રાજ્યસભાની ચૂંટણીને લઇને જાણો કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ શું કહ્યું

PC: youtube.com

ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠક પર ચૂંટણી યોજાશે. આ ચાર બેઠકની ચૂંટણીને લઇને આગામી 6 માર્ચે નોટિફીકેશન બહાર પડાશે. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 13 માર્ચ છે. રાજ્યની ચાર સહિત 55 બેઠકો માટે 26 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યમાં શંભુપ્રસાદ ટુંડિયા, ચુનીભાઈ ગોહિલ, લાલસિંહ વડોદરિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીની ટર્મ પૂર્ણ થઇ છે, આથી ફરીવાર ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 2 બેઠકો ખાલી છે. 182 બેઠકમાંથી 103 બેઠક ભાજપ પાસે, 73 બેઠક કોંગ્રેસની પાસે અને 4 બેઠક BTP, NCP અને અપક્ષની પાસે છે.

રાજ્યસભાની ચૂંટણીને લઇને ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષ પલટો કરવાનો કે, ક્રોસ વોટીંગ કરવાનો સવાલ ઊભો થતો નથી. ભારતીય જનતા પાર્ટીની ત્રણ બેઠક છે તેમાંથી એક બેઠક આ વખતે કોંગ્રેસ છીનવી લેવાની છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સંખ્યાબળની દૃષ્ટિએ જોવામાં આવે તો કોંગ્રેસ પાર્ટીના 73 ધારાસભ્યો છે. 2 BTP, 1 NCP અને 1 અપક્ષના ધારાસભ્ય છે. આ ધારાસભ્યો આ વખતે કોંગ્રેસ પાર્ટીની સાથે રહેવાના છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં ગુજરાતની 4, મહારાષ્ટ્રની 7, તમિલનાડુની 6, પશ્ચિમ બંગાળની 5 અને બિહારની 5 બેઠક ખાલી થઇ રહી છે. આ તમામ મળીને 17 રાજ્યોની કુલ રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. રાજ્યસભામાં NDAની બહુમતી માટે આ ચૂંટણી ઘણી મહત્ત્વની સાબિત થશે. રાજ્યસભામાં બહુમતિ માટે 123 બેઠકો જરૂરી છે. જેમાં NDA પાસે 115, UPA પાસે 63 અને અન્ય પક્ષોની પાસે 62 બેઠકો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ કોંગ્રેસ પાસે હોવાના કારણે NDAને ફટકો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp