લલિત વસોયાનો મેરજા પર આક્ષેપ પાર્ટીનું કંઈ ન હતું તમે પૈસાથી વેચાઈ ગયા

PC: Youtube.com

રાજ્ય સભાની ચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસમાં ધારાસભ્યોનાં રાજીનામાં પાડવાનો દોર શરૂ થઇ ગયો છે. 24 કલાકના સમયમાં જ ત્રણ જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી પાર્ટીમાં અસંતોષ હોવાનું જણાવ્યું હતું ત્યારે ધારાસભ્ય લલિત વસોયાએ બ્રિજેશ મેરજા પર પૈસા લઈને વેચાયા હોવાનો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને નુકસાન થવાનું હતું એ નુકસાન થઈ ગયું છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ભારતમાં છે અને ખૂબ સારી રીતે લોકશાહી ચાલતી હતી. લોકો વડે, લોકો માટે અને લોકોથી ચાલતી પ્રક્રિયાને લોકશાહી કહેવાય છે. અત્યારે લોકોના મતની કિંમતો રહી નથી. આજે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે એટલે કોંગ્રેસમાંથી ધારાસભ્ય ભાજપમાં જાય એટલે બધા સહમત. દરેક જગ્યા પર આવું થતું હોય છે પરંતુ આ લોકશાહીને બચાવવા માટે અને ખરીદપરત રોકવા માટે બધાએ એકજૂથ થઈને લડવું પડશે, નહીં તો આ દેશની લોકશાહી બચવાની નથી.

બ્રિજેશ મેરજા ગયા છે અને અત્યારે પાર્ટીનો કોઈ વાંક કાઢી જે ધારાસભ્ય ગયા છે, તેઓને મારે કહેવું છે કે, પાર્ટી તમારી મા છે અને પાર્ટીએ તમારું રાજકારણ પેદા કર્યું છે. તમને ટિકિટ આપી ત્યારે તમે ધારાસભ્ય થયા છો, તમને તમારા મત વિસ્તારના લોકોએ મત આપ્યા છે ત્યારે તમે ધારાસભ્ય થયા છો, તમે તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે વેચાઈ અને પાર્ટી છોડો અને પાછા એમ કહો કે પાર્ટી સાથે અસંતોષ હતો. તો હું કહેવા માગું છું કે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે જ પાર્ટી સાથે અસંતોષ હતો અત્યાર સુધી કેમ કંઈ ન બોલ્યા. સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યો કરતાં સૌથી વધારે મહત્વ પાર્ટીએ બ્રિજેશ મેરજાને આપ્યું છે. હમણાં ગુજરાત માધ્યમિક બોર્ડમાં પણ બ્રિજેશ મેરજાને લીધા, પ્રદેશના સંગઠનમાં બ્રિજેશ મેરજા સ્થાન આપ્યું, મારા જિલ્લાના પ્રભારી બ્રિજેશ મેરજા છે, પાર્ટી આટલુ બધુ આપ્યા પછી પણ જે પાર્ટી સાથે ગદ્દારી કરતા હોય અને અત્યારે એમ કહે કે, પાર્ટીનું આમ હતું. પાર્ટીનું કઈ ન હતું તમે પૈસાથી વેચાઈને ગયા છો. આ ગુજરાતની પ્રજા જાણે છે, ગુજરાતની મીડિયા જાણે છે અને તમામ લોકો જાણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp