મુખ્યમંત્રીની જાહેરાત બાદ હવે ખેતીની જમીન પર મકાનો બિલ્ડરો બનાવી શકશે

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાંધકામ ઉદ્યોગને દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અનેક લોકોને રોજગારી આપવા સાથે આ ઉદ્યોગ આવાસ-મકાન નિર્માણ દ્વારા માનવીના ઘરના ઘરનું સપનું, જીવનનો હાશકારો પણ સાકાર કરે છે. મુખ્યમંત્રીએ ગાયહેડ-ક્રેડાઇ આયોજીત 15માં પ્રોપર્ટી શો નું વર્ચ્યુઅલ ઉદઘાટન ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું.

કોરોના સંક્રમણના આ કપરાકાળમાં દેશભરમાં આવો પ્રથમ વર્ચ્યુએલ પ્રોપર્ટી શો ક્રેડાઇ દ્વારા તા.17 થી 25 ઓકટોબર દરમ્યાન યોજાઇ રહ્યો છે. ‘ઘરે બેઠા ઘર મેળવો’ના ઉદેશ્ય સાથેના આ પ્રોપર્ટી શો માં લોકો પોતાના અનુકૂળ સમયે ઓનલાઇનથી સહભાગી થઇ શકે તેવા આ અભિનવ પ્રયોગને મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રીએ કોરોનાની આપત્તિને અવસરમાં પલટવાની ખૂમારી ગુજરાતે દાખવીને ન ઝૂકના હૈ, ન રૂકના હૈ ના મંત્ર સાથે વિકાસની આગેકૂચ જારી રાખી છે તેની ભૂમિકા આપી હતી. તેમણે આ સંદર્ભમાં ક્રેડાઇ-ગાયહેડ દ્વારા પણ પોતાની પ્રોપર્ટી શો યોજવાની પરંપરાને યથાવત રાખવા માટે અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થાય, સુવિધાસભર અને ગુણવત્તાયુકત આવાસ મળે તે માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પરિપાટીએ ઇઝ ઓફ લિવીંગને પણ સરકારે મહત્વ આપ્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત રહેવાલાયક, માણવાલાયક બને તેમજ પ્રદૂષણમુકત રહે અને પ્રાથમિક આવશ્યકતાઓ પણ મળતી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પારદર્શીતા અને ઇમાનદારીથી ઝડપી નિર્ણયો કરવા સાથે GDCRના નિયમો સહિતની આંટીઘૂંટીઓ દૂર કરી સરળીકરણ અને મોકળાશ આ સરકારે કરી આપી છે.

નિયમો-કાયદાઓ પ્રજાને ટેન્શન આપનારા નહિં પરંતુ શાંતિ, મોકળાશ આપનારા બને તેવો અભિગમ અપનાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ર0રર સુધીમાં હરેક વ્યકિતને ઘરનું ઘર આપવાની જે ખેવના રાખી છે તેમાં એફોર્ડેબલ હાઉસીંગ સેક્ટર દ્વારા ગુજરાત લીડ લેશે તેવી નેમ વ્યકત કરી હતી.

વિજય રૂપાણીએ આવા એફોર્ડેબલ હાઉસીંગ સેક્ટરને વધુ પ્રોત્સાહન અને મદદ મળે તે માટે આ અવસરે કેટલીક જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રીએ એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન 80 ચો.મીટરના બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે 90 ચો.મીટર બિલ્ટઅપ એરિયાના યુનિટનો એફોર્ડેબલ હાઉસીંગમાં સમાવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

આના પરિણામે હવે, લાભાર્થી પરિવારોને સુવિધાયુકત અને વધુ જગ્યાવાળા આવાસો મળતા થશે. મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી કે, એફોર્ડેબલ હાઉસીંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા આવસો બનાવી ઘરના ઘરનું સામાન્ય માનવીનું સપનું પાર પડે તે માટે ખેતીની જમીન કાયદા 63 AAA હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ માટે જમીનોની પરવાનગી સરકાર આપશે.

વિજય રૂપાણીએ બાંધકામ ક્ષેત્રને વેગ આપવા અન્ય એક જાહેરાત કરતાં કહ્યું કે, હાલ ચાર્જેબલ FSI બાંધકામ મંજૂરી વખતે લેવામાં આવે છે. પરંતુ આવી ચાર્જેબલ FSI વાળો બાંધકામ ભાગ પાછળથી કરવાનો થતો હોઇ મુખ્યમંત્રીએ બાંધકામ ઉદ્યોગની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવી આ FSI સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં વ્યાજમાં રાહત આપવાની બાબતે પણ રાજ્ય સરકાર વિચારાધિન છે એમ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ નોન ટી.પી એરિયામાં કપાત પછી બાકી રહેતી જમીન પર જ પ્રિમીયમની માંગણી અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી વધુ પ્રિમીયમ ભરવું ના પડે તે માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરશે એમ જણાવ્યું હતું.

વિજય રૂપાણીએ રાજ્યમાં એફોર્ડેબલ હાઉસીંગ સેક્ટર સહિતના બાંધકામ ક્ષેત્રનો વધુને વધુ લોકો લાભ મેળવી સુંદર, સુવિધાસભર આવાસ છત્ર મેળવે તેવું દાયિત્વ નિભાવવા બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌને અનુરોધ કર્યો હતો. ક્રેડાઇના નેશનલ પ્રેસિડેન્ટ જક્ષય શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પારદર્શી, પ્રગતિશીલ અને નો-પેન્ડન્સી અભિગમથી બાંધકામ ક્ષેત્રની બહુધા સમસ્યાઓનો સમયસર ઉકેલ આવ્યો છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.

કોરોના કાળમાં આ વર્ચ્યુએલ પ્રોપર્ટી શોની પહેલ દેશ માટે દિશાદર્શક બનશે તેવી અપેક્ષા પણ તેમણે દર્શાવી હતી. ગાયહેડ, ક્રેડાઇના પ્રેસિડેન્ટ અજય પટેલે સ્વાગત પ્રવચનમાં આ પ્રોપર્ટી શોની વિશેષતાઓ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp