અલ્પેશ ઠાકોર કેમ રૂપાણી સરકારનો જ વિરોધ કરી રહ્યો છે

PC: khabarchhe.com

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ફરી એકવાર સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. અલ્પેશ ઠાકોર LRDની ભરતી મામલે SC/ST અને OBC સમાજની આંદોલન કરી રહેલી મહિલાઓના સમર્થનમાં આવ્યો છે અને તેને લઇને અલ્પેશ ઠાકોરે સરકારને પત્ર લખ્યો છે.

અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ઠરાવને અન્યાયકારી ગણાવ્યો છે અને પછાત વર્ગને ઝડપથી ન્યાય આપવાની માગ પત્રમાં કરી છે. અલ્પેશ ઠાકોર પહેલા ભાજપના નેતા જુગલજી ઠાકોર, કુંવરજી બાવળિયા અને સાંસદ પૂનમ માડમ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને LRDમા ભરતી મામલે મહિલાઓને ન્યાય આપવાની માંગણી કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, LRDની ભરતીમાં અનુસુચિત જાતિની કેટેગરીમાંથી રબારી, ચારણ અને ભરવાડ સમાજને બહાર કરવામાં આવતા સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. અનુસુચિત જાતિની કેટેગરીમાં રબારી, ચારણ અને ભરવાડ સમાજને સ્થાન આપવાની માગ સાથે ત્રણેય સમાજના લોકો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ગીર બરડા અને આલોચ વિસ્તારમાં વસતા માલધારી, રબારી અને ચારણ સમાજના 125 જેટલા ઉમેદવારોને અનુસુચિત જાતિમાં સ્થાન નહીં આપીને ભરતી કરવામાં આવ્યા નથી. તેમની પાસે રહેલા અનુસુચિત જાતિની પ્રમાણપત્રને પણ માન્ય નથી રાખવામાં આવ્યા. વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય સામે લડવા માટે માલધારી સમાજના લોકોએ સરકારની સામે ન્યાય માટે બાયો ચડાવી છે.

LRDની ભરતીમાં વિસંગતતાને લઇને SC/ST અને OBC સમાજની 40 જેટલી મહિલાઓ પણ ગાંધીનગર પણ પહોંચી હતી અને ત્યાં તેમને ન્યાયની માંગણી સાથે આંદોલન પણ કર્યું હતું. ગાંધીનગરમાં મહિલાઓના ઉપવાસને લઇને ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ CMને પત્ર લખીને મહિલાઓને ન્યાય આપવાની માંગણી કરી છે. ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરે મહિલાઓની મુલાકાત કરીને તેમને સમર્થન આપ્યું હતું અને હવે અલ્પેશ ઠાકોરે પણ CMને પત્ર લખ્યો છે. અલ્પેશ ઠાકોરે અગાઉ પણ સરકારના નિર્ણયની સામે નારાજગી દર્શાવી હતી. સરકાર દ્વારા ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયને લઇને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, તે ચેકપોસ્ટ બંધ ન થાય તે માટે CMને રજૂઆત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp