સમગ્ર દેશમાં સૌથી વધુ અંગદાન કરનાર પરિવાર ગુજરાતી છે, 251 સભ્યોએ કર્યું છે દાન

PC: oneindia.com

સુરતનું એક પરિવાર એવું છે જે પરિવારે દેશમાં સૌથી વધુ શરીર દાન કરીને રેકર્ડ નોંધાવ્યો છે. આ પરિવાર સુરતમાં અનેક સામાજિક અને ખાસ કરીને સમુહલગ્નો જેવા આયોજનો માટે જાણીતું છે.આ પરિવારે 10 વર્ષ પહેલાં પરિવારના 251 સભ્યોએ સંકલ્પ કર્યો હતો કે એમના પરિવારમાં કોઇનું  પણ અવસાન થાય તો મૃતદેહની અંતિમ વિધી કરવાને બદલે મેડિકલ કોલેજમાં દાન આપી દેવું. જેથી મેડિકલ સ્ટુડન્ટ શરીરનો અભ્યાસ કરી શકે,

તો સુરતનું આ પરિવાર છે સવાણી પરિવાર.સમુહ લગ્ન,નિરાધાર બાળકોને શિક્ષણ કે એવી અનેક સામાજીક કામો સાથે સંકળાયેલા છે. સવાણી પરિવાર રીઅલ એસ્ટેટ,શિક્ષણ અને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલો પરિવાર છે.સવાણી પરિવારે શરીર દાનનો સંકલ્પ લીધો પછી તો જાણે એ અભિયાનમાં ફેરવાય ગયો. છેલ્લાં 10 વર્ષમાં આ પરિવારમાં 40 સભ્યોના મોત થયા છે, તેમાંથી 36 મૃતદેહો જુદી જુદી મેડીકલ કોલેજને દાન કરવામાં આવ્યા છે.

મુળ પાલીતાણાના રામપર્દા ગામના રહેવાસી, પરંતુ વર્ષોથી સુરતને કર્મભૂમિ બનાવનાર સવાણી પરિવાર દેશમાં સૌથી વધુ શરીર દાન કરતો પરિવાર છે. અત્યાર સુધીમાં કોઇ એક પરિવાર દ્રારા આટલા બધા શરીર દાન કરાયા હોવાનું જાણવા મળ્યું નથી.ગુજરાત રાજયના 6 જિલ્લા, 17 તાલુકા અને 109 ગામોમાં સવાણી પરિવાર પથરાયેલો છે.

સવાણી પરિવારના સભ્ય ધનજી સવાણીએ કહ્યું હતું કે, મેડિકલ સ્ટુડન્ટસને સંશોધન માટે મૃતદેહની અછત રહેતી હોય છે એ બાબતની જાણ થતા અમારા પરિવારે શરીર દાનનો સંકલ્પ કર્યો હતો. અત્યાર સુધીમાં 40 સભ્યોના મોત થયા છે, તેમાંથી 36 શબ દાન કરાયા છે. 4 શબ અનફીટ હોવાને કારણે દાન કરી શકાય તેવી સ્થિતિમાં નહોતા.

સવાણી પરિવારના મોભી વલ્લભ સવાણી જેમને સુરતના લોકો વલ્લભ ટોપીના નામે પણ જાણે છે , તેમણે 2010માં શરીર દાનનો સંકલ્પ કર્યો હતો જે સંકલ્પ આજે અભિયાનમાં ફેરવાઇ ગયું છે.જેને કારણે આજે મેડિકલ સ્ટુડન્ટસને અભ્યાસ માટે મૃતદેહોની અછત નથી પડતી.દર વર્ષે શરીર રચનાના અભ્યાસ માટે 30થી 35 મૃતદેહોની જરૂર પડતી હોય છે.

એક કોલેજના એનોટોમી વિભાગના પ્રમુખે કહ્યું હતું કે 12 મેડિકલ વિદ્યાર્થી વચ્ચે એક મૃતદેહની અભ્યાસ માટે જરૂર પડતી હોય છે. દર વર્ષે અમારી કોલેજને 15થી 16 મૃતદેહોની જરૂર પડતી હોય છે.હવે જાગૃતતા વધવાને કારણે શબ મળી રહે છે, ખાસ કરીને સુરતનું યોગદાન મોટું છે.

સવાણી પરિવારમાં સુરતમાં જેમનું નામ સૌથી જાણીતું છે એવા મહેશ સવાણીએ કહ્યું હતું કે, બે મહિના પહેલાં 70 વર્ષના મા અવલિબાનું અવસાન થયું હતું. તેમણે પણ શરીર દાનની ઇચ્છા વ્યકત કરી હતી. પરંતુ કોરોનાને કારણે અમે તેમનું શરીર દાન કરી શકયા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp