ગુજરાતની 98 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરી દેવાશે

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની 98 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય સહિત રાજ્ય સરકારના અન્ય મહત્વપૂર્ણ પગલાંઓની વિગતો મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.

તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, જે 98 સબ રજીસ્ટ્રાર કચેરીઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જવાનું રહેશે. હાલના તબક્કે નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી હાથ ધરાશે નહિ.

પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની સ્થિતીમાં કોવિડ-19 અંગેના સોશિયલ ડિસ્ટન્સીંગ, સેનીટાઇઝેશન સહિતના બધા જ તકેદારીના પગલાં લેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે તેમ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સબ રજીસ્ટ્રાર કચેરીઓ માટે એવી સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે કે, આ કચેરીઓ જ્યાં હોય તે સ્થાનિક વિસ્તાર હોટસ્પોટ જાહેર થાય કે ત્યાં કરફયુ જાહેર થાય તો આવી કચેરી તુરત જ બંધ કરી દેવાની રહેશે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં તા.20 એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારોમાં ઊદ્યોગ પૂન: શરૂ કરવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ અનુસાર આપેલી મંજુરી અંતર્ગત 40 હજાર જેટલા ઊદ્યોગ-એકમો કાર્યરત થયા છે. આવા ઊદ્યોગોમાં અંદાજે પાંચ લાખ શ્રમિકો-કામદારોને રોજગારી મળતી થઇ છે એની વિગતો મુખ્યમંત્રીના સચિવે આપી હતી.

રાજ્યના મહાનગરો-નગરોમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસને પણ શ્રમિકો-મઝદૂરોના સાઇટ પર જ રહેવાની વ્યવસ્થાઓ સાથે તા. 20 એપ્રિલથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આવા 573 જેટલા નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસમાં 20 હજાર જેટલા શ્રમિકો રોજી-રોટી મેળવી રહ્યા છે એમ પણ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું.

તેમણે જણાવ્યું કે, લોકડાઉનના આ સમયમાં ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો માર્કેટયાર્ડ-બજાર સમિતીમાં વેચીને આવક મેળવવાની વ્યવસ્થા આપવાના મુખ્યમંત્રીના નિર્ણયને પગલે રાજ્યના 127 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી-માર્કેટયાર્ડમાં અત્યાર સુધીમાં 4 લાખ 42 હજાર 860 કવીન્ટલ અનાજ-ખેત ઉત્પાદનની આવક થઇ છે. આ અનાજમાં મુખ્યત્વે ઘઉંની આવક 2,42,904 કવીન્ટલ તેમજ 1,23,389 કવીન્ટલ એરંડાનો સમાવેશ થાય છે એમ પણ અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ રાજ્યના 66 લાખ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો - પરીવારો જેઓ NFSA અંતર્ગત અનાજ મેળવે છે તેવા પરીવારોને આર્થિક આધાર માટે રૂ. 1 હજાર બેન્ક ખાતામાં જમા કરાવવાનો સંવેદનશીલ અભિગમ દર્શાવેલો છે. તદ્દઅનુસાર, જે કામગીરી ચાલી રહી છે તેમાં આ સપ્તાહના અંત-શનિવાર તા. 25 એપ્રિલ સુધીમાં આવા 41 લાખ અંત્યોદય પરીવારોને આવરી લઇને રૂ. 410 કરોડની સહાય આપી દેવાશે તેમ પણ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું હતું.

આ 66 લાખ પરીવારોને વિનામૂલ્યે 3.50 કિલો ઘઉં અને 1.50 કિલો ચોખાનું તા. 25 મી એપ્રિલથી 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ આરંભ થશે એમ પણ મુખ્યમંત્રીના સચિવે કહ્યું હતું. તેમણે લોકડાઉનના 31મા દિવસે રાજ્યમાં દૂધ શાકભાજી અને ફળફળાદિની ઉપલબ્ધિની વિગતો આપી હતી. શુક્રવારે સવારે 49.28 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે તેમજ 1 લાખ 19 હજાર 326 કવીન્ટલ શાકભાજી માર્કેટમાં આવ્યા છે એમ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. આ શાકભાજીમાં 26,893 કવીન્ટલ બટાકા, 84,282 કવીન્ટલ ડુંગળી તેમજ કુલ 15,990 કવીન્ટલ ફળફળાદિની આવક પણ થઇ છે તેની માહિતી તેમણે આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp