અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને કલેક્ટર પોતાની કારમાં હોસ્પિટલ લઈ ગયા

PC: dainikbhaskar.com

પંચમહાલમાં સરકારી અધિકારીઓની માનવતાના કારણે એક યુવકનો જીવ બચ્યો છે. પંચમહાલ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે સમયે રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેઓને એક વ્યક્તિ રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. તેથી જિલ્લા કલેક્ટરે અને વિકાસ અધિકારીએ ઈજાગ્રસ્ત થયેલા યુવકને તેઓની સરકારી ગાડીમાં સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જેથી યુવકને સમયસર સારવાર મળી રહેતા તેનો જીવ બચ્યો હતો. જિલ્લા કલેકટર અને વિકાસ અધિકારી માનવતાના કારણે એક યુવકનો જીવ બચતા લોકોએ તેઓની ખૂબ પ્રશંસા કરી હતી.

રિપોર્ટ અનુસાર કાલોલના બેઢીયા ગામમાં જીતેન્દ્ર ચૌહાણ નામનો યુવક તેના પરિવારની સાથે રહે છે. જીતેન્દ્ર તેની બાઈક લઈને કોઈ કામ અર્થે ખડકી ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જીતેન્દ્રની બાઈકનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં જીતેન્દ્રને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. અકસ્માત થતાં રસ્તા પર લોકો એકઠા થઇ ગયા હતા અને લોકોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવા માટે 108ને જાણ કરી હતી.

108 ઘટના સ્થળ પર આવે તે પહેલાં જ પંચમહાલ જિલ્લાના કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી એ.જે શાહ પોતાના સરકારી વાહનમાં ખડકી ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ રસ્તા પર એકઠી થયેલી ભીડ જોઈ હતી. તેથી તેઓએ પોતાની કાર ઊભી રખાવી નીચે ઉતરીને જોતા એક યુવક રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં પડયો હતો.

યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડેલો જોતાની સાથે જ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ યુવકને પોતાની ગાડીમાં બેસાડીને ગોધરા સિવિલમાં લઇ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જીતેન્દ્ર ચૌહાણને દાખલ કરાવી હોસ્પિટલના સિવિલ સર્જનને યુવકની સારવારમાં પૂરતી તકેદારી રાખવાની સુચના આપી હતી.

કલેક્ટર અમિત અરોરાની સૂચનાથી યુવકની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકના સમયસર હોસ્પિટલ પહોંચાડી અને યુવકનો જીવ બચાવનાર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની માનવતાની કામગીરીના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp