નશા માટે આયુર્વેદિક બિલ્વાસા પીણું વેચતા ઈસમની 1150 બોટલ સાથે ધરપકડ

PC: youtube.com

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. જેના કારણે કેટલાક ઇસમો દારૂના બદલે અન્ય નશાકારક પદાર્થોનું વેચાણ કરે છે. દરમિયાન આજે જામનગર પોલીસે આયુર્વેદિક બિલ્વાસા પીણાના નામે નશીલા પદાર્થનું વેચાણ કરતા એક ઇસમની ધરપકડ કરી હતી અને તેની પાસે રહેલા નશીલા પદાર્થની 1150 બોટલનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, ખંભાળિયા પોલીસને બાતમી મળી હતી કે, એક ઇસમ બિલ્વાસા પીણાના નામે કેફી પીણાનું વેચાણ કરી રહ્યો છે. ત્યારે પોલીસે ખંભાળીયા બજાર રોડ આવેલા ભગવતી હોલની નજીક ચિરાગ લુહાણને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાના પોલીસે ચિરાગ પાસેથી બિલ્વાસા પીણાની 1150 બોટલો ઝડપી પાડી હતી. ચિરાગ આ બોટલનું અંદાજિત 100 રૂપિયામાં વેચાણ કરતો હતો. પોલીસને વધુમાં જાણકારી મળી હતી કે, આરોપી ચિરાગ આ બોટલનું વેચાણ કરવાનો વ્યવસાય 15 દિવસથી કરતો હતો અને તેણે 15 દિવસમાં 7 પેટીનું વેચાણ કરી નાંખ્યું હતું. આ બિલ્વાસા પીણાની બોટલના નશો થતો હોવાના કારણે નશો કરતા લોકો આ બોટલ ખરીદતા હતા. આ ઉપરાંત આ બોટલોનું વેચાણ આયુર્વેદિક સ્ટોર અને મેડિકલ સ્ટોર સિવાય પ્રતિબંધક છે. છતાં પણ ચિરાગ ગેરકાયદેસર રીતે આ નશીલા પીણાનું વિતરણ કરતો હતો. ચિરાગ એક બોટલ 35 રૂપિયામાં તૈયાર કરતો હતો અને તે આ બોટલ 100 રૂપિયામાં વેચાણ કરીને બમણો નફો મેળવતો હતો.

પોલીસે આ બાબતે જણાવ્યું હતું કે, આ બોટલોમાં આલ્કોહોલ હોય છે કે નહીં, અને જો હોય છે તો કેટલા પ્રમાણમાં હોય છે. તે FSlનો રીપોર્ટ આવ્યા બાદ પછી જાણવા મળશે. તેની પાસેથી 23 પેટીમાં રહેલી 1150 બોટલ જપ્ત કરવામાં આવી છે. હાલ તેને જામીન મુક્ત કરવામાં આવ્યો છે. FSLનો રીપોર્ટ આવ્યા પછી તેના પર પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવશે. આ વ્યક્તિ અગાઉ પણ કેફી દ્રવ્યોનું વેચાણ કરતો હતો તે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp