સુરેન્દ્રનગરમાં તંત્ર મોતના આંકડા છૂપાવી રહ્યું છે, કોંગ્રેસના MLAએ આપ્યો પૂરાવો

PC: ypoutube.com

રાજ્યમાં કોરોના એ કહેર વર્તાવ્યો છે. કોરોનાની બીજી લહેર ઘણા લોકો માટે ઘાતક સાબિત થઇ રહી છે. પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલમાં સારવાર લેવા માટે દર્દીઓને તો રાહ જોવી પડે છે પરંતુ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે પણ લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ત્યારે મોતના આંકડાને લઈને કોંગ્રેસના ધારાસભ્યએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે, સરકાર મોતના આંકડા છુપાવી રહી છે કારણ કે, જિલ્લામાં સરકારી ચોપડે માત્ર 125 લોકોના મોત થયા છે પરંતુ વાસ્તવમાં 3 હજાર લોકોના મોત સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કારણે થઈ ચૂક્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, સરકાર સાચા મોતના આંકડા છુપાવવાનું પાપ કરી રહી છે. પાટડીમાં હાલ કોરોના સંક્રમિત 58 દર્દી સારવાર લઈ રહ્યા છે. છતાં પણ ત્યાં કોઈ ફિઝિશિયન ડોક્ટર નથી અને હોસ્પિટલમાં પણ પૂરતો સ્ટાફ નથી આરોગ્ય સેવાની અભાવના કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખુલાસો કર્યો હતો કે, જિલ્લામાં દર મહિને અંદાજે 200 લોકોના મોત થઇ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને 2020 અને 21 મોતના આંકડા ખૂબ જ બિહામણા છે. કારણ કે છેલ્લા 5 દિવસની અંદર જ 3500 કરતા વધુ લોકોના મોત થયા છે.

કોંગ્રેસના ધારાસભ્યના આક્ષેપોને જિલ્લા કલેક્ટરે નકાર્યા છે. જિલ્લા કલેકટર કે. રાજેશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને જનસેવા કેન્દ્ર પણ બંધ રાખવામાં આવ્યા છે. જેને લઇને અત્યારે મરણના દાખલાની સંખ્યા વધી છે. એપ્રિલ મહિનામાં કોરોનાના 3500 જેટલા કેસ હતા. તો આટલા બધા મોત કેવી રીતે થઈ શકે?

તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ચંદ્રમણી કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારની ગાઈડલાઈન અનુસાર આ કેસના ડિસ્ચાર્જ અને મોતની માહિતીના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ વિગત છૂપાવવામાં આવતી નથી. ધારાસભ્યએ જે આંકડા જાહેર કર્યા છે તે અમે આપ્યા નથી. કદાચ તેમણે ગામડાઓમાંથી લીધા હોઈ શકે છે. મારા ધારાસભ્યના આક્ષેપ બાબતે કંઈ કહેવું નથી.

ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં સાત મે સુધી મોતનો આંકડો જોઈએ તો ગત વર્ષ કરતાં 3570નો તફાવત આવે છે જનરલ એવરેજ કરતા મોતનો પહેલો આંકડો ખૂબ જ ચિંતાજનક છે. ઘણા મૃતકના પરિવારજનોની તો મૃત્યુની નોંધણી કરવામાં આવી ન હતી. તમામ મૃત્યુની નોંધ કરવામાં આવે તો આંકડો ખૂબ જ મોટો થઈ શકે છે. સરકારી ચોપડે સાચા આંકડા ન બતાવતા હોય તેવું મારું માનવું છે. તેની અસર ઇન્જેક્શન, ઓક્સિજન તથા આરોગ્યલક્ષી બજેટ પર પડે છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના બે પાસા છે તેમાં આર્થિક સહાયના ધોરણનું પાલન થવું જોઇએ તેવી અમારી સરકાર સમક્ષ માગણી છે.

ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જિલ્લા પંચાયત કચેરીમાં એક અરજી કરીને મૃત્યુના આંકડાની માહિતી માગી હતી. જ્યારે મુખ્ય આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં માર્ચ 2020માં 814 લોકોના મોતની નોંધણી થઈ છે. તો એપ્રિલ 2020માં 784 લોકોના મોતની નોંધણી થઈ છે. ત્યારે માર્ચ 2021માં 957 લોકોના મોતની નોંધણી થઈ છે અને એપ્રિલ 2021માં 3140 લોકોના મોતની નોંધણી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp