ગુજરાતની આ કોલેજના 10 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, તાત્કાલિક ક્લાસ બંધ

PC: youtube.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. ચૂંટણી પછી કોરોના વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. તો બીજી તરફ શાળા શરૂ થયા પછી શાળા અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની PDU મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાતા ક્લાસરૂમને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા વર્ષના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે.

રિપોર્ટ અનુસાર રાજકોટ PDU મેડીકલ કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. 200 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ક્લાસરૂમને બંધ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવાની સુવિધા ન હોવાના કારણે તેમની કોવિડ સેન્ટરમાં સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ રહેવાની સુચના આપવામાં આવી છે.

એક એવી પણ માહિતી સામે આવી રહી છે કે, પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓને એક જ લેકચર હોલમાં બેસાડવામાં આવ્યા હતા અને બેઠક વ્યવસ્થામાં સામાજિક અંતરનો ભંગ થયો હતો. જેથી મેડીકલ કોલેજમાં કોરોનાનું સંક્રમણ વધ્યું અને 10 વિદ્યાથી સંક્રમિત થયા. કોલેજ તંત્ર દ્વારા વર્ગખંડોને સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોલેજ તંત્રનું કહેવું છે કે, ફ્લેટમાં રહેતો એક વિદ્યાર્થી સંક્રમિત થયો હતો ત્યારબાદ તેનું સંક્રમણ અન્ય વિદ્યાથીઓમાં ફેલાયું.

આ બાબતે કોલેજના ડીન મુકેશ સવાણીએ જણાવ્યું હતું કે, અત્યારે ઓનલાઈન સ્ટડી ચાલૂ કરવામાં આવ્યું છે. આપણો પ્રયત્ન એવો છે કે, વધારે વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન થાય. પહેલા વર્ષના વિદ્યાર્થીઓમાં જ આ કેસ આવ્યા છે. બીજા વર્ષના વિદ્યાર્થીઓની બેચમાં કોઈ કોરોનાનો કેસ આવ્યો નથી એટલે તેમનું ઓફલાઈન શિક્ષણ ચાલુ જ છે.

ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા 4 માર્ચના રોજ શાળા અને કોલેજોમાં કામ કરતા લોકો અને વિદ્યાર્થીઓમાં અને ભણતા 3,294 વિદ્યાર્થી અને કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી રાંદેર ઝોનમાં 1 આચાર્ય, લીંબાયત ઝોનમાં ધોરણ 9ના 2 વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા હતા. તેમાં પણ ખાસ કરીને એક વિદ્યાથીની અન્ય 3 બહેનો પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp