ગુજરાતના SEZમાં 46 ટકા જમીનો ખાલી, જાણો સરકાર શું કરવા માગે છે?

PC: https://indianexpress.com

ગુજરાતમાં બનાવવામાં આવેલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)માં 46 ટકાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે. આ ઝોનમાં ઉદ્યોગો આવ્યા નથી. હવે આ જગ્યા માટે સોલાર ઉર્જાના પ્રોજેક્ટ કરવાની દરખાસ્ત સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. રાજ્ય સરકાર માટે આ સ્થિતિ ચિંતાનો વિષય બની છે તેથી હેતુફેરને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ, સ્લો-ડાઉન અને આર્થિક પરિસ્થિતિ નાજૂક બનતાં નાના ઉદ્યોગજૂથોએ તેમના બિઝનેસમાં પરિવર્તન કર્યું હોવાથી હેતુ સર્યો નથી. રાજ્યમાં હાલ કાર્યરત એસઇઝેડ માટે સરકારે 14197 હેક્ટર જમીન સંપાદિત કરી છે જે પૈકી 46 ટકા એટલે કે 6500 હેક્ટર જમીન ખાલી પડી છે.

આ જમીન પર કોઇપણ ઉદ્યોગજૂથનો પ્રોજેક્ટ શરૂ થઇ શક્યો નથી. એસઇઝેડમાં સમગ્ર દેશમાં કુલ 23700 હેક્ટર જમીન ખાલી પડી છે જેમાં ગુજરાતનો આ હિસ્સો ત્રીજા નંબરે આવે છે. એટલે કે સરકારે ગુજરાતમાં બનાવેલા 60 જેટલા એસઇઝેડમાં મૂડીરોકાણ આવી રહ્યું નથી તેથી તેનો હેતુફેર થઇ રહ્યો છે.

ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે એસઇઝેડની ખાલી જમીનમાં સોલાર પ્રોજક્ટ સ્થાપિત કરવા માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે એસઇઝેડમાં સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની અનુમતિ આપવામાં આવશે. કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં પણ ખાલી પડેલી જમીન પર કેપ્ટિવ સોલાર પાવર પ્રોજેક્ટ નાંખવામાં આવશે.

સમગ્ર દેશમાં એસઇઝેડમાં કુલ 23779.20 હેક્ટર જમીન ખાલી છે જેમાં ગુજરાતની 26 ટકા જમીનનો સમાવેશ થાય છે. આંકડાથી માલૂમ પડે છે કે ગુજરાતમાં ઓગષ્ટ 2017 સુધીમાં 9 સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન બન્યા છે જ્યાં જમીન ખાલી પડી છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના બે એસઇઝેડ છે જેમાં પણ જગ્યા ખાલી પડી છે. એક એસઇઝેડ કંડલા પોર્ટ ટ્રસ્ટનો છે. બાકીના એસઇઝેડ પ્રાઇવેટ કંપનીઓ ડેવલપ કરી રહી છે. પ્રાઇવેટ સેઝમાં પણ જગ્યા ખાલી પડેલી છે.

રાજ્યમાં સૌથી વધુ મુંદ્રામાં 8400 હેક્ટર જમીન અદાણી કંપનીને ફાળવવામાં આવી છે આ એસઇઝેડમાં પણ 56 ટકા જગ્યા ખાલી પડી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બનાવેલા એસઇઝેડમાં પણ 90 ટકાથી વધુ જમીન ખાલી પડી છે. ભરૂચ પાસેના સ્ટર્લિંગના એસઇઝેડમાં 77 ટકા જમીન ખાલી છે.

કેન્દ્ર સરકારે ગુજરાત સહિત તમામ રાજ્ય સરકારોને સલાહ આપી છે કે એસઇઝેડની સ્થાપના પછી ખાલી જમીનનો વધુમાં વધુ ઉપયોગ કરે. આ ઉપયોગ બીજા હેતુ માટે પણ કરી શકાશે. ગુજરાતમાં 27 સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન આવેલા છે જેમાં સરકારે 14197.64 હેક્ટર વિસ્તારમાં જમીન આપી છે જે પૈકી 6507.84 હેક્ટર જમીન ખાલી પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp