26th January selfie contest

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો પુરો સંદેશ

PC: pib.nic.in

રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં લાગેલા મારા પ્રિય દેશવાસીઓ,

સ્વતંત્રતાના ૭૦ વર્ષ પૂરા થવાના અવસર પર આપ સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવતીકાલે દેશ સ્વતંત્રતાની ૭૧મી વર્ષગાંઠ મનાવવા જઈ રહ્યો છે. આ વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર હું આપ સહુને હાર્દિક અભિનંદન આપું છું.   

૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણો દેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યો હતો. સાર્વભૌમત્વ પ્રાપ્ત કરવાની સાથોસાથ તે જ દિવસે દેશની નિયતિ નિર્ધારિત કરવા માટેની જવાબદારી પણ બ્રિટિશ સરકારના હાથોમાંથી આપણી- ભારતવાસીઓ પાસે આવી ગઈ હતી. કેટલાક લોકોએ આ પ્રક્રિયાને ‘સત્તાનું હસ્તાંતરણ’ પણ કહ્યું હતું.    

પરંતુ હકીકતમાં એ કેવળ સત્તાનું હસ્તાંતરણ નહોતું. તે એક બહુ મોટા અને વ્યાપક પરિવર્તનની ઘડી હતી. તે આપણા સમગ્ર દેશના સપનાઓ સાકાર થવાની પળ હતી – એવા સપના જે આપણા પૂર્વજો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ જોયા હતા. હવે આપણે એક નવા રાષ્ટ્રની કલ્પના કરવા અને તેને સાકાર કરવા સ્વતંત્ર હતા.

  •       આપણા માટે એ સમજવું બહુ જરૂરી છે કે સ્વતંત્ર ભારતનું તેમનું સપનું, આપણા ગામડા, ગરીબ અને દેશના સમગ્ર વિકાસનું સપનું હતું. 
  •       સ્વતંત્રતા માટે આપણે એ બધા અગણિત સ્વતંત્રતા સેનાનીઓના ઋણી છીએ જેમણે તેના માટે બલિદાનો આપ્યા હતા.
  •       કિત્તૂરની રાણી ચેન્નમા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ભારત છોડો આંદોલનની શહીદ માતંગિની હાઝરા જેવી વીરાંગનાઓના અનેક ઉદાહરણ છે.

      માતંગિની હાઝરા લગભગ ૭૦ વર્ષના વૃદ્ધા હતા. બંગાળના તામલુકમાં એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરતી વખતે બ્રિટીશ પોલીસે તેમને ગોળી મારી દીધી હતી. ‘વંદે માતરમ્’ તેમના હોઠોમાંથી નીકળેલા છેલ્લા શબ્દો હતા અને ભારતની સ્વતંત્રતા, તેમના હૃદયમાં વસેલી અંતિમ ઈચ્છા.

દેશ માટે પ્રાણની આહૂતિ આપનારા સરદાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં તથા બિરસા મુંડા જેવા હજારો સ્વતંત્રતા સેનાનીઓને આપણે ક્યારેય ભૂલી ન શકીએ.

સ્વતંત્રતાની લડાઈની શરૂઆતથી જ આપણે સૌભાગ્યશાળી રહ્યા કે દેશને માર્ગ દેખાડનારા અનેક મહાપુરુષો અને ક્રાંતિકારીઓના આપણને આશીર્વાદ મળ્યા.

મહાત્મા ગાંધીએ સમાજ અને રાષ્ટ્રના ચરિત્ર નિર્માણ પર ભાર આપ્યો હતો. ગાંધીજીએ જે સિદ્ધાંતોને અપનાવવાની વાત કરી હતી, તે આપણા માટે આજે પણ પ્રાસંગિક છે.  

રાષ્ટ્રવ્યાપી સુધાર અને સંઘર્ષના આ અભિયાનમાં ગાંધીજી એકલા નહોતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે જ્યારે ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’નું આહ્વાન કર્યું તો હજારો-લાખો ભારતવાસીઓએ તેમના નેતૃત્વમાં સ્વતંત્રતાની લડાઈ લડતા-લડતા પોતાનું બધું જ ન્યોચ્છાવર કરી દીધું.

નહેરુજીએ આપણને શિખવાડ્યું કે ભારતનો સદીઓ જૂનો વારસો અને તેની પરંપરાઓ, જેના પર આજે પણ આપણને ગર્વ છે, તેમનો ટૅક્નૉલૉજી સાથે તાલમેલ શક્ય છે અને તે પરંપરાઓ આધુનિક સમાજના નિર્માણના પ્રયાસોમાં સહાયક બની શકે છે.     

સરદાર પટેલે આપણને રાષ્ટ્રીય એકતા અને અખંડતાના મહત્વ પ્રત્યે જાગ્રત કર્યા, સાથે જ તેમણે એ પણ સમજાવ્યું કે અનુશાસનયુક્ત રાષ્ટ્રીય ચરિત્ર શું હોય છે. 

બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે બંધારણની મર્યાદામાં રહીને કામ કરવાનું તથા ‘કાયદાના શાસન’ની અનિવાર્યતાના વિષયમાં સમજાવ્યું. સાથે જ તેમણે શિક્ષણના પાયારૂપ મહત્વ પર પણ ભાર આપ્યો.

મારા પ્રિય દેશવાસીઓ,

મારા બાળપણમાં મેં જોયેલી ગામડાઓની એક પરંપરા આજે પણ મને યાદ છે. જ્યારે કોઈ પરિવારમાં દીકરીના લગ્ન થતા હતા તો ગામડાનો દરેક પરિવાર પોતપોતાની જવાબદારી વહેંચી લેતો હતો અને લગ્નના આયોજનમાં સહયોગ કરતો હતો. જાતિ કે સમુદાય કોઈ પણ હોય, તે દીકરી તે સમયે એક પરિવારની જ દીકરી નહીં, પરંતુ સમગ્ર ગામની દીકરી ગણાતી હતી. પરંતુ આજે મોટા શહેરોમાં સ્થિતિ બિલકુલ અલગ છે. ઘણા લોકોને વર્ષો સુધી એ પણ ખબર નથી હોતી કે તેમની પડોશમાં કોણ રહે છે. આથી ગામડું હોય કે શહેર, આજે સમાજમાં એ જ પોતીકાપણા અને ભાગીદારીની ભાવનાને પુન: જગાવવાની આવશ્યકતા છે. તેનાથી આપણને એકબીજાની ભાવનાઓને સમજવા અને તેમનું સન્માન કરવામાં તથા એક સંતુલિત, સંવેદનશીલ અને સુખી સમાજનું નિર્માણ કરવામાં મદદ મળશે.

સરકારે ‘સ્વચ્છ ભારત’  ‘ખુલ્લામાં શૌચથી મુક્ત’ કરાવવો- એ આપણામાંના દરેકની જવાબદારી છે.  ‘બેટી બચાવો, બેટી ભણાવો’ અભિયાનને તાકાત આપી રહી છે પરંતુ આપણી દીકરીઓ સાથે ભેદભાવ ન થાય અને તેઓ વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવું – એ આપણામાંના દરેકની જવાબદારી છે.

પ્રિય દેશવાસીઓ,

ઇ.સ. ૨૦૨૨માં આપણો દેશ તેની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા કરશે. ત્યાં સુધીમાં ‘ન્યૂ ઇન્ડિયા’ માટે કેટલાંક મહત્વપૂર્ણ લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો આપણો ‘રાષ્ટ્રીય સંકલ્પ’ છે.

જ્યારે આપણે ‘ન્યૂ ઇન્ડિયા’ની વાત કરીએ છીએ તો આપણા બધા માટે તેનો અર્થ શું થાય છે? કેટલાક તો ખૂબ જ સ્પષ્ટ માપદંડ છે જેમ કે – દરેક પરિવાર માટે ઘર, માગ મુજબ વીજળી, વધુ સારા રસ્તાઓ અને સંદેશાવ્યવહારના માધ્યમો, આધુનિક રેલવે નેટવર્ક, ઝડપી અને સતત વિકાસ.

'ન્યૂ ઇન્ડિયા’થી એ અભિપ્રેત છે કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળ જઈએ. ત્યારે જ આપણે આવા ‘ન્યૂ ઇન્ડિયા’નું નિર્માણ કરી શકીશું જેના પર આપણે બધા ગર્વ કરી શકીએ. એવું ‘ન્યૂ ઇન્ડિયા’ જ્યાં પ્રત્યેક ભારતીય પોતાની ક્ષમતાઓનો પૂરી રીતે વિકાસ અને ઉપયોગ કરવામાં એ રીતે સક્ષમ થાય કે જેથી દરેક ભારતવાસી સુખી થાય. એક એવું ‘ન્યૂ ઇન્ડિયા’ બને જ્યાં દરેક વ્યક્તિની પૂરી ક્ષમતા બહાર આવી શકે અને તે સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનું યોગદાન આપી શકે.

નોટબંધીના સમયે જે રીતે આપે અસીમ ધૈર્યનો પરિચય આપતા કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીનું સમર્થન કર્યું તે એક જવાબદાર અને સંવેદનશીલ સમાજનું જ પ્રતિબિંબ છે. નોટબંધીપછીથી દેશમાં પ્રમાણિકતાની પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું છે. પ્રમાણિકતાની આ ભાવના દિવસે ને દિવસે વધુ મજબૂત બને તે માટે આપણે સતત પ્રયાસ કરતો રહેવો પડશે.   

મારા પ્રિય દેશવાસીઓ, 

આધુનિક ટૅક્નૉલૉજીનો વધુમાં વધુ ઉપયોગ કરવાની આવશ્યકતા છે. આપણે આપણા દેશવાસીઓને સશક્ત બનાવવા માટે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવો જ પડશે, જેથી એક જ પેઢી દરમિયાન ગરીબીનું નિર્મૂલન કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. ‘ન્યૂ ઇન્ડિયા’માં ગરીબી માટે કોઈ અવકાશ નથી.

પ્રધાનમંત્રીની એક અપીલ પર, એક કરોડથી વધુ પરિવારોએ પોતાની ઈચ્છાથી એલ. પી. જી. પર મળનારી સબસિડી ત્યાગી દીધી. આ પરિવારોએ આવું એટલા માટે કર્યું કે જેથી એક ગરીબ પરિવારને રસોઈ માટે ગેસ સિલિન્ડર મળી શકે અને તે પરિવારની દીકરી-વહુ ચૂલાના ધૂમાડાથી થતી આંખ અને ફેફસાંની બીમારીઓથી બચી શકે.  

અઢી હજાર વર્ષ પહેલાં, ગૌતમ બુદ્ધે કહ્યું હતું, ‘અપ્પ દીપો ભવ... અર્થાત્ પોતાના દીપક સ્વયં બનો... ’ જો આપણે તેમના ઉપદેશને અપનાવીને આગળ વધીશું તો આપણે બધા મળીને સ્વતંત્રતાની લડાઈ દરમિયાન ઉમટેલા જુસ્સા અને ઉમંગની ભાવના સાથે સવા સો કરોડ દીપક બની શકીએ; આવા દીપક જ્યારે એક સાથ પ્રગટશે તો સૂર્યપ્રકાશ સમાન તે અજવાળું સુસંસ્કૃત અને વિકસિત ભારતના માર્ગને દેદીપ્યમાન કરશે.  

હું ફરી એક વાર આપ સહુને દેશની સ્વતંત્રતાની એકોતેરમી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.        

જય હિંદ

વંદે માતરમ્

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp