ગોપાલ ઈટાલિયાએ સી.આર.પાટીલને આ જગ્યાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

PC: Youtube.com

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે. તેવામાં ભાજપ એ અલગ-અલગ જગ્યા ઉપર મોટીમોટી સભાનું આયોજન પણ શરૂ કર્યું છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા એક સભા દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મહોલ્લા ક્લિનિક પર પ્રહારો કરવામાં આવ્યા હતા.

સી.આર. પાટીલે આમ આદમી પાર્ટી પર કરેલા પ્રહાર બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમને વળતો પ્રહાર કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને દીલ્હીના મહોલ્લા ક્લિનિકની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાના કારણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે.

એટલે સ્વભાવિક છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે ત્યારથી તેઓ ગુજરાતના લોકોના અધિકારો અને હક્કની વાતો કરી રહ્યા છે અને આના જ કારણે સી.આર. પાટીલની ઊંઘ હરામ થઇ ગઇ છે.  ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતા પણ ભાજપ દ્વારા આજે કામની વાત કરવાના બદલે તેમના ભાષણમાં દિલ્હી સરકારની ટીકાઓ કરવામાં આવે છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે, સી. આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે.

તેમને દિલ્હીના કોઈ કામની ટીકા કરવાની જરૂરિયાત નથી. ગુજરાતમાં ભાજપ સરકારે શું કામ કર્યું છે તે જણાવવું જોઈએ, પરંતુ આજે મારે દુઃખ સાથે કહેવું છે કે, સી.આર. પાટીલ જ્યાં પણ ઊભા હોય છે ત્યાં દિલ્હી સરકારની ટીકા કરે છે.  તેઓ કહે છે કે દિલ્હીની મહોલ્લા ક્લિનિક ખરાબ છે અને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા ખરાબ છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં છે.

ત્યાં વિપક્ષ ખતમ થઈ ગયું? શું ત્યાં વિરોધ પક્ષને બોલવામાં મુશ્કેલી છે? ત્યાં વિરોધ પક્ષ વિરોધ પક્ષનું કામ કરે છે, પણ અહીંયા બેસીને દિલ્હીની ટીકા કરી રહ્યા છે કે, આપનું મહોલ્લા ક્લિનિકની ખરાબ છે.  મેં ભાજપના તમામ નેતાઓને દિલ્હીના મહોલ્લા ક્લિનિકની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. તો તે આમંત્રણ તમે કેમ ઠુકરાવી દીધું અને આજે પણ તમે માનો છો કે, આમ આદમી પાર્ટીની મહોલ્લા ક્લિનિક ખરાબ છે. તો આજે હું તમને આમંત્રણ આપું છું કે, તમે આમ આદમી પાર્ટીના મહોલ્લા ક્લિનિકની મુલાકાત કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp