ગુજરાતનો આ યુવક નવરાત્રીના 9 દિવસ એક પગે ઊભો રહી, નકોરડા ઉપવાસ કરે છે

PC: news18.com

આખું વર્ષ ગુજરાતીઓ નવરાત્રીના તહેવારની રાહ જુએ છે. હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો પરંતુ કોરોનાની મહામારી વચ્ચે લોકો રાસ ગરબા કરીને તહેવારની ઉજવણી કરી શકતા નથી. સરકાર દ્વારા માત્ર લોકોને માતાજીની પૂજા કરવાની છૂટ આપવામાં આવી છે અને એ પણ 200 લોકોની મર્યાદામાં છે. ત્યારે આજે એક એવા માતાજીના ઉપાસકની વાત કરવી છે કે, જે રાસ ગરબા કરીને નહીં પરંતુ તપશ્ચર્યા કરીને નવરાત્રીના નવ દિવસ નકોરડા ઉપવાસ કરી માતાજીની આરાધના કરે છે. આ સાધક બનાસકાંઠાના પાલનપુરના દલવાડા ગામનો રહેવાસી છે અને તેનું નામ સુરેશ ચૌહાણ છે.

નવરાત્રી દર વર્ષે ડી.જે. સાઉન્ડ, રાસ ગરબાના આયોજનો પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. લોકો માતાજીની પૂજા-અર્ચના, ઉપવાસ કરીને નવરાત્રીની ઉજવણી કરવાનું ભૂલીને આનંદ ઉત્સાહથી ગરબા કરવા તેને નવરાત્રીની ઉજવણી માની રહ્યા છે પરંતુ દલવાડા ગામનો સુરેશ ચૌહાણ છેલ્લા 17 વર્ષથી નવરાત્રીના નવ દિવસ એક પગ પર ઊભા રહીને માતાજીની આરાધના કરે છે. સુરેશ ચૌહાણ નવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે અને એક પગ પર ઉભા રહી નવે-નવ દિવસ સાધના કરી વિશ્વશાંતિ અને વિશ્વ કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરે છે.

સુરેશ ચૌહાણ દોરડાના આધારે એક પગ પર ઊભા રહીને નવ દિવસ માતાજીની આરાધના કરે છે અને માત્ર ચા અને પાણી પીએ છે. તે નવે-નવ દિવસ બેસવાનો કે, સુવાનો વિચાર પણ કરતો નથી માત્ર હાથમાં માળા લઈને માતાજીના નામનો જાપ કરે છે. દર વર્ષે સુરેશ ચૌહાણ આ પ્રકારે માતાજીની તપશ્ચર્યા કરે છે. આ પ્રકારે માતાજીની કઠિન ભક્તિ કરતા તેના પગમાં સોજા આવી જાય છે અને પગ લાલચોળ થઈ જાય છે છતાં પણ તે પોતાની ભક્તિ પર અડગ રહીને નવરાત્રીના નવ દિવસ આ જ પ્રકારે એક પગ પર ઉભા રહી માતાજીના નામનું રટણ કરતો રહ્યો છે.

આ બાબતે સુરેશ ચૌહાણનું કહેવું છે કે, તે નવરાત્રી દરમિયાન નકોરડા ઉપવાસ કરી રહ્યો છે. આ પ્રકારે માતાજીની ભક્તિ કરવાનું કારણ મારા કુટુંબ, પરિવાર, ગામ અને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવાનું છે. વિશ્વ કલ્યાણ માટે માતાજીની આરાધના કરૂ છું અને એક પગે ઊભા રહેવાથી થતી પીડાને હું જ જાણું છું છતાં મને માતાજી પર ખૂબ જ વિશ્વાસ છે અને હું દર વર્ષે નવરાત્રીમાં આ રીતે મારી આરાધના શરુ રાખીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp