ભારત અને રશિયાના આ પગલાંથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું

PC: pipanews.com

રશિયા પાસેથી તેલ ન ખરીદવાના અમેરિકા અને યુરોપિય દેશોના ભારે દબાણ છતાં ભારત અને ચીન રશિયા પાસેથી કાચા તેલની મોટી ખરીદી કરી રહ્યાં છે. આ વાતથી અમેરિકાની બેચેની સતત વધી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના આર્થિક સલાહકાર સિસિલિયા રાઉસનું કહેવું છે કે, ભારત અને ચીન દ્વારા રશિયાના તેલની ખપત તેમના અનુમાનથી વધુ છે.

વૈશ્વિક સ્તર પર વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો અને તે લગભગ 105 ડૉલર રહ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં કાચા તેલની કિંમતો 122 ડૉલર પ્રતિ બેરલ હતી. ચીન એકમાત્ર એવો દેશ છે કે જે એ રીતે ઉભરી રહ્યો છે કે, જ્યાં રશિયાના પ્રશાંત તટના બંદરો પરથી તેલ મોકલાઇ રહ્યું છે. રશિયાના પશ્ચિમી તટોથી ભારતને સૌથી વધારે તેલ નિકાસ કરવામાં આવી રહ્યું છે.

ભારત અને ચીન બે એવા દેશો છે કે, જ્યાં રશિયાના બંદરો પરથી સૌથી વધુ કાચા તેલની સપ્લાઇ કરવામાં આવી રહી છે. ચીન અને ભારત રશિયાના આ બંદરો પરથી મોકલવામાં આવેલું લગભગ અડધું તેલ ખરીદે છે. જૂન મહિનાના પહેલા સપ્તાહમાં રશિયાના પશ્ચિમી નિકાસ ટર્મિનલ્સના ટેન્કર્સમાં પ્રતિદિન લગભગ 8,60,000 બેરલ તેલ લોડ કરવામાં આવ્યું હતું. આ તેલ બાદમાં એશિયાના દેશોને મોકલવામાં આવતું હતું. 

બાઇડેનના આર્થિક સલાહકારોની પરિષદના અધ્યક્ષ સિસિલિયા રાઉસે કહ્યું કે, હાલ તેલ બજારોમાં મોટી ઉતર-ચડ આવી રહી છે. મેં સાંભળ્યું છે કે, ચીન અને ભારત આપણા અનુમાન કરતા વધારે રશિયન તેલ ખરીદી રહ્યાં છે. રાઉસે આ નિવેદન એવા સમયમાં આપ્યું છે કે, જ્યારે બાઇડેને કોંગ્રેસને પેટ્રોલ પર ટેક્સ ત્રણ મહિના માટે હટાવી દેવા માટે કહ્યું કે, જેથી ઉપભોક્તાઓને કંઇક રાહત આપી શકાય. બાઇડેન ઈચ્છે છે કે, બજારોમાં તેલની સપ્લાઇ વધારવા માટે આ ટેક્સને હટાવવામાં આવે.

બાઇડેનના આ પગલા પર રાઉસે કહ્યું કે, વૈશ્વિક સ્તર પર તેલની કિંમતમાં ઘટાડો ઉપભોક્તાને મળશે પણ તેની સામે મુશ્કેલીઓ પણ બનેલી છે. તેમણે કહ્યું કે, અમે કિંમતોમાં ઘટાડાનું સ્વાગત કરીએ છીએ. આશા છે કે, ઉપભોક્તાઓને પણ તેનો લાભ મળશે પણ અમે એ પણ જાણીએ છીએ કે, આ યુદ્ધ તરત જ સમાપ્ત નથી થવાનું.

જોકે, એવા કોઇ સંકેત નથી મળ્યાં કે, જેનાથી ખબર પડે કે, કોંગ્રેસ બાઇડેનનો અનુરોધ સ્વીકારશે કે નહીં. બાઇડેને રાજ્યોને પણ પેટ્રોલ પર ટેક્સ હટાવવા માટે કહ્યું હતું, કેટલાક રાજ્યો પહેલાથી જ ટેક્સ હટાવી ચૂક્યા છે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપિય દેશોએ રશિયા પર કેટલાક પ્રતિબંધો લગાવ્યા હતાં. તેમાં રશિયન તેલ પર પણ પ્રતિબંધ સામેલ છે. ત્યારબાદ રશિયાએ ભારત અને ચીન સહિત કેટલાક દેશોને ભારે છૂટ પર કાચુ તેલ વેચવાનું શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp