562 રજવાડાનું એકીકરણ કરનાર જાંબાઝ સરદારનું બલિદાન અમરઃ ડૉ.જયરાજસિંહ જાડેજા

PC: khabarchhe.com

અસરદાર સરદાર વલ્લભભાઇ પટેલના સંસ્મરણો અને દેશદાઝને આવનારી પેઢીમાં જીવંત રાખવા યોજાયેલી રાષ્ટ્રીય એકતા બાઈક રેલી ભુજ નગર ખાતે ભવ્ય સન્માન સાથે ફરતાં નગરજનોએ પુષ્પવર્ષાથી સ્વાગત કર્યુ હતું. ભુજ ટાઉનહોલ ખાતે બાઈક રેલીના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં મોરબી-કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના પશ્ચિમ ભાગથી ગુજરાત પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પ્રારંભ થયેલી રાષ્ટ્રીય એકતા બાઈક રેલીએ દેશ અને દુનિયામાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપી દેશનું ગૌરવ વધારશે. આવનારી પેઢી પણ રાષ્ટ્રીય એકતાના તાંતણે બંધાઇ ભારત દેશની એકતા, વિકાસ અને ઉન્નતિ માટે તૈયાર થાય તેવા સંદેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોહપુરૂષને આપેલી સ્મરણાજંલિ છે.

અનેક મહાપુરૂષોને આવનારી પેઢી યાદ કરે અને તેમનો ભવ્ય ઈતિહાસ જળવાય તે માટે વડાપ્રધાન અને સરકાર દ્વારા આવા કાર્યક્રમો યોજાય છે. જેનાથી રાષ્ટ્ર પ્રેમ અને દેશની અંખિડતતા અને એકતાનો સંદેશ દેશવાસીઓ અને દુનિયામાં જીવંત રહેશે. આ તકે સાંસદે બાઈક રાઈડરોના માનમાં ઉપસ્થિત 1971ના પાકિસ્તાન ભારત યુધ્ધની માધાપરની વીરાંગના માતાઓને પણ બિરદાવી વંદન કર્યા હતા.

સાંસદે પ્રવચનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં અદનાથી લઇ અદકેરા માનવીના યોગદાન અંગે પ્રસંગો રજુ કરી વડાપ્રધાનની દીર્ધદષ્ટિ અને જનજનનો સરદાર પ્રેમ વર્ણવ્યો હતો. ભુજ નગરપતિ ઘનશ્યામ ઠકકરે આ પ્રસંગે સર્વે બાઈક રાઈડરોનો નગરજનોમાં દેશપ્રેમનો ઉત્સાહ વધારવા બદલ અભિનંદન અને આભાર માની ગુજરાત પોલીસના અનોખા કાર્ય બદલ પ્રસંશા કરી હતી. આ તકે ઉપસ્થિત વીરાંગનાઓ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે સંકળાયેલા સૌને બિરદાવ્યા હતા.

કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ.જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધનમાં સરદાર વલ્લભભાઇ પટેલના બાળપણ જીવન અને સ્વાતંત્ર્ય સંગ્રામ, દેશ અખંડીતતાના પ્રસંગો વર્ણવી તેમની સાદગી, બલિદાન, વીરતા અને જાંબાઝીને રજુ કરતાં જણાવ્યું હતું કે, 562 રજવાડાનું એકીકરણ કરનાર જાંબાઝ સરદારનું બલિદાન અમર રહેશે.

જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આ તકે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિતે લખપતથી પ્રારંભ રાષ્ટ્રીય એકતા બાઈક રેલી દ્વારા જાંબાઝ પોલીસ જવાનોને વધાવતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રને અખંડ રાષ્ટ્ર બનાવનાર સરદાર વલ્લભભાઇ પટેલને આ આપણી આદરાજંલિ છે. રેલી દ્વારા દેશપ્રેમ એકતાનો સંદેશ ફેલાવનાર અને તેને વધાવનારા તમામને શુભકામના પાઠવું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને આવનારી પેઢી વધુ ઓળખશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

સ્વાગત પ્રવચનમાં નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલે જણાવ્યું હતું કે, ઉરી, મૈત્રીસેતુ, કચ્છ અને કન્યાકુમારીથી પ્રારંભ થઇ આ રેલી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 26મી તારીખે પહોંચશે. ગઈકાલે લખપતથી નલીયા, માંડવી અને આજે ભુજ અને અંજાર ખાતે ફરશે.

આભારવિધિ કરતા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે આ કાર્યક્રમ સાથે જોડાયેલ તમામનો આભાર માનતા જણાવ્યું હતું કે, 19મીએ લખપતથી પ્રારંભ રાષ્ટ્રીય એકતા બાઈક રેલી દયાપર, બરંડા, વાયોર, નલીયા, કોઠારા, ડુમરા, બાયઠ, માંડવી, મોટા લાયજા, નાના આસંબીયા, દહીંસરા થઇ ભુજ નગરમાં ફરી છે તેમજ આગળ હવે કુકમા, રતનાલ, અંજાર, ગાંધીધામનાં ગામોના નગરજનોની પુષ્પવર્ષા બાઈરરાઈડરોનું મનોબળ વધારનાર છે. આગળ ભચાઉ, માળીયા, મોરબીથી આ રેલી રાજકોટ, અમદાવાદ, ખેડા, નડીયાદ, કરમસદ, આણંદ, ભરૂચ, બારડોલી સુરતથી કેવડીયા પહોંચશે. આ માર્ગોમાં જનઅભિવાદન કરનાર, જોડાનાર તમામનો પણ આ તકે તેમણે આભાર માન્યો હતો.

રાષ્ટ્રીય એકતા બાઈક રેલીને પોંખવા ભુજ નગરજનોએ પુષ્પવર્ષા રેલીનું સ્વાગત સાથે ભવ્ય સન્માન કર્યુ હતું જેના સન્માન કાર્યક્રમમાં અગ્રણી કેશુ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, નિવાસી અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અતિરાગ ચપલોત, મામલતદાર, ભુજ સી.આર.પ્રજાપતિ, સરપંચો, 1971ની માધાપર વીરાંગનાઓ તેમજ 25 બાઈક રાઈડરોને શાલ અને ચાંદીનો સિક્કો આપી સન્માનિત કરનાર ઈમરાન ચાકી, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને દેશપ્રેમીઓ ઉપસ્થિત રહયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp