ઘરવિહોણા-કાચા મકાનમાં રહેતા કુટુંબને 2022 સુધીમાં ઘર આપવાનો દૃઢ નિર્ધારઃ ફળદુ

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ ગ્રામ વિકાસ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, રાજ્યના ગામડાઓનો સુગ્રથિત વિકાસ એ જ નિર્ધાર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ અમે આગળ વધી રહ્યા છીએ જેના સારા પરિણામે પણ અમને મળ્યા છે. રાજ્યના તમામ ઘરવિહોણા અને કાચા આવાસ ધરાવતા કુટુંબોને 2022 સુધીમાં ઘરના ઘરનુ સપનુ સાકાર કરવાનો રાજ્ય સરકારનો દૃઢ નિર્ધાર કર્યો છે અને એ અમે પરિપૂર્ણ કરીશુ.

વિધાનસભા ખાતે ગ્રામ વિકાસ વિભાગની બજેટ પરની માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા મંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યુ હતુ કે,ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ,ગામડાઓની સમૃદ્ધિ અને સુખાકારી સાથે જ રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય તેવા શુભ આશયથી અમે સમયબદ્ધ આયોજન અને પરિણામલક્ષી કામગીરી કરી છે જેના પરિણામે જ લોકોનો વિશ્વાસ અમારી પર વધુ મજબૂત બન્યો છે એને અમે એળે નહી જવા દઈએ.

આર.સી.ફળદુએ ઉમેર્યુ કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY - NRLM) દીન-દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY-WC) શ્યામાપ્રસાદ મુખર્જી રુર્બન મિશન (SPMRM)

ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સમૃદ્ધિ અને જીવન ધોરણની ગુણવત્તા સુધારણા માટે આજીવિકા, કૌશલ્ય, વિકાસ, સામાજિક સુરક્ષા અને માળખાકીય સુવિધાના કાર્યક્રમો સાથે આત્મનિર્ભરના અભિગમ સાથે ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા અન્ય સંલગ્ન વિભાગો સાથે મળીને ઉપરોક્ત કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવે છે. આ તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે વર્ષ 2021-22 માટે કુલ રૂ.3294.65 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. બજેટમાં કરવામાં આવેલ આ જોગવાઈ સરકારની ગ્રામ્ય પ્રજાની સુખાકારી માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ઉપરાંત વિવિધ સુવિધાઓ સારૂ વર્ષ:2021-22 માટે નવી બાબત તરીકે બજેટમાં કુલ રૂ 172.59 કરોડની પણ જોગવાઇ કરવામાં આવેલ છે.

આર.સી.ફળદુએ ઉમેર્યુ કે, વર્ષ 2022 સુધીમાં સૌને ઘર હેતુથી પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) વર્ષ 2016માં અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ઘરવિહોણા અને કાચા આવાસ ધરાવતા કુટુંબોને 2022 સુધીમાં આવરી લેવાનો રાજ્ય સરકારનો દૃઢ નિર્ધાર છે.અગાઉ ઇન્દિરા આવાસ યોજનામાં રૂા.70,000ની સહાય આપવામાં આવતી હતી.આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કુલ રૂ.1,52,160/-ની સહાય મળવાપાત્ર છે.

આ ઉપરાંત ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ, પ્રથમ હપ્તો આપ્યા બાદ 6 માસની અંદર આવાસ પૂર્ણ કરનાર લાભાર્થીને રૂ.20,000ની અતિરિક્ત સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુલ 4,500 લાભાર્થીઓને રૂ.900 લાખની અતિરિક્ત સહાય ચૂકવવામાં આવી છે.વર્ષ 2020-21 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ મહિલા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આવાસની સાથે બાથરૂમ બાંધકામ માટે લાભાર્થી દીઠ રૂ.5000/-ની વધારાની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.આ યોજના અંતર્ગત 1,03,272 આવાસોના નિર્માણ માટે વર્ષ 2021-22 માં કુલ 1250.60 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

તેમણે ઉમેર્યુ કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારો માટે વ્યક્તિગત શૌચાલયના નિર્માણ અને ઘન અને પ્રવાહી કચરાના સુયોગ્ય રીતે નિકાલ કરવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલ છે.સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં બેઝલાઈન સર્વે-2012 મુજબના કુટુંબો અને લેફ્ટ આઉટ બેનિફીશરીઝ (LOB), (NOLB) No One Left Behind અને વર્લ્ડ બેન્ક મળી કુલ 42 લાખથી વધુ શૌચાલયોના બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યા છે.

ODF+ હેઠળ ગ્રામ પંચાયતો માં ઘન કચરા વ્યવસ્થાપન માટે ઘન કચરા ડોર ટુ ડોર કલેક્શન માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંર્તગત અંતર્ગત જિલ્લાઓમાં 3000 થી વધુ વસ્તી ધરાવતી અંદાજિત 2436 ગ્રામ પંચાયતોમાં હેન્ડ/પુશ કાર્ટ વિથ ફોર બિન 9844 નંગ અને ટ્રાઈસિકલ વિથ એઇટ બિન 6705 નંગ કચરાના એકત્રીકરણ અને પરિવહન માટે આપવામાં આવેલ છે.રાજ્યના 20 જિલ્લ્લાઓ માં પ્રવાહી કચરાના નિકાલ હેતું ફિક્લ સ્લજ મેનેજમેંન્ટ માટે જેટીંગ કમ સક્શન કમ ડીસીલ્ટીંગ મશીન આપવામાં આવ્યા છે.આ યોજનામાં વર્ષ 2021-22 માટે કુલ રૂ. 800.00 કરોડની જોગવાઇ કરાઈ છે. સ્વચ્છ ભારતમિશન ગ્રામિણમાં વર્ષ-2010-11 થી વર્ષ-2013-14ની સરેરાશ કેન્દ્ર સરકારની ફાળવણી રકમ રૂા.59 કરોડની સામે વર્ષ-2014 થી રાજ્યને સરેરાશ રૂા.351 કરોડની ગ્રાન્ટ મળી છે.(SWM-સોલિડ વેસ્ટ મેનેજમેંન્ટ) હેઠળ કચરાના સલામત નિકાલ માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-2 અંતગર્ત ઘન કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કલેક્શન, પરિવહન, સેગ્રીગેશન અને કંપોસ્ટીંગ જેવી વેલ્યૂચેનનું નિર્માણ કરીને અંદાજિત 3000 જેટલાં ગામોને સ્વચ્છ ગામ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના અન્વયે રાજ્યના ગ્રામીણ વિસ્તારના પ્રત્યેક કુટુંબના પુખ્તવયના સભ્યો જે બિનકુશળ શારીરિક શ્રમ કરવા ઈચ્‍છુક હોય, તેવા કુટુંબોને જીવનનિર્વાહની તકો વધારવા માટે નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની સવેતન રોજગારીની બાંહેધરી આપવામાં આવેલ છે.સમયસર વેતન ચૂકવણીમાં 98.18 % સિદ્વિ હાંસલ કરવામાં આવેલ છે.તા.16 માર્ચ,2021 અંતિત કુલ 11.13 લાખ કુટુંબોને કુલ 461.44 લાખ માનવદિનની રોજગારી પૂરી પાડવામાં આવેલ છે.મનરેગા યોજના હેઠળ નાણાકીય વર્ષ 2020-21 દરમ્યાન તા.16-03-2021 અંત સુધીમાં રૂ. 1,22,6.11 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે.

મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગી અસ્ક્યામતો ઉભી થાય તે માટે જૂથ કુવા, બાગાયત નર્સરી, ગ્રામ પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો, સેગ્રીગેશન શેડ, અનાજ સંગ્રહ માટેના ગોડાઉન, સ્વસહાય જુથ સંચાલીત લઘુ ઉદ્યોગો માટે વર્ક શેડ, કેટલ શેડના કામોના જરૂરી માલસામાનની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 100.00 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. મનરેગા યોજના અતર્ગત વર્ષ-2013-14માં કેન્દ્ર સરકાર દ્વારા રૂા.335.30 કરોડ ગ્રાન્ટ મળેલ હતી. તેમજ ચાલુ વર્ષે રૂા.1434. 86 કરોડની કુલ ગ્રાન્ટ મળેલ છે. આમ, 327 ગણો વધારો થયેલ છે.

આર.સી.ફળદુએ ઉમેર્યુ કે, દીન-દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારની બહેનોનું જીવન ધોરણ ઉંચુ આવે તેમજ ગ્રામ્ય વિસ્તારની બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટેની કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 2.44 લાખ મહિલા સ્વસહાય જુથોની રચના તથા 1.76 લાખ સ્વસહાય જુથોને રીવોલ્વીંગ ફંડની ફાળવણી કરવામાં આવેલ છે.

1.06 લાખ સ્વસહાય જુથોને બેંક મારફત કુલ રૂ.1,790.00 કરોડની કેશ ક્રેડીટ આપવામાં આવેલ છે. તે જ રીતે નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોરમેશન પ્રોજેકટ (NRETP) અંતર્ગત દેશના 13 રાજ્યો પૈકી ગુજરાત રાજ્યનો પણ નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોરમેશન પ્રોજેકટ (NRETP)માં સમાવેશ કરવામાં આવેલ છે.ગુજરાતના ગામડાઓના આર્થિક પરીવર્તન થઇ શકે તે માટે રાજ્યના 3 જિલ્લાના 9 તાલુકાઓમાં પાઇલોટ પ્રોજેકટ તરીકે અમલીકરણ શરૂ કરવામાં આવેલ છે.DAY-NRLM યોજનામાં વર્ષ 2021-22 માટે કુલ રૂ. 300.00 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન યોજના અંતર્ગત ગામના સમુહને (ઝુમખા) માળખાકીય, આર્થિક/ સામાજીક સવલતો પૂરી પાડવાનો છે, જેથી આ ગામોને તેમજ તેમના આસપાસના વિસ્તારની સુખાકારીમાં વધારો થાય.હાલમાં ફેઝ-1, 2 અને 3 માં કુલ 16 ક્લસ્ટરની પસંદગી કરવામાં આવેલ છે.તે પૈકી 87 પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવેલ છે, બાકી રહેતા 153 પ્રોજેક્ટની કામગીરી પ્રગતી હેઠળ છે.આ યોજનામાં વર્ષ 2021-22 માટે કુલ રૂ.100.00 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે

તેમણે કહ્યુ કે, મહિલા આર્થિક સશક્તિકરણની દિશામાં ગુજરાત રાજ્ય દ્રારા વર્ષ :2010 માં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (જી.એલ.પી.સી.)ની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા ભારત સરકારનાં નેશનલ રૂરલ લાઇવલીહુડ મીશન કાર્યક્રમ - આજીવિકા યોજના (NRLM) નો અમલ કરવામાં આવે છે

આર્થિક રીતે નબળા કુટુંબોના જીવન ધોરણમાં સુધારો લાવવા રાજ્ય સરકાર દ્રારા મહિલાઓના સશક્તિકરણ માટે તેઓના સ્વસહાય જૂથ (સખીમંડળ), ગ્રામ સંગઠન, ક્લસ્ટર લેવલ ફેડરેશન બનાવી તેઓને આજીવિકા માટેની તાલીમ આપી, નાણાંકિય સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેઓ દ્વારા ઉત્‍પાદિત થતી ચીજ-વસ્તુઓના વેચાણ માટે બજાર સાથે સાંકળી તેઓને આર્થિક ઉપાર્જન મદદરૂપ થવામાં આવે છે

આર.સી.ફળદુએ ઉમેર્યુ કે, વડાપ્રધાનનાં આત્મનિર્ભરતાના ઉમદા ઉદ્દેશ્ય અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્ય મંત્રી દ્વારા ગુજરાતની મહિલાઓની આર્થિક ઉન્નતી માટે મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે.જે અંતર્ગત રાજ્યની મહિલાઓના સ્વ-સહાય જુથો અને જોઈન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથ (JLESG) ગ્રુપોને આર્થિક પ્રવ્રૂતિઓ માટે લોન/ ધીરાણની વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. આ યોજના દ્વારા રાજ્યના 1 લાખ મહિલા સ્વસહાય જુથો (એક જુથમાં 10 મહિલાઓનો સમાવેશ)ની રચના કરી આશરે 10 લાખ મહિલાઓને આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના 50 હજાર અને શહેરી વિસ્તારના 50 હજાર જુથો એમ કુલ 1 લાખ મહિલા ગ્રુપોની 10 લાખ મહિલાઓને સીધો લાભ મળશે.મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત જુના સ્વ-સહાય જુથ અને નવા જુથોને પણ લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ મહિલાઓને રૂપિયા 1000 કરોડ સુધીનું ધિરાણ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. મહિલાઓને આ લોનની રકમ સંપુર્ણ વ્યાજરહિત આપવામા આવશે અને આ વ્યાજની રકમ રાજ્ય સરકાર ભોગવશે.

આર.સી.ફળદુએ ઉમેર્યુ કે,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (વોટરશેડ કમ્પોનન્ટ) અંતર્ગત સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ અમલી બનાવ્યો છે જેનો મુખ્ય હેતુ કુદરતી સંસાધનો જેવા કે, ભૂમી, ભેજ અને વૃક્ષાચ્છાદિત આવરણને સુયોજિત કરી પર્યાવરણ સ્ત્રોતનું સંતુલન કરવાનું છે.છેલ્લાં ચાર વર્ષમાં (વર્ષ 2017-18 થી વર્ષ 2020-21 (જાન્યુઆરી-20 અંતિત)) જળસંગ્રહ માટે કુલ 16340 કામો તેમજ ભુમિ ભેજ સંરક્ષણના કુલ 26419 કામો કરવામાં આવેલ છે.આ કામોથી કુલ 40 મીલીયન કયુબિક મીટર (400.00 લાખ ઘનમીટર) પાણીનો સંગ્રહ થયેલ છે, જેનાથી કુલ 46950 હેકટર વિસ્તારમાં સિંચાઇનો લાભ ઉ5લબ્ધ થયેલ છે. જે માટે છેલ્લા ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (વોટરશેડ કમ્પોનન્ટ) હેઠળ કુલ રૂ.620.07 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે વિધાનસભા ખાતે આ માંગણીઓ પસાર કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp