ગુજરાતના 6 શહેરોને સ્માર્ટસિટી બનાવવા કેન્દ્ર દ્વારા પસંદગી કરાઈ છેઃ કૌશિક પટેલ

PC: khabarchhe.com

તા .17 ઑક્ટોબર 2020 થી તા .25 ઑક્ટોબર 2020 દરમિયાન ગાહેડ-ક્રેડાઈ દ્વારા આયોજીત 15માં અને પ્રથમ વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોની મહેસુલ મંત્રી કૌશિક પટેલે આયોજકોને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હાઉસિંગ ફોર ઓલ -2020' સ્વપ્નને ઝડપથી સાકાર કરવા કટિબદ્ધ છે. આજે ગુજરાતે શહેરીકરણના પડકારોને અવસરમાં બદલી દેશને શહેરી વિકાસનું શ્રેષ્ઠ મોડલ આપ્યું છે.

કૌશિક પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે પણ ગુજરાતે સાવચેતી અને સલામતી સાથે સતત વિકાસની દિશામાં આગેકૂચ ચાલુ રાખી છે. કોરોનાનું સંક્રમણ વધે નહીં અને વિકાસની દિશામાં નવા નવા રોકાણો થાય અને રોજગારી વધે તે હેતુથી સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત ગાહેડ-ક્રેડાઈ દ્વારા વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના કપરા સમયમાં વિકાસના કામો અટકે નહીં તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મક્કમ નિર્ધાર કરી કોરોનાની મહામારી દરમ્યાન 1 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા છે અને વિકાસની ગતીને જાળવી રાખી છે.

કૌશિક પટેલે કહ્યું કે ખમીરવંતા ગુજરાતના નાગરિકો શુભ અવસરે કંઈક ને કંઈક નવીન વસ્તુમાં રોકાણના સાહસ કરતા હોય છે. નવરાત્રીના આ શુભ અવસરમાં રીઅલ એસ્ટેટમાં રોકાણ કરવાની આ સોનેરી તક છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિથી જરૂરિયાતમંદોને સરળતાથી આવાસ ઉપલબ્ધ કરાવવા માટે 'હાઉસિંગ ફોર ઓલ - 2022'ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વર્તમાન સમયમાં આવા પ્રોપર્ટી શો થકી જરૂરિયાતમંદોને રહેણાંક પૂરા પાડી 'હાઉસિંગ ફોર ઓલ - 2022'નું સ્વપ્ન સાકાર થશે. રીઅલ એસ્ટેટનો દેશના આર્થિક વિકાસમાં સિંહ ફાળો રહ્યો છે ત્યારે આવા પ્રોપર્ટી શો રોકાણકારોને પસંદગીની ઉજ્જવળ તકો પૂરી પાડે છે.

તેમણે કહ્યું કે, રિયલ એસ્ટેટ ક્ષેત્રે એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. એફોર્ડેબલ હાઉસિંગ વધુ મોટા બને તે માટે 80 ચોરસ મીટર બિલ્ટ અપ એરિયાના સ્થાને 90 ચોરસ મીટર સુધીના બિલ્ટ અપ યુનિટનો એફોર્ડેબલ હાઉસિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિથી ચાર્જેબલ એફ.એસ.આઈ. લેવાશે તથા વ્યાજમાં પણ રાહત અપાશે. નોન ટી.પી. એરિયામાં કપાત પછી બાકી રહેતી જમીન પર જ પ્રિમિયમની માંગણી અંગે સહાનુભૂતિપૂર્વક વિચાર કરી વધુ પ્રિમીયમ ભરવું ન પડે તે માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરશે. રાજ્ય સરકારે એફોર્ડેબલ હાઉસિંગ માટે ઝીરો ડીફેક્ટ, ઝીરો ઇફેક્ટના સુત્રને ધ્યાને રાખી નિર્માણ માટે ગુણવત્તાના ધોરણો નિયુક્ત કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્રે જી.ડી.સી.આર., ટી.પી., રેરા , રી-ડેવલપમેન્ટ પોલીસી થકી એફોર્ડેબલ હાઉસિંગનાં નિર્માણમાં ખુબ સરળતા રહે તેવા આયોજનો કર્યા છે. શહેરીકરણના પડકારોનો સામનો કરવા ગુજરાતે શહેરી વિકાસના બજેટમાં ઉત્તરોતર વધારો કર્યો છે. વર્ષ 2004-05 માં શહેરી વિકાસ વિભાગનું બજેટ જે રૂ. 126 કરોડથી વધારી આજે વર્ષ 2020-21 માં રૂ . 11 હજાર 421 કરોડ રૂપિયાનું કર્યું છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના 6 શહેરોને સ્માર્ટસિટી બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. ઈન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, પાયાની સુવિધાઓના વિકાસ સહિતની બાબતોમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં ગુજરાત અગ્રણી રાજ્ય રહ્યું છે. ગુજરાતે નવતર અભિગમ દાખવી ‘ટાઉનશિપ પોલીસી' અને 'ગુજરાત સ્લમ રીહાબીલીટેશન અને એફોર્ડેબલ હાઉસીંગ નીતિ’ જેવી નીતિઓ તૈયાર કરી છે. 'મુખ્યમંત્રી ગૃહ યોજના'ના સફળ અમલ દ્વારા જરૂરીયાતમંદ સુધી લાભ પહોંચાડ્યા છે. ગુજરાતમાં શહેરોનો ઝડપથી અને સુઆયોજીત રીતે આંતરમાળખાકીય વિકાસ કરવાના લક્ષ્ય સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેલ્લા 2 વર્ષમાં 100 થી પણ વધુ ટી.પી. સ્કીમોને મંજુરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના

( શહેરી ) અન્વયે અત્યાર સુધી વિવિધ ઘટકોના 4 લાખ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતુ કે, ક્રેડીટ લીંકડ સબસીડી - પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ની અમલવારીમાં ગુજરાત રાજ્ય દેશના અન્ય રાજયોની સરખામણીમાં અગ્ર સ્થાને છે ત્યારે ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત એ છે કે, ઋણ આધારિત વ્યાજ સહાય યોજના (ક્રેડીટ લીંક સબસીડી) ઘટક હેઠળ 2.50 લાખ કરતા પણ વધારે લાભાર્થીઓને પ્રથમ આવાસ પર લીઘેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવી અન્ય રાજયોની સરખામણીમાં પ્રથમ સ્થાન પર છે. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને પ્રથમ સ્થાનથી પુરસ્કૃત કરવામાં આવ્યું છે. પ્રવર્તમાન સરકારે મહેસૂલ વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં ટેકનોલોજીના માધ્યમથી અનેકવિધ જનહીતલક્ષી અને કાંતીકારી મહેસૂલી નિર્ણયો કર્યા છે જેનો નાગરિકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે.

કૌશિક પટેલે ઉમેર્યું કે, મહેસુલ વિભાગ દ્વારા ચાલુ વર્ષે વિધાનસભામાં ખુબ જ અગત્યના નવા સુધારા અને નવા વિધેયકો પસાર કરવામાં આવ્યા છે આવા ક્રાંતિકારી નિર્ણયોથી રાજ્યમાં મહેસૂલ સંબંધિત ગુનાહિત પ્રવૃત્તિઓ અટકશે અને વિકાસ ક્ષેત્રે નવી રાહ કંડારાશે.

કૌશિક પટેલે ઉમેર્યું હતું કે, ગાહેડ-ક્રેડાઈ છેલ્લા 15 વર્ષથી પ્રોપર્ટી શોનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યું છે. જેમાં અત્યાર સુધી 200 થી વધુ પ્રોપર્ટી ડીલર્સ ભાગ લઈ ચુક્યા છે અને સમગ્ર રાષ્ટ્રમાં સૌથી વધુ સભ્યો એટલે કે 1100 થી પણ વધુ સભ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું આ સંગઠન છે. રાજ્ય સરકારના સકારાત્મક અભિગમ થકી ગુજરાતના વિકાસ માટે લેવાયેલા નિર્ણયોથી આગામી સમયમાં ગુજરાતની પ્રગતિ અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ, ગાહેડ-ક્રેડાઈના સભ્યો અને રીયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓ સહભાગી થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp