ખંભાતમાં અશાંતધારાનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા

PC: youtube.com

25 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે પણ ખંભાતમાં તણાવભર્યા માહોલનું નિર્માણ થયું છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો અને દુકાનમાં આગચંપી કરતા પરિસ્થિતિ વણસી હતી. જૂથ અથડામણના વિરોધના ખંભાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના સમર્થનમાં સ્કૂલ, કોલેજો અને દુકાનો બંધ રહી હતી. તો બીજી તરફ બપોરના સમયે ખંભાતના ટાવર ચોકમાં લોકોના ટોળા એકઠાં થયા હતા. વિવિધ સંગઠનોના સંબોધન બાદ લોકોએ રેલી પણ યોજી હતી અને રેલીમાં જોડાયેલા કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આગચાંપી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

વણસી રહેલી પરીસ્થિતિને પહોંચી વળવા માટે RAFની બે કંપની અને SRPની પાંચ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે અને આ સાથે આણંદ, ખેડા સહિત અમદાવાદ ગ્રામ્ય પોલીસનો કાફલો પણ બંદોબસ્તમાં ખડકી દેવામાં આવ્યો છે. હિંસા મામલે તોફાનીઓ સામે ચાર જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને 47 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખંભાતમાં હિંસા મુદ્દે DGP શિવાનંદ ઝાએ સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે. લો-એન્ડ ઓર્ડરના એડિશનલ DG નીર્જા ગોતરૂ અને આર્મસ યુનિટના IG પીયુષ પટેલ પણ ખંભાત પહોંચ્યા છે.

હિંસાની ઘટના બાબતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના DGP શિવાનંદ ઝાને તાત્કાલિક ખંભાત પહોંચવા માટેની સુચના આપવામાં આવી છે.

આણંદના SP રજા પર છે એટલે અમદાવાદ ટ્રાફિકમાં કામ કરતા DCP અજીત રાજ્યાણની SP તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ત્યાંના સાંસદ મિતેશ પટેલ અને ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ અમારા સંપર્કમાં છે. બંનેએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ધારાસભ્ય મયુર રાવલ મુખ્યમંત્રીને મળવા માટે આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે વાત કરી હતી.

ખંભાતમાં અવાર-નવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાથી રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, ખંભાતની અંદર અશાંતધારાનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આણંદની ઘટનામાં ચાર જુદા-જુદા ગુના નોંધાયેલા છે અને આ ચાર ગુનામાં 47 તોફાની તત્ત્વોની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp