એક સાથે 8 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

PC: facebook.com/vijayrupanibjp

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના-કોવિડ-19ના સંક્રમણ સાથે-સંક્રમણ સામે જીવન પૂર્વવત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સીસ્ટમ, ડેમોક્રેસી અને ડિમાન્ડના જે પંચ સ્થંભથી ભારતને આત્મનિર્ભરતાથી વિશ્વગુરૂ બનાવવાની પ્રેરણા આપેલી છે. મુખ્યમંત્રીએ આ પંચસ્થંભના મહત્ત્વપૂર્ણ એવા ઇન્ફ્રાસ્ટ્રકચર-આંતરમાળખાકીય સુવિધાઓનો રાજ્યના નગરો-મહાનગરોમાં વ્યાપ વિસ્તારી સુઆયોજિત વિકાસ માટે ત્વરિત અને પારદર્શી ઢબે ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ મંજૂર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.

વિજય રૂપાણીએ આ હેતુસર રાજ્યમાં વધુ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરીઓ આપી છે. મુખ્યમંત્રીએ અનલોક-1 અંતર્ગત તા.1લી જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ, સચિવાલય સહિત વિભાગોની કચેરીઓ પૂન: શરૂ કરવા કરેલા નિર્ણયને પગલે તેમણે સ્વયં તા. 1લી જૂને મુખ્યમંત્રી કાર્યાલયમાં પૂન: કાર્યારંભ કરીને કામકાજની શરૂઆત કરી હતી.

વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ સામે-કોરોના સાથે સાવચેતીપૂર્વક જીવન જીવવાનો રવૈયો અપનાવી જનજીવન પૂર્વવત થાય, માળખાકીય વિકાસકામો સહિતના કાર્યોમાં નવી ગતિ-નવી દિશા આવે તે માટે રાબેતા મુજબનું સરકારી કામકાજ શરૂ કરીને એક જ દિવસમાં આ આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમને પરવાનગી આપી છે.

મુખ્યમંત્રીએ મંજુર કરેલ ટી.પી.સ્કીમોમાં અમદાવાદની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.154 (સાંતેજ), નં.123/એ (નરોડા), નં.123/બી નરોડા અને પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં.85 (વટવા-5) તેમજ ફાયનલ ટી.પી.નં.3 (રાણીપ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોંડલ શહેરની ટી.પી. સ્કીમ નં.1, સુરતની ટી.પી.સ્કીમ નં.57 (ખરવાસા-એકલેરા) અને વડોદરાની ટી.પી. સ્કીમ નં.17 (સૈયદ વાસણા) પણ મુખ્યમંત્રીએ મંજૂર કરી છે.

ઔડા વિસ્તારની મંજુર કરાયેલી ડ્રાફ્ટ ટી.પી. 154 (સાંતેજ)નો આશરે વિસ્તાર 106 હેકટર્સ છે. આ સ્કીમમાં સત્તામંડળને જાહેર હેતુ માટે 1,85,800 ચો.મી.ના કુલ 37 જેટલા પ્લોટ સંપ્રાપ્ત થશે જેમાં જાહેર સુવિધા, ખુલ્લી જગ્યા, બાગ બગીચા, સ્ટ્રીટ વેન્ડર્સ/હોકર્સ માટે તેમજ સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ સહિત આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા વેચાણના હેતુના પ્લોટો પ્રાપ્ત થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ નરોડા વિસ્તારની આશરે 100.00 હેકટર્સની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.123/એ અને 123/બી (નરોડા)ને પણ મંજુરી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ પૂર્વ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.85 (વટવા-5) મંજુર થતાં આશરે 85.00 હેકટર્સ વિસ્તારના આયોજનને આખરી ઓપ મળ્યો છે.

આ મંજુર કરાયેલી વટવાની ટી.પી.85 માં વેચાણના હેતુ માટે 69,079 ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 22,414 ચો.મી, જાહેર હેતુ માટે 36,295 ચો.મી. તથા બાગ-બગીચા, મેદાનો માટે 18,644 ચો.મી. જમીન મળી કુલ 1,46,432 ચો.મી. પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ ટેકનીકલ કારણોસર વર્ષોથી અટવાઇ રહેલ ટી.પી.ની પણ વારંવાર સમીક્ષા કરતા રાણીપ નં.3 ની ફાયનલ ટી.પી. વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં પેન્ડીંગ હતી. તેમાં નિર્ણય લેવાતા, એક જ દિવસમાં મુખ્યમંત્રી કક્ષાએથી તેની મંજુરી આપી હતી.

સૌરાષ્ટ્રના રાજાશાહી વખતના સુઆયોજીત શહેર ગોંડલની શોભામાં યશકલગી ઉમેરતા આશરે 73.00 હેકટર્સની પ્રારંભિક ટી.પી. નં.1 ગોંડલને પણ મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. આ અન્વયે કુલ 57 જેટલા પ્લોટો ગોંડલ નગરપાલિકાને જાહેર હેતુના વિવિધ ઉપયોગ માટે મળશે જેનુ ક્ષેત્રફળ આશરે 74,874 ચો.મી. જેટલુ છે, તદ્ઉપરાંત રસ્તાની આશરે 73,680 ચો.મી. જમીન પણ નગરપાલિકાને ટી.પી. સ્કીમ મારફતે પ્રાપ્ત થતા, નાના શહેરોમાં ટી.પી. સ્કીમથી સ્થાનિક સંસ્થાને મળતી આંતરમાળખાકીય સવલતોનો વધારો દિશાદર્શક બનશે.

મુખ્યમંત્રીએ વડોદરા શહેરની 60.85 હેકટર્સ વિસ્તારની ટી.પી. સ્કીમ નં.17 (સૈયદ વાસણા)ને પણ મંજુરી આપતા સ્થાનિક સત્તામંડળને 33,615.00 ચો.મી.ના 24 જેટલા જાહેર હેતુના પ્લોટો સંપ્રાપ્ત થવાના છે. એટલું જ નહિ, સુરત શહેરના નવા 90.00 મીટરના રીંગરોડના ઝડપી અમલીકરણના ભાગરૂપે લોકડાઉન પહેલાં જ તા.20/02/2020ના રોજ ટી.પી.ઓ દ્વારા જાહેર કરાયેલ પ્રારંભિક યોજનાને ત્રણ જ મહિનામાં આશરે 171 હેકટર્સની સ્કીમને મંજુરી અપાયેલી છે.

આ ટી.પી. મંજુર થતા સત્તામંડળના રસ્તા માટે આશરે 36.00 હેકટર્સ જમીન તથા જાહેર સુવિધા માટે 62,454 ચો.મી., ખુલ્લી જગ્યા/બાગબગીચા/પાર્કીંગ માટે 63,171 ચો.મી., આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે 44,215 ચો.મી. તથા વેચાણના હેતુ માટે આશરે 1,66,863 ચો.મી. જમીન મળી કુલ 3,36,703 ચો.મી.ના ચાલીસ પ્લોટો સત્તામંડળને સંપ્રાપ્ત થવાની છે.

મુખ્યમંત્રીએ પ્રારંભિક યોજના મંજુર થયેથી સત્તામંડળ જાહેર સુવિધા માટે સંપ્રાપ્ત થતા પ્લોટોમાં તાત્કાલિક કબજો મેળવી વિકાસ કરી શકે તે માટે ટી.પી. સ્કીમ મંજુરી સાથે તાકિદ કરી છે કે કાયદાની જોગવાઇ મુજબ તમામ પ્લોટોને વિકાસ અર્થે ખુલ્લા મુકવામાં આવે તથા ખાસ કરીને બાગ-બગીચા, પ્લેગ્રાઉન્ડ કે જેનો સામાન્ય જનતતા અને બાળકો-વૃધ્ધો નવા વિકસતા વિસ્તારમાં લાભ લઇ શકે તે હેતુથી તાત્કાલિક વિકાસ કરવામાં આવે.

મુખ્યમંત્રીએ 2018-2019ના વર્ષમાં મંજુર થયેલ પ્રારંભિક ટી.પી. સ્કીમોના કાર્યો માટે સમીક્ષા કરી, બાકી રહેતા ટી.પી. અમલીકરણના કામો તાત્કાલિક હાથ ધરાય તે માટે શહેરી વિકાસ વિભાગના તમામ સત્તામંડળોને આદેશ કરવા સૂચન કર્યુ છે. મુખ્યમંત્રીએ ડ્રાફ્ટ સ્કીમના રસ્તાઓનું પણ ઝડપથી અમલીકરણ કરી ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોને પ્રાધાન્ય આપી વડાપ્રધાનના અભિગમને ત્વરિત સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર થાય તેવો અનુરોધ પણ સંબંધિત વિભાગોને કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp