાંયો શોધીને સારવાર લઇ રહ્યા છે, તો ક્યાંક લોકો ખુલ્લી જગ્યામાં બનાવીને તંબુની નીચે સારવાર લઇ રહ્યા છે. ડીસાના આસેડા અને જુના ડીસા સહિતના વિસ્તારોમાં દર્દીઓ વૃક્ષ નીચે ટેન્ટ બનાવીને સારવાર લઈ રહ્યા છે. જોકે આ ટેન્ટમાં ઓક્સિજનની બોટલો પણ દેખાઈ રહી છે.

એક તરફ રાજ્યની સરકાર એવા દાવાઓ કરી રહી છે કે, તમામ ગામડાઓમાં આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવશે પરંતુ જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર રિયાલિટી ચેક કરવામાં આવે છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે. ત્યારે હવે આ ગામડાના લોકોને કેટલા સમયમાં સરકાર દ્વારા સારી સુવિધા આપવામાં આવે તે જોવાનું રહ્યું.

ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહયો છે. ત્યારે સુરત શહેરમાં ઉદ્યોગપતિ અને કેટલાક સેવાભાવી સંસ્થાના યુવકોને ચાલો વતનની વ્હારે કેમ્પેન શરૂ કર્યું છે. જેમાં યુવાનો સેવાભાવી ડૉક્ટરોની ટિમ સાથે સૌરાષ્ટ્રના અલગ-અલગ ગામડામાં જઇને આઇસોલેસન સેન્ટર ઊભા કરી રહ્યા છે અને દર્દીઓની સારવાર કરી રહયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp