કોંગ્રેસ પક્ષે અગાઉ ઘણી સરકારો તોડી છે, C.M વિજય રૂપાણીનું આહવા ખાતે નિવેદન

PC: Khabarchhe.com

આગામી દિવસોમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે જેને લઈ ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આહવા ખાતેનાં બોરખેત ગામે ડાંગ ભાજપ પક્ષ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરાં પ્રહારો કરી ભાજપ સરકારને પ્રજાલક્ષી સરકાર ગણાવી હતી.



ડાંગ જિલ્લા ભાજપ પક્ષ દ્વારા બોરખેત ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડાંગનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 3 નવેમ્બરનાં રોજ પેટા ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીનાં પ્રચાર પ્રસાર સંદર્ભે મુખ્યમંત્રીએ બોરખેતની વિરાટ સભામાં કોંગ્રેસને આડે હાથ લીધાં હતાં. રાજ્યસભાની ચૂંટણી ટાણે મંગળભાઈ રાજીનામું આપ્યું હતું. જેને લઈ હવે આ બેઠક ઉપર 3 નવેમ્બરનાં રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. મંગળભાઈ હાલ ભાજપ પક્ષમાં જોડાઈ ગયાં છે. ત્યારે મંગળભાઈની તરફેણ કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તેઓએ પ્રજાનાં વિકાસ અર્થે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. હાલ લોકસભામાં ભાજપની બહુમતી છે પણ રાજ્યસભામાં ભાજપની બહુમતી વધારવા માટે મંગળભાઈએ રાજીનામું આપ્યું હતું.

જાહેરસભામાં લોકોને સંબોધન કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા પરિવર્તન લાવી રહ્યા છે. તેમની સરકારે રામ મંદિરનું નિર્માણ કર્યું, 3 તલાક કાયદો બનાવ્યો, 370 કલમ હટાવી, ગુજરાતમાં 8 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં પાર્ટીમાં વિકાસ માટે આવ્યા છે. કોંગ્રેસનાં પક્ષ પલટા વિધાનને જવાબ આપતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ પહેલાં અનેક સરકારો તોડી છે. તેઓ પક્ષ પલટા કરે છે. 8 ધારાસભ્યોએ માત્રને માત્ર કોંગ્રેસની આંતરિક જૂથ બંધીથી રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસનાં શાસનમાં ગરીબી બેકારી વધી છે. જ્યારે ભાજપ પક્ષ લોકોને વિકાસ તરફ લઈ જાય છે. કોંગ્રેસ પાર્ટી ઉપર આકરાં પ્રહારો કરતાં રૂપાણીએ 8 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp