કળીયુગઃ દીકરાએ માતાને ઢસડીને માર માર્યો, વીડિયો વાયરલ થતા અપાયા તપાસના આદેશ

PC: news18.com

તાજેતરમાં જ સૌએ મધર્સ ડે ઉજવ્યો. એક દિવસ પુરતા પોતાની માતાના ફોટા સોશિયલ મીડિયાના દરેક સ્ટેટસ પર મૂકીને સૌએ દૂધના ઊભરા જેવી લાગણી વ્યક્ત કરી. પરંતુ, મોરબીના કાંતિપુર ગામેથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક દીકરો પોતાની વૃદ્ધ માતાને ઢસડીને માર મારી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો પુત્રને ક્રુરતાના પર્યાય તરીકે ગણાવે છે. વીડિયોમાં દીકરો માતાને સાવરણીથી માર મારતો દેખાય છે.

જોકે, આ વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસે તપાસના આદેશ આપ્યા છે. કાંતિપુર ગામેથી વૃદ્ધ માતાને એક દીકરો માર મારી રહ્યો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જાણવા મળ્યું હતું કે, આ વૃદ્ધાનું નામ રંભાબેન પરમાર છે. એનો મોટો દીકરો મનસુખ પરમાર એને સાવરણી વડે માર મારી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ રંભાબેન એના મોટા દીકરાના ઘરે ગયા હતા. જેના કારણે દીકરો ગુસ્સે થયો હતો. મોટા દીકરાએ આવીને સાવરણીથી માતાને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટના વીડિયોમાં રેકોર્ડ થઈ હતી. આ વીડિયો મોરબી પાસે આવેલી કાંતિપુર ગામનો છે એવી ખાતરી ગામના સરપંચે કરી હતી. આ વીડિયો આશરે 20 દિવસ પહેલાનો હોવાનું જાણવા મળ્યું છે. આ વાયરલ વીડિયોના આધારે મોરબી પોલીસે તપાસના આદેશ આપ્યા છે. મોરબી SP સુબોધ ઓડેદરાએ યુદ્ધના ધોરણે તપાસના આદેશના આદેશ આપ્યા છે. આ કેસમાં કોઈ ફરિયાદ કરવા ઈચ્છે છે તો પોલીસ ફરિયાદ નોંધશે. સમગ્ર કેસની તપાસ કરવા માટે તાલુકા પોલીસ કાંતિપુરા જવા માટે રવાના થઈ છે.

થોડાં દિવસ પહેલા રાજકોટમાંથી પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પોતાના હકની લડાઈમાં પુત્રએ પત્ની સાથે મળીને માતાને ઢોર માર માર્યો હતો. આ કેસમાં માતાને સારવાર હેતુ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામે એકતા સોસાયટીમાં રહેતા પુષ્પાબેન પરમાર નામના વૃદ્ધાને એના પુત્ર રાજુ તથા એની પત્ની મોહીનીએ ઢોર માર માર્યો હતો. સારવાર હેતુ પુષ્પાબેનને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘરકંકાસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મારામારીના બનાવ વધી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp