ચાઇનીઝ તુક્કલના કારણે પાંજરાપોળમાં રહેલો ઘાંસનો જથ્થો સળગ્યો

PC: youtube.com

ચાઈનીઝ તુક્કલના કારણે આગ લાગવાના બનાવોમાં વધારો થતા ગુજરાતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો છતાં પણ કેટલાક વેપારીઓએ બેફામ રીતે ગેરકાયદેસર ચાઇનીઝ તુક્કલનું વેચાણ કર્યું હતું. જો કે, પોલીસે કેટલાક પતંગ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ સાથે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છતાં પણ કેટલાક લોકોએ ઉત્તરાયણની રાત્રે ચાઇનીઝ તુક્કલ આકાશમાં ઉડાવ્યા હતા. આ ચાઇનીઝ તુક્કલના કારણે પાટણમાં આગ લાગવાની પણ ઘટના પ્રકાશમાં આવી હતી.

રિપોર્ટ અનુસાર પાટણના ચાણસ્મામાં આવેલા પાંજરાપોળમાં રાખવામાં આવેલા ઘાંસના ઢગલા પર ચાઈનીઝ તુક્કલ પડ્યું હતું તેથી ઘાંસમાં આગ લાગી ગઈ હતી. ઘાંસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ગામના લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને આગ પર પાણી છાંટીને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગામ લોકોએ ફાયર બ્રીગેડને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

ફાયર ફાયટરો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘાંસમાં ઢગલામાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા. ફાયરના જવાનોએ ભારે જાહેમદબાવ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં પાંજરાપોળમાં રહેલું તમામ ઘાંસ આગમાં બળી ગયું હતું. ભૂતકાળમાં પણ ચાઇનીઝ તુક્કલના કારણે આગ લાગવાની ઘટનાઓ બની હતી અને આ પ્રકારની ઘટનાઓને ધ્યાને લઇને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp