26th January selfie contest

773 વીઘા જેટલી જમીન મુળ માલિકોને પરત અપાવવા સરકાર કટીબદ્ધ: પ્રદિપસિંહ જાડેજા

PC: facebook.com/PradipsinhGuj

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યુ છે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ કાયદામાં જેની જમીન હોય અને છેતરપીંડીનો ભોગ બન્યા હોય તેવા અરજદારે પોતાની જમીન માલિકીના આધાર પુરાવા સાથે કલેક્ટર સમક્ષ ફરીયાદ કરવાની રહે છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નની ચર્ચામાં સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહીબીશન) કાયદાના ઝડપી અમલ માટે કલેક્ટરની અઘ્યક્ષતામાં કમિટી બનાવી છે. અને અરજદારની અરજીના 15 દિવસમાં કમિટી નિર્ણય કરે છે જે અંતર્ગત એફ.આઈ.આર.ની જરૂર લાગે તો સાત દિવસમાં કરવામાં આવે છે અને 30 દિવસની અંદર તેની ચાર્જશીટ રજૂ કરવાની હોય છે તેમજ સ્પેશિયલ કોર્ટ છ માસમાં તેનો નિર્ણય કરે તેવી સુદ્રઢ વ્યવસ્થા લેન્ડ ગ્રેબીંગ કાયદામાં રાજ્ય સરકારે કરી છે.

લેન્ડ ગ્રેબીંગ કાયદાની આવશ્યકતા અંગે પૂર્વભૂમિકા આપતા કાયદા વિજય જાડેજાએ જણાવ્યું કે આજે મોર્ડન યુગમાં ભૂમાફીયાઓ દ્વારા ટેકનોલોજીના દૂરુપયોગથી તેમજ દસ્તાવેજો સાથે ચેડા કરીને યેનકેન પ્રકારે જમીનના માલીક બનાવવા માટેની પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને એવા ખોટા દસ્તાવેજના આધારે કોર્ટમાં સીવીલ દાવા કરી આવા ભૂમાફીયાઓ તેમની સામેની ક્રિમીનલ કાર્યવાહીમાંથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા ભૂમાફીયાઓ આ પ્રકારની પ્રવૃત્તિથી કાયદાકીય પ્રક્રિયાનો લાભ લઇ છટકી ન જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં આ કાયદાને લગતા કેસો ચલાવવા માટે સ્પેશીયલ કોર્ટ કાર્યરત કરવા મંજૂરી આપવામાં આવી છે. તે અન્વયે દરેક જિલ્લામાં સ્પેશીયલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જમીન પચાવી પાડવાના આ પ્રકારના કિસ્સાઓને ડામવા આ સ્પેશીયલ કોર્ટમાં આ પ્રકારના વિવાદ/કેસોની સ્થાનિક કક્ષાએ સુનાવણી થશે જેથી અરજદારો અને પક્ષકારોની હાલાકી ઘટશે, વિવાદોનું ઝડપી નિવારણ થશે જેથી જમીનના સાચા માલીકોને સમયસર ન્યાય મળી રહેશે. આ સ્પેશીયલ કોર્ટ દ્વારા જ જમીનની માલીકી હકનો નિર્ણય કરીને જમીનના સાચા માલીકને કબ્જો પણ અપાવાશે અને ભૂમાફીયાઓને કડક સજા પણ કરવામાં આવશે. એક જ કોર્ટ દ્વારા એક જ કેસમાં જમીનને લગતા સીવીલ અને ક્રિમીનલ લીટીગેશન એક સાથે ન્યાય નિર્ણીત થશે જેના કારણે કેસનો ઝડપી નિકાલ આવશે અને બિનજરૂરી દાવાઓ ઘટશે.

તેમણે વધુમાં જણાવ્યું કે સ્પેશીયલ કોર્ટ દ્વારા જમીન પચાવી પાડવાના કેસ પુરવાર થયે 10 વર્ષ કરતા ઓછી નહીં અને મહત્તમ 14 વર્ષ સુધીની સજા કરી શકાશે. તેમજ મિલકતની જંત્રીની કિંમત સુધીનો દંડ વસુલી શકાશે. જેથી આવી કડક સજાની જોગવાઇઓથી ભૂમાફીયાઓમાં ફફડાટ પેદા થશે અને જમીન હડપ કરવાની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવશે. વિજય જાડેજાએ ઉમેર્યું કે સ્પેશિયલ કોર્ટ દ્વારા શક્ય હોય ત્યાં સુઘી છ માસમાં જ ચુકાદો આપવામાં આવશે. જેથી અરજદારને ઝડપી ન્યાય મળી રહેશે. વિજય જાડેજાએ વઘુમાં જણાવ્યું કે આ કાયદાની મહત્વની બાબત એ છે કે પોતે કોઈ જમીન પચાવી પાડી નથી તે સાબિત કરવાની જવાબદારી આરોપીના શિરે રહેશે. આ બાબત આરોપીએ કોર્ટ સમક્ષ સાબિત કરવાની રહેશે.

વિધાનસભા ગૃહમાં નવસારી જિલ્લામાં ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબિશન) કાયદા અંતર્ગત પ્રશ્નનો ઉત્તર આપતા કાયદા મંત્રીએ જણાવ્યું કે આ સરકાર ગરીબો અને વંચિતોની સરકાર છે. કોઈપણ ગરીબો પોતાના હકકથી વંચિત રહી ન જાય તે માટે લેન્ડ ગ્રેબીંગનો કાયદો સરકાર લાવી છે. આ કાયદા સંદર્ભે સરકાર કડકમાં કડક પગલાં લેશે. કાયદા મંત્રીએ જણાવ્યું કે ગુજરાતનો વિકાસ અને સમૃદ્ધિ વધી છે ત્યારે જમીનોના ભાવમાં ઉછાળો આવતા ખેડૂત જમીન માલિકોની ભૂમાફીયાઓ દ્વારા થતી છેતરપીંડીની વ્યાપક ફરીયાદો આવતા ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા રાજય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીંગનો કાયદો લાવવામાં આવ્યો છે. જેની સાથે છેતરપીંડી થઈ હોય તેવા અરજદારો કલેક્ટરના અઘ્યક્ષ સ્થાને બનાવેલી કમિટી સમક્ષ ફરીયાદ કરવાની રહે છે.

કાયદા મંત્રીએ જણાવ્યુ કે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહીબીશન) - 2020 કાયદા હેઠળ અત્યાર સુઘી 2,539 ફરીયાદો આવી છે જે પૈકી 113 ફરીયાદોમાં 414 આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયદા હેઠળ 12.51 લાખ ચો.મી. એટલે કે 309 એકર (773 વીઘા) જમીન મૂળ માલિકોને પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ગીર સોમનાથ જિલ્લામાં આ કાયદા અંતર્ગત થયેલી ફરીયાદ સંદર્ભે જણાવવું કે 8 કેસોમાં કમિટી દ્વારા સુઓમોટો ફરીયાદ કરવામાં આવી છે અને 31 અરજીઓ આ કાયદા અંતર્ગત કલેક્ટર સમક્ષ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp