ભાવનગરની કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, 70 દર્દી હતા દાખલ, દોડાદોડ થઇ ગઈ

PC: youtube.com

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની મોટાભાગની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળવા પણ મુશ્કેલ થઈ ગયા છે. ત્યારે કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અવાર નવાર સામે આવી રહી છે. તો ક્યારેક આ ઘટનાઓમાં દર્દીના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આવી વધુ એક ઘટના ભાવનગરમાં સામે આવી છે.

ભાવનગરમાં કાળુભા રોડ પર આવેલી એક્સ જનરેશન હોસ્પિટલમાં આવેલ સમર્પણ કોવિડ સેન્ટરમાં રાત્રે એકાએક આગ લાગી હતી. વેન્ટિલેટમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાના કહેવામાં આવી રહ્યું છે. આગની ઘટનાને પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને થોડીવાર માટે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 70 કરતાં પણ વધારે પોઝિટિવ દર્દીઓને 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓને સુરક્ષિત રીતે હોસ્પિટલની બહાર કાઢયા બાદ તાત્કાલિક અસરથી આગ પર ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

મહત્ત્વની વાત છે કે, આગની ઘટનાને પગલે મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, આગનું કારણ જાણીને જે કોઈની જવાબદાર હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તો બીજી તરફ હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે ડોક્ટર દ્વારા શૂટિંગ ઉતારવા બાબતે મીડિયા ખાતે પણ ઘર્ષણ કરવામાં આવ્યુ હતું પરંતુ ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ આ મામલો થાળે પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 30 એપ્રિલના રોજ ભરૂચની પટેલ રેફરલ હોસ્પિટલમાં પણ કોરોના વોર્ડમાં અચાનક આગની ઘટના બની હતી અને આગમાં 14 દર્દી અને 2 નર્સના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. હવે જોવાનું એ રહે છે કે આગની ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp